54 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
સામાન્ય રીતે ચાર વર્ષની ઉંમરે, બાળકો ખાવા અને રમવા સિવાય બીજું કંઈ વિચારતા નથી. આવી સ્થિતિમાં, આ ઉંમરની એક છોકરી, જેણે ફક્ત પોતાનું કરિયર જ નક્કી કરી નાખ્યું તેવું નહીં, સાથે સમાજ માટે પણ કંઈક કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે કે માત્ર પાંચ વર્ષની ઉંમરે, છોકરીએ સામાજિક કાર્ય શરૂ કર્યું. આ માટે તેણે પોતાના અવાજને પોતાની શક્તિ બનાવી. આજે તે છોકરીએ અવાજ અને સામાજિક કાર્ય બંને ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવ્યું છે.
આજની સક્સેસ સ્ટોરીમાં સિંગર પલક મુચ્છલની વાર્તા વાંચો. ઇન્દોર જેવા નાના શહેરમાંથી આવેલી અને મુંબઈમાં પોતાનું નામ બનાવનારી પલક, તેના મિશન ‘દિલ સે દિલ તક’ દ્વારા અત્યાર સુધીમાં 3,473 બાળકોની હાર્ટ સર્જરી કરી ચૂકી છે. આ મિશન માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.
8 માર્ચે, પલકના મિશનને 25 વર્ષ પૂર્ણ થશે. આવી સ્થિતિમાં, પલકની સફળતાની વાર્તા તેના જ શબ્દોમાં…

હિન્દી ઉપરાંત, પલક 17 અલગ અલગ ભાષાઓમાં ગાય છે.
‘ચાર વર્ષની ઉંમરે, નક્કી કરી લીધું હતું કે સિંગર બનીશ’
‘બાળપણથી જ મારામાં મેચ્યોરિટી આવી ગઈ હતી. મેં અઢી વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું. ચાર વર્ષની ઉંમરે, મેં નક્કી કર્યું કે હું પ્લેબેક સિંગિંગ કરવા માંગુ છું. સંગીતની દુનિયામાં, હું મારા ઘરની પહેલી વ્યક્તિ છું. મને આ ક્ષેત્ર વિશે કોઈ જાણકારી નહોતી. જ્યારે મેં નક્કી કર્યું, ત્યારે મારી માતાએ તે મુજબ બધું આયોજન કરવાનું શરૂ કર્યું.’
‘જ્યારે પણ હું અને મારી માતા કેસેટની પાછળ ગાયકનું નામ જોતા, ત્યારે અમે પૂછતા, આ નામ કેવી રીતે આવ્યું? પછી ક્યાંકથી મને ખબર પડી કે શાસ્ત્રીય સંગીત શીખવું મહત્ત્વપૂર્ણ છે. તેથી હું કલ્યાણજી અને આનંદજીના ગ્રુપની સભ્ય બની. મમ્મીએ મને શબ્દોના ઉચ્ચારણ માટે ઉર્દૂ શીખવ્યું. ગઝલો શીખી. પાર્શ્વગાયન માટે મુંબઈ આવવું જરૂરી હતું. આવી સ્થિતિમાં, મારો પરિવાર ઇન્દોરમાં બધું છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગયો.’
કારગિલ યુદ્ધમાં સૈનિકો માટે પૈસા ભેગા કર્યા
‘1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હું પાંચ વર્ષની હતી. મને યાદ છે કે, મારી માતા અખબાર વાંચતી હતી અને મને કહેતી હતી કે સૈનિકોના પરિવારોને મદદ કરવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યા છે. મેં મમ્મીને કહ્યું, હું પણ મદદ કરવા માગું છું. હું નજીકની દુકાનોમાં ગઈ અને ત્યાં લતાજીનું ‘એ મેરે વતન કે લોગોં’ ગાયું. મને ૨૫ હજાર રૂપિયા મળ્યા. તે ઝુંબેશથી મને અહેસાસ થયો કે મારી પાસે અવાજની શક્તિ છે.’

સાત વર્ષની ઉંમરે, પોતાની ઉંમરના બાળકની સર્જરીની જવાબદારી લીધી
‘હું ખૂબ નાની હતી જ્યારે મને સમજાયું કે મારે સમાજ માટે કંઈક કરવું જોઈએ. જ્યારે હું એવા લોકોને જોતી હતી જેમની પાસે મારા જેટલા સંસાધનો નહોતા ત્યારે મને દુઃખ થતું હતું. તે સમયે, મારા મનમાં વિચાર આવ્યો, કાશ હું તેમને મદદ કરી શકું. પછી મને મારો અવાજ મળ્યો. પછી મને લાગ્યું કે હું આના દ્વારા લોકોના જીવ બચાવી શકું છું. પહેલા બાળક માટે, મેં અને મારા ભાઈ પલાશે ઇન્દોરમાં પરફોર્મ કર્યું.’
‘લોકેશ જે મારી ઉંમરનો હતો. તેમની સર્જરી માટે, મેં રસ્તા પર સ્ટેજ તરીકે એક રેકડીને સ્ટેજ બનાવ્યું અને ગાવાનું શરૂ કર્યું. મને બિલકુલ અપેક્ષા નહોતી કે પહેલા પર્ફોર્મન્સમાં 55000 રૂપિયા ભેગા થશે.
લોકેશની સર્જરી કરનારા ડૉ. શેટ્ટીએ કહ્યું કે તેઓ તેમની સર્જરી મફતમાં કરશે. પછી મેં તે પૈસાનો ઉપયોગ કરવા લોકોને કહ્યું કે બીજું જરૂરિયાતમંદ બાળક હોય તો તે મને મળવા આવે. પહેલા જ દિવસે હૃદયરોગના સાત દર્દીઓ આવ્યા. પછી મને પણ શો મળવા લાગ્યા.’
‘હું અત્યાર સુધી આ ફોર્મેટમાં કામ કરી રહી છું. બાળકો વેઇટિંગ લિસ્ટમાં છે, હું શો કરું છું અને શોના પૈસા તેમની સર્જરી માટે વપરાય છે. પહેલાં, 3 કલાક ગાતી, તો એક બાળકનો જીવ બચાવી શકતી. આજે, એક જ શો 10-12 બાળકોના જીવ બચાવે છે.’
ઓક્સિજન સપોર્ટ પર બાળકોને જોઈને હું ભાવુક થઈ જાઉં છું
‘હું બાળપણથી જ ભાવનાત્મક રીતે સંવેદનશીલ હતી. ઘણી વાર, જ્યારે બાળકો એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ પર આવે છે અથવા જ્યારે હું સર્જરી પહેલા તેમના પરિવારોને મળું છું, ત્યારે હું ભાવુક થઈ જાઉં છું. સર્જરી દરમિયાન હું ઓપરેશન થિયેટરમાં જાવ છું. હું ત્યાં ગીતાનો પાઠ કરું છું, પણ સર્જરી પછી, તેમના ચહેરા પર સ્મિત જોઈને મને રાહત થાય છે. તે ક્ષણ તમને ભાવનાત્મક અને મજબૂત બંને અનુભવ કરાવે છે.’

‘મારા મિશનને કારણે હું હંમેશા કર્જમાં રહું છું’
મિશન મારા માટે ગાયન કારકિર્દી કરતાં વધુ પડકાર આપે છે. મારે બાળકો વિશે વિચારવું પડશે. ઘણી વખત જ્યારે હું કોઈ શો કરું છું, ત્યારે બાળકોને તે સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હું શો કર્યા પછી પાછી આવું છું અને પછી તેની સર્જરી કરાવું છું. પૈસા ચૂકવવા પડે છે. ઇન્દોરમાં એક હોસ્પિટલ છે. જ્યાં મને 10 લાખ સુધીની ક્રેડિટ મળે છે. હું પહેલા સર્જરી કરાવું છું અને પછી પૈસા ચૂકવું છું. બાળકોના ઓપરેશન સતત ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, મારા પર હંમેશા દેવું હોય છે, પરંતુ હું આ દેવું સારું માનું છું.’

પોતાની ગાયકીની ડેમો સીડી લઈને લોકોને મળતી હતી
‘જ્યારે અમે ઇન્દોર છોડીને મુંબઈ ગયા, ત્યારે અમે કોઈને ઓળખતા નહોતા. અહીં આવ્યા પછી, હું ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બધાને ફોન કરતી અને મારા વિશે જણાવતી. હું લોકોને કહું છું કે, મારું નામ પલક છે. હું ગીતો ગાઉં છું. હું મુંબઈમાં છું અને જો મારા માટે કોઈ કામ હોય તો મને જણાવજો. મુંબઈ આવતાં પહેલાં, મેં વિવિધ શૈલીના ગીતો ગાઈને એક સીડી રેકોર્ડ કરી હતી. જ્યારે હું લોકોને કામ માટે ફોન કરતી હતી, ત્યારે કેટલાક લોકો મને મળવા માટે ફોન કરતા હતા. કેટલાક લોકો મને સીડી મોકલવાનું કહેતા, તેથી હું તેમને સીડી મોકલતી, પણ તેનાથી વધું કામ થતું નહોતું.’
‘સલમાન સરે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તમે મારી ફિલ્મમાં ગાશો’
‘મુંબઈમાં પહેલા અમે ફક્ત રૂમી જાફરીને જ ઓળખતા હતા. મુંબઈ આવ્યાના સાત દિવસ પછી મને તેમનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું સ્ટુડિયોમાં આવો મારે તમારો પરિચય કોઈની સાથે કરાવવો છે. હું સ્ટુડિયો ગઈ અને ત્યાં હું સલમાન સરને મળી. અમારી પહેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે તમે ખૂબ સારું ગાઓ છો અને ટૂંક સમયમાં તમે મારી ફિલ્મ માટે ગાશો. તેમને મળ્યાના એક મહિના પછી, મને ‘વીર’ ફિલ્મમાં ગીત ગાવાનો મોકો મળ્યો. તેમણે મારા કરિયરમાં મને પરિવારના સભ્યની જેમ સાથ આપ્યો. તેમણે મને દરેક જગ્યાએ માર્ગદર્શન આપ્યું છે, પછી ભલે તે કારકિર્દી હોય કે ફિટનેસ.

પલકના મિશનમાં યોગદાન તરીકે, સલમાને 100 બાળકોની સર્જરીનો ખર્ચ ઉઠાવ્યો.
‘આશિકી 2’ પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી
‘ચૌદ વર્ષ પહેલાં 2011 માં, અમે ઇન્દોર છોડીને મુંબઈ આવ્યા. જ્યારે અમે આવી રહ્યા હતા, ત્યારે અડધું શહેર અમને સ્ટેશન પર વિદાય આપવા આવ્યું. સારી રીતે સ્થાયી થયેલું ઘર છોડવું એ એક મોટો નિર્ણય હતો. ખાસ કરીને મારા પરિવાર માટે. તે નિર્ણય એક જોખમ હતું, જે આખા પરિવારે સાથે મળીને લીધો. સલમાન સાહેબના કારણે, મને પહેલો બ્રેક વહેલો મળ્યો અને ‘આશિકી-2’ પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નહીં. મને ‘આશિકી-2′ ફિલ્મમાં ગાવાની તક ફક્ત મારા ફોન કોલને કારણે મળી.’
લતાજી માટે લંડનમાં કોન્સર્ટ કરવો એ એક ખાસ ક્ષણ હતી ‘હું લતા દીદીનો મોટી ચાહક છું. મેં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લંડનના રોયલ આલ્બર્ટમાં પરફોર્મ કર્યું. તે બીબીસી પ્રોમ્સનો ખૂબ જ પ્રતિષ્ઠિત શો હતો, તે કોન્સર્ટ એવો હતો જેમાં હું વ્યક્તિગત રીતે સામેલ હતી. હું પ્રોડક્શન, વ્યવસ્થા, બધું જ જોઈ રહી હતી. મારી સાથે બર્મિંગહામ સિમ્ફની ઓર્કેસ્ટ્રાના 127 સંગીતકારોએ પર્ફોર્મ કર્યું હતું. તે કોન્સર્ટ અને તે ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ હતી.’
‘હું ગાવાનું સ્વપ્ન લઈને મુંબઈ આવી હતી’ તે સમયે, સૌથી મોટું સ્વપ્ન ફક્ત એક જ ગીત ગાવાનું હતું. મેં વિચાર્યું કે જો હું સખત મહેનત કરીશ તો મને એક ગીત મળશે અને કેસેટની પાછળ મારું નામ દેખાશે. મને તેનાથી ખુશી થઈ હોત, પણ હું ભાગ્યશાળી છું કે મેં ઉદ્યોગમાં દરેક સાથે કામ કર્યું છે. મેં 17 ભાષાઓમાં ગાયું છે. હવે મારી બકેટ લિસ્ટમાં ફક્ત વિશાલ-શેખર અને સલીમ-સુલેમાનજી જ બાકી છે. કદાચ ટૂંક સમયમાં હું તેમની સાથે પણ કામ કરીશ.
