ભારતીય રેલવેએ લોકડાઉન પૂર્ણ થયા બાદ ટ્રેનો ફરી ચાલુ કરવા તૈયારીઓ આદરી દીધી છે.
ખાસ કરીને રનિંગ સ્ટાફને ફરજ માટે તૈયાર રહેવા જણાવી દેવાયું છે. જોકે, હજુ ટ્રેનો કઇ ચોક્કસ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પરંતુ, લોકડાઉન ના લંબાવાય તો તા. 15 એપ્રિલથી જ ટ્રેનો શરૂ કરી દેવા માટે તંત્ર સજ્જ થઇ રહ્યું છે.
રેલવેએ તેના રનિંગ સ્ટાફ ગાર્ડઝસ, ટીટીઇ, સુરક્ષા કર્મચારીઓ તથા અન્ય અધિકારીઓે લોકડાઉન પૂર્ણ થાય કે તરત જ ટ્રેનો ફરી ચાલુ કરવા માટે તૈયાર રહેવા જણાવી દીધું છે. કઇ તારીખથી ટ્રેનો ફરી શરૂ કરવી તે અંગે સરકારનાં નોટિફિકેશનની રાહ જોવાઇ રહી છે. પરંતુ તે પહેલાં રેલવેના તમામ ઝોનને એક રિસ્ટોરેશન પ્લાન આપી દેવાયો છે. કઇ કઇ ટ્ર્ેનો દોડશે, રેકની પ્રાપ્યતા, તેની ફ્રિકવન્સી વગેરે બધી બાબતો તૈયાર રાખવા જણાવાયું છે. દુરન્તો , શતાબ્દિ, રાજધાની સહિતની મહત્વની ટ્રેનો દોડાવવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સરકારે રેલવેને કોરોના વાયરસના ફેલાવા સંદર્ભમાં તકેદારી રૂપે તમામ પ્રોટોકોલનો અમલ કરવા જણાવ્યું છે. તેમાં ખાસ તો તમામ પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ કરવા સહિતની સૂચનાઓનો સમાવેશ થાય છે. જોકે, રેલવેના સિનિયર અધિકારીઓના જણાવ્યા અનુસારા છેલ્લે રેલવેને ટ્રેનો સસ્પેન્ડ કરવા સૂચના અપાઇ હતી તે પછી સરકાર તરફથી બીજો કોઇ આદેશ આવ્યો નથી. પરંતુ રેલવે પોતાની રીતે તમામમ 17 ઝોનને વિસ્તૃત રિસ્ટોરેશન પ્લાન મોકલી રહ્યું છે.
કોરોના વાયરસના ફેલાવાને પગલે દેશભરમાં તા. 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે તેને પગલે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે.