12 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ પોલિસીના કારણે અમેરિકામાં આ વર્ષે મંદી શરૂ થવાના સંકેત, બેરોજગારીના દરમાં વધારો તેમજ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વમાં ટ્રેડવોરની ભીતિના પગલે વૈશ્વિક બજારોમાં નોંધાયેલા કડાકાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. ટેરિફ વોરમાં ભારત પર ભીંસ વધવા લાગી હોઈ સરકારે અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડિલ કરીને ટેરિફમાં અપેક્ષાથી વધુ ઘટાડો કરવા સંમતિ આપી દીધાની ચર્ચા વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પના ટેરિફ વોરના પરિણામે નિકાસો પર નિર્ભર દેશોની હાલત કફોડી થવાના એંધાણમાં ચાઈનામાં ફુગાવો શૂન્યની અંદર આવી જવા સાથે ડિફલેશનની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહ્યાના અને ભારત પર ટેરિફ લાદવાનું સતત દબાણ સામે ભારતે ટેરિફમાં ઘટાડો કરવા તૈયારી બતાવ્યાના નિર્દેશોએ આજે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.72% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.70% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ, એફએમસીજી, યુટિલિટીઝ, ઓટો, ટેક અને ઇન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4092 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2506 અને વધનારની સંખ્યા 1466 રહી હતી, 120 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા 2.62%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.49%, ભારતી એરટેલ 1.93%, એચસીએલ ટેક 1.22%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.74%, કોટક બેન્ક 0.68%, ટાઈટન લિ. 0.59%, નેસ્લે ઇન્ડિયા 0.23% અને ટેક મહિન્દ્રા 0.01% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 27.17%, ઈન્ફોસીસ લિ. 2.48%, બજાજ ફિનસર્વ 1.81%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.77%, પાવર ગ્રીડ કોર્પ. 1.49%, એક્સીસ બેન્ક 0.98%, અદાણી પોર્ટસ 0.56%, એચડીએફસી બેન્ક 0.12% ટાટા સ્ટીલ 0.07%, બજાજ ફાઈનાન્સ 0.02% અને ટાટા મોટર્સ 0.01% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22564 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22373 પોઈન્ટના પ્રથમ અને 22303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22606 પોઈન્ટ થી 22676 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47999 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47808 પોઈન્ટ પ્રથમ અને 47676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48088 પોઈન્ટ થી 48188 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 48303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એસીસી લિ. ( 1885 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1844 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1828 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1898 થી રૂ.1903 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1913 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1673 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1644 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1626 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1688 થી રૂ.1694 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ટેક મહિન્દ્ર ( 1487 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1508 આસપાસ વેચવાલી થકી રૂ.1470 થી રૂ.1444 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1520 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ સિપ્લા લિ. ( 1452 ) :- રૂ.1477 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1484 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1434 થી રૂ.1408 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1490 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે આક્રમક ટેરિફ યુદ્ધ છેડ્યું છે. અમેરિકાના વહીવટી ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓની આડેધડ છટણી કરાઈ રહી છે. આ બધાં કારણોને લીધે અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાઓનો માહોલ સર્જાયો છે.
પરિણામે રોકાણકારો યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવી સુરક્ષિત અસ્કયામતો તરફ વળી ગયા છે. અમેરિકન બજારમાં કડાકો બોલતાં એની પ્રતિકૂળ અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી હતી છે અને ટ્રમ્પની નીતિઓના કારણે ટૂંકા ગાળાની મંદી આવી શકે છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના મતે, ટ્રમ્પની નીતિઓને લીધે અમેરિકાનો આર્થિક વિકાસ રૂંધાશે. વર્ષ 2025ના અંત સુધીમાં અમેરિકાનો આર્થિક વિકાસ અંદાજિત 2.2% રહેવાની અપેક્ષા હતી તે હવે ઘટીને 1.7% થઈ ગઈ છે. ગગડતાં માર્કેટોને સ્થિર કરવા માટે ટ્રમ્પ પોતાની નીતિઓમાં કંઈક હકારાત્મક બદલાવ લાવશે એવી સૌને અપેક્ષા છે ત્યારે આગામી દિવસોમાં અમેરિકન પ્રમુખના નિર્ણયો અને નીતિઓ પર ભારતીય શેરબજારની નજર રહેશે.