Panchmahal Mahavir Swami Idol Vandalized: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે આક્રોશ છે. સોમવારે (10 માર્ચ) બનેલી ઘટના બાદ પોલીસે મંગળવારે (11 માર્ચ) કેટલાક શકમંદોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. બીજી તરફ જૈન અગ્રણીઓ દ્વારા ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, વાહનોની અવર-જવર પર અસર
મહાવીર સ્વામીની મૂર્તિઓ ખંડિત કરાઈ
ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. રવિવારે કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. ગર્ભગૃહ બહાર સ્થાપિત ગૌતમ સ્વામીની પ્રતિમાનો તો પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું ધડથી અલગ કરી દેવાયું છે. આ ઘટનાની જાણ વાયુવેગે જૈન સમાજમાં પ્રસરી જતાં ભારે આક્રોશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જૈન સમાજની લાગણી દુભાણી
આ મામલે જૈન અગ્રણીઓએ મંગળવારે ઘોઘંબાના રાયગઢ પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. બી.ટી. બુટીયાને રજૂઆત કરી હતી કે, આરોપીઓને શોધી કાઢવામાં આવે. દુનિયાભરમાં વસતા લાખો જૈનોની ધાર્મિક લાગણી દુભાણી છે. મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવીના ફૂટેજના આધારે આ ઘટના ને અંજામ આપનાર તત્ત્વો ઉપર ગાળીયો કરવામાં આવી રહ્યો છે.