ICC Champions Trophy 2025 : આઇસીસી વન ડે ચેમ્પિયન્સ ટ્રોફીની આજે રવિવારે ભારત અન ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ઈન્ડિયા ટીમે 254 રન કરતાં ‘ચેમ્પિયન’ બની છે, ત્યારે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીતની ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ભારતીય ટીમ ચેમ્પિયન બનતા દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, પાટણ, વલસાડ, મહેસાણા સહિત ગુજરાતભરમાં જશ્નોનો માહોલ છવાયો છે. લોકોએ ફટાકડા ફોડીને ફાઈનલમાં ભારતીય ટીમની જીતની ઉજવણી કરી રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ આખી ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’: 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં શાનદાર જીત
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે. આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા.