પણજી2 કલાક પેહલા
- કૉપી લિંક
ગોવામાં 4 વર્ષના પુત્રની હત્યાના આરોપમાં જેલમાં રહેલી સ્ટાર્ટઅપ કંપનીની સીઇઓ સૂચના સેઠની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે લંબાવવામાં આવી છે. ગોવાની કલંગુટ પોલીસની માગ પર પણજીની એક કોર્ટે મહિલાની કસ્ટડી વધારી દીધી છે.
કલંગુટ પોલીસે હત્યાના મામલાને ક્રમશઃ સમજવા અને વધારે પુરાવા એકઠા કરવા માટે સમય માગ્યો છે. આ સિવાય બમ્બોલિમમાં ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેના પતિ વેંકટરમનના DNA ટેસ્ટ પણ પોલીસે કરાવી રાખ્યો છે.
આ પહેલાં 13 જાન્યુઆરીએ કલંગુટ પોલીસ સ્ટેશનમાં સૂચના શેઠ અને તેના પતિ વેંકટરમન સામસામે આવ્યાં. પોલીસે બંનેને એકસાથે બેસાડીને પૂછપરછ કરી. 15 મિનિટની પૂછપરછમાં પતિ-પત્નીની વચ્ચે ખૂબ જ વિવાદ થયો.
આ દરમિયાન પતિ રમને પૂછ્યું- દીકરાને કેમ માર્યો? આ અંગે સૂચનાએ કહ્યું કે મેં તેને માર્યો નથી, આ બધું તારા કારણે જ થયું છે. રમને પૂછ્યું- તેં નથી માર્યો તો કોણે માર્યો? આ સવાલના જવાબમાં સૂચના ચૂપ થઈ ગઈ અને કશું જ કહ્યું નહીં.
રમન શનિવારે પોતાનું નિવેદન નોંધાવવા માટે વકીલ સાથે ગોવાના કલંગુટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દીકરાની હત્યા સમયે તે ઇન્ડોનેશિયામાં હતો. પોલીસ દ્વારા દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા પછી તે 9 જાન્યુઆરીએ ભારત આવ્યો અને 10 જાન્યુઆરીએ દીકરાના અંતિમસંસ્કાર કર્યા.
સૂચનાએ સીન રિક્રિએશન સમયે સંપૂર્ણ ઘટના જણાવી
ગોવા પોલીસે જણાવ્યું હતું કે સૂચના સેઠના નિવેદનના આધારે શુક્રવારે (12 જાન્યુઆરી)ના રોજ દોઢ કલાક માટે ક્રાઇમ સીન રિક્રેએટ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂચનાને હોટલના રૂમમાં લઈ ગઈ, જ્યાં તે તેના પુત્ર સાથે રહી હતી.
ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન સૂચનાએ તેના ચાર વર્ષના પુત્રની હત્યા સાથે જોડાયેલી કેટલીક બાબતો પોલીસ સાથે શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેનો પુત્ર ગોવામાં હોટલના રૂમમાં ક્યાં સૂતો હતો, તેની સૂટકેસ ક્યાં રાખવામાં આવી હતી અને તેણે કેવી રીતે તેના પુત્રનો મૃતદેહ સૂટકેસમાં રાખ્યો હતો.
તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેના પુત્રના મૃત્યુ પછી તેણે એક ચાકુ લઈને પોતાનું કાંડું કાપ્યું અને સુસાઇડ કરવાની કોશિશ કરી. પોલીસે જણાવ્યું હતું કે સૂચનાએ બેંગલુરુથી ગોવાની વન-વે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી, કારણ કે તે પહેલાંથી જ રોડ માર્ગે પરત ફરવાનો ઇરાદો ધરાવતી હતી.
પતિના વકીલે કહ્યું- સૂચનાને સજા મળે કે જામીન, કોઈ ફરક નથી પડતો
સૂચનાના પતિના વકીલ અઝહર મીરે શનિવારે (13 જાન્યુઆરી) મીડિયા સાથે વાત કરી. તેણે જણાવ્યું કે બેંગલુરુની ફેમિલી કોર્ટમાં બાળકની કસ્ટડી માટે દંપતી વચ્ચે છેલ્લા એક વર્ષથી લડાઈ ચાલી રહી હતી. કોર્ટે પિતાને બાળક સાથે ફોન કે વીડિયો કોલ દ્વારા વાત કરવાની છૂટ આપી હતી.
નવેમ્બર 2023માં કોર્ટે પિતાને દર રવિવારે બાળકને ઘરે મળવાની મંજૂરી આપી હતી. જોકે સૂચનાએ કહ્યું હતું કે પિતાએ તેના પુત્રને કેફેમાં મળવું જોઈએ. વેંકટ 7મી જાન્યુઆરી એટલે કે રવિવારે પુત્રને મળવા જઈ રહ્યો હતો.
વેંકટ 7 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે સૂચનાના ઘરે ગયો અને 11 વાગ્યા સુધી રાહ જોતો રહ્યો. તેણે સૂચનાને મેસેજ પણ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. સૂચના છેલ્લા 5 રવિવારથી વેંકટને તેના બાળકને મળવા દેતી ન હતી.
એડવોકેટ અઝહરે કહ્યું હતું કે વેંકટ પોતાના પુત્ર માટે પોતાનો જીવ પણ આપી શકે છે. તે બાળક, જે હવે દુનિયામાં રહ્યું જ નથી તેના માટે હવે વેંકટને ન્યાય જોઈતો નથી. સૂચનાને સજા થાય કે જામીન મળે, એનાથી વેંકટને કોઈ ફરક પડતો નથી.
સૂચના સેઠના પતિએ બુધવારે (10 જાન્યુઆરી) કર્ણાટકના બેંગલુરુમાં હરિશ્ચંદ્ર ઘાટ ખાતે તેના ચાર વર્ષના પુત્રના અંતિમસંસ્કાર કર્યા હતા.
સૂચનાની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી, જેમાં લખેલું હતું- મારું બાળક મારી સાથે જ રહેશે
પોલીસને સૂચનાની બેગમાંથી ટિસ્યૂ પેપર પર લખેલી એક નોટ પણ મળી આવી હતી. એમાં લખ્યું છે – કોર્ટ અને મારા પતિ મારા બાળકની કસ્ટડીને લઈને મારા પર દબાણ લાવી રહ્યાં છે. મારા પતિ હિંસક છે. હું તેને એક દિવસ માટે પણ મારું બાળક આપી શકતી નથી. મારું બાળક મારી પાસે જ રહેશે.
પોલીસે જણાવ્યું હતું કે આ નોટ ટિસ્યૂ પેપર પર આઇલાઇનર અથવા કાજલ પેન્સિલથી લખવામાં આવી હતી. તેણે આ ચિઠ્ઠી લખીને ફાડી નાખી હતી. પોલીસે ટિસ્યૂ પેપરનો ટુકડો ફોલ્ડ કર્યો અને એમાં લખેલો મેસેજ વાંચ્યો.
પોલીસનું માનવું છે કે તે સુસાઈડ નોટ હોઈ શકે છે, કારણ કે સૂચનાએ પુત્રની હત્યા કર્યા બાદ તેના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હોટલના રૂમમાંથી છરી, ટુવાલ, ઓશીકું અને લાલ રંગની બેગ જપ્ત કરી છે.
6 જાન્યુઆરીએ સૂચનાએ તેના પતિને મેસેજ કરીને તેના પુત્રને મળવાનું કહ્યું હતું
સૂચના તેના પતિ વેંકટરમનથી અલગ રહેતી હતી. બંનેના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. બાળકની કસ્ટડી સૂચના પાસે હતી અને કોર્ટે વેંકટને દર રવિવારે તેના બાળકને મળવાની મંજૂરી આપી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સૂચનાએ 6 જાન્યુઆરીએ તેના પતિને મેસેજ કર્યો હતો કે તે બીજા દિવસે તેના પુત્રને મળી શકે છે. જોકે જ્યારે તે 7 જાન્યુઆરીએ તેના પુત્રને મળવા ગયો ત્યારે તેને ખબર પડી કે માતા અને પુત્ર બેંગલુરુમાં નથી. આ પછી વેંકટરમન એ જ દિવસે ઈન્ડોનેશિયા જવા રવાના થઈ ગયો.
ગોવાના હોટલના મેનેજરે જણાવ્યું હતું કે સૂચનાએ 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી અગાઉથી રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ 7 અને 8 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે તેણે 12:30 વાગ્યે અચાનક ચેકઆઉટ કર્યું. અગાઉના દિવસે તેણે રિસેપ્શનમાંથી તેના પુત્ર માટે કફ સિરપની બે બોટલ પણ મગાવી હતી.
સૂચના સેઠ અને વેંકટરમનનાં લગ્ન 2010માં થયાં હતાં. 2019માં સૂચનાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી બંનેએ 2022માં છૂટાછેડા માટે અરજી કરી હતી.
સૂચનાને તેના પતિ અને તેના બાળકની મુલાકાત ગમતી ન હતી
સૂચના નહોતી ઈચ્છતી કે તેનો પતિ તેના પુત્રને મળે. સૂચનાએ ઓગસ્ટ 2022માં તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું- મારા પતિ મારું અને મારા પુત્રનું શારીરિક શોષણ કરે છે.
સૂચનાએ દાવો કર્યો હતો કે તેના પતિની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. તેણે તેના પતિ પાસેથી ભરણપોષણ ભથ્થા તરીકે દર મહિને 2.5 લાખ રૂપિયાની માગણી કરી હતી.
ઘટના સમયે સૂચનાના પતિ વેંકટરમન જકાર્તા (ઇન્ડોનેશિયા)માં હતા. ગોવા પોલીસની સૂચના પર તે 9 જાન્યુઆરીએ કર્ણાટકના ચિત્રદુર્ગ આવ્યો હતો. વેંકટે બુધવારે (10 જાન્યુઆરી) બેંગલુરુમાં તેના પુત્રના અંતિમસંસ્કાર કર્યા.
મહિલાનો પૂર્વ પતિ વેંકટરમન જકાર્તા (ઇન્ડોનેશિયા)થી કર્ણાટકના ચિત્રદુર્ગા પહોંચ્યા હતા.
AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ સૂચના
સૂચના સેઠની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. તેને ડેટા સાયન્સ અને એઆઈમાં કામ કરવાનો 12 વર્ષનો અનુભવ છે.
સૂચનાને વર્ષ 2021માં AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ સિવાય તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે.