વડોદરાઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ જેવા ૨૬૩ ગુનાઓમાં સંડોવાયેલા ૧૭ આરોપીઓની ટોળકી (સિકલીગર ગેંગ) સામે બાપોદ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. આ ટોળકીએ ગેરકાયદેસરના બિનહિસાબી નાણાંમાંથી વસાવેલી મિલકતોને શોધી કાઢી તેને ટાંચમાં લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
આજવા રોડ એકતા નગરમાં રહેતા જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સિકલીગર વડોદરામાં રણોલી તથા સુરતમાં ઉધનામાં પણ રહેતો હતો. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી સિકલીગર ગેંગ નામની સંગઠીત ગુના આચરવાની ટોળકી ઓર્ગેેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં આરોપીઓ વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ, લૂંટ,ચોરી, ચેઇન સ્નેચીંગ તેમજ ગંભીર શરીર સંબંધી ૨૬૩ ગુનાઓ કર્યા હતા. આ ગેંગના ૧૭ સાગરીતો વિરૃદ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં બે કે તેથી વધુ ગુનાઓ દાખલ થયા છે. તા. ૦૧ – ૧૨ – ૨૦૧૯ પછી આ ટોળકીના સભ્યો દ્વારા એકલા કે સાથે મળીને સતત ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં દાખલ થયેલા પૈકી ૧૯૮ ગુનાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. જેના આધારે ૧૭ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ આ ગુનામાં પકડાયેલા ૧૦ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરીને પોલીસે ૩૦ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી એ.સી.પી. દ્વારા કરવામાં આવી હતી. પોલીસે અલગ – અલગ ૧૨ મુદ્દાઓ રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જેમાં એક મુદ્દો એવો પણ હતો કે, આરોપીઓએ ગુનાઇત પ્રવૃત્તિ થકી મેળવેલા ગેરકાયદે બિનહિસાબી નાણાંનો ક્યાં ઉપયોગ કર્યો છે, તેની તપાસ કરી મિલકતો મળી આવ્યે ટાંચમાં લેવાની કાર્યવાહી કરવા માટે પણ આરોપીઓની પ્રત્યક્ષ હાજરીની જરૃરિયાત છે. સ્પેશ્યલ સરકારી વકીલ આર.એન.પંડયાની રજૂઆતોને ધ્યાને લઇ પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એલ.ઓડેદરાએ આરોપીઓને આગામી ૧૮ મી તારીખ સુધી રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.