વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવા વાઈસ ચાન્સલેરની નિમણૂંકમાં થઈ રહેલા વિલંબના કારણે સર્ચ કમિટિ પર સવાલો ઉઠી રહ્યા છે.હવે સર્ચ કમિટિને લઈને નવો વિવાદ જાગ્યો છે.
સર્ચ કમિટિના એક સભ્ય તરીકે નિમાયેલા પ્રો.અતુલ વૈદ્યની નાગપુરની કેન્દ્રીય સંસ્થા નીરી ( નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયુટ)ના ડાયરેકટર તરીકે મુદત પૂરી થઈ ગઈ છે.તેમની નિમણૂક હવે મહારાષ્ટ્રની એક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે થઈ છે.જે પાર્લામેન્ટ એકટ હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટી નથી.જોકે હવે તેઓ ડાયરેકટર નથી રહ્યા તેમ છતા તેમને સર્ચ કમિટિના સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.
શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે કે, પ્રો.અતુલ વૈદ્યની નિમણૂક એમ.એસ.યુનિવર્સિટી દ્વારા થઈ હતી અને કોમન એકટના નિયમ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા જે સભ્ય નિમવામાં આવે તે પાર્લામેન્ટના એકટ હેઠળ સ્થપાયેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના ડાયરેકટર કે હેડ હોવા જોઈએ.
એક વરિષ્ઠ અધ્યાપકે કહ્યું હતું કે, હવે પ્રો.વૈદ્ય ડાયરેકટર નથી રહ્યા ત્યારે સર્ચ કમિટિમાં તેમની નિમણૂક સામે સવાલો પણ ઉઠી શકે છે.મહત્વની વાત એ છે કે, ત્રણ મહિનાથી બનેલી સર્ચ કમિટિ હજી વાઈસ ચાન્સેલરની પસંદગી નથી કરી શકી અને તે પહેલા તેના એક સભ્યની ડાયેરકટર તરીકેની મુદત પૂરી થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે, સર્ચ કમિટિના બે સભ્યોમાં રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી અનિસ માકડ અને કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.સત્યનારાયણનો સમાવેશ થાય છે.