14 માર્ચે ફાગણ સુદ પૂનમના દિવસે ગુજરાતના મુખ્ય મંદિરોમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી થશે. આ દિવસે દ્વારકા, શામળાજી અને ડાકોરના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વાંચો ત્રણેય મંદિરમાં ફુલડોલ ઉત્સવનો ખાસ કાર્યક્રમ. સૌથી પહેલા
.


જગતમંદિર, દ્વારકા
શ્રીજીને ચાંદીની પિચકારીમાં કેસરજળનો છંટકાવ કરાશે દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ (14 માર્ચ) સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમિયાન સફેદ વસ્ત્રો સાથેનો અલૌકિક શૃંગાર કરવામાં આવશે, સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ સહિત અબીલ-ગુલાલથી ભક્તો ભગવાન સાથે હોળી રમશે.
ફૂલડોલ ઉત્સવ મનાવવા હજારો યાત્રિકો દ્વારકા તરફ રવાના દ્વારકામાં અત્યારથી જ ફુલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલા આરતીથી બપોરે અનોસર તેમજ સાંજે ઉત્થાપનથી શયન સુધી ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ભીડને કન્ટ્રોલ કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ગામેગામથી લાખો ભાવિકો પગપાળા તેમજ વાહનો દ્વારા આવી રહ્યા છે. જેમાં હાલારના જામનગર, ખંભાળીયા ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મોરબી, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, વિરમગામ સહિતના જિલ્લાઓમાંથી પણ પદયાત્રીઓ મોટી સંખ્યામાં ફુલડોલ ઉત્સવ મનાવવા નિકળી પડ્યા છે. પદયાત્રીઓમાં ભરવાડ તથા રબારી સમાજના ભાવિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે.

ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રે પણ વિવિધ સ્તરે યાત્રાળુઓની સુખાકારી, સલામતી તથા સુરક્ષા અંગે તડામાર તૈયારીઓ કરી છે. જેમાં પોલીસ વિભાગ, કલેક્ટર કચેરી, નગરપાલિકા, દેવસ્થાન સમિતિ તેમજ સ્વયંસેવી સંસ્થાઓ પણ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે. શહેરમાં ટ્રાફીક અનુસંધાને પણ એકમાર્ગીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ શહેર તેમજ આસપાસના પદયાત્રીઓ માર્ગમાં ભોજન, નાસ્તા, આરામના સ્ટોલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. પગપાળા ચાલીને આવતા ભક્તોની સુખાકારી માટે તમામ સ્ટોલ પર ભક્તો માટે આપવામાં આવતાં ચા-પાણી-નાસ્તો, જમવાનું, ફળોની ક્વોલિટી ચેક કરવામાં આવી રહી છે.
યાત્રીકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશને મોક્ષ દ્વારથી નિકાસ રીલાયન્સ રોડ, કિર્તી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબદ્ધ રીતે શ્રદ્ધાળુઓને છપ્પન સીડી વાટે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગત મંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ, મંડપ ઈત્યાદિ પણ ગોઠવાઈ ગયા છે.

પદયાત્રી માર્ગો પર દ્વારકા શહેરમાં નો-એન્ટ્રી કરાયેલા માર્ગો હોળી – ધૂળેટી પર્વ દરમિયાનન રાજ્યભરમાંથી પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા મૂકામે આવતો હોય, પદયાત્રીઓના ટ્રાફીકને લીધે કોઈ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.07.03.2025ના સવારે 8 કલાકથી તા.16.03.2025ના રાત્રે 8 વાગ્યા સુધી શહેરમાં વાહનોની કેટેગરી અનુસાર નોએન્ટ્રી પોઇન્ટ્સ જાહેર કરાયા છે.
જેમાં હાથીગેટથી દ્વારકાધીશ મંદિર, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક, કિર્તીસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદિર, મહાજન બજારથી દ્વારકાધીશ મંદિર, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર, જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મંદિર, ભથાણ ચોકથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મંદિર, કિર્તીસ્તંભ સર્કલથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મંદિર તરફના રસ્તાઓને તમામ ભારે વાહન, કાર, થ્રી વ્હીલર, ટુ-વ્હીલર માટે નો એન્ટ્રી કરાયા છે. આ ઉપરાંત ધીંગેશ્વર મંદિર સામેની ગલીથી દ્વારકાધીશ મંદિર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદિર તરફના રસ્તાને ભારે વાહન તમામ, કાર, થ્રી વ્હીલ માટે નો-એન્ટ્રી કરાયા છે. આ સિવાય ઈસ્કોન ગેઈટ ભથાણ ચોક – જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહન તમામ તથા કાર માટે તેમજ પોસ્ટ ઓફીસ ચાર રસ્તા ભદ્રકાલી ચોક તરફ, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ, હોસ્પીટલ ચાર રસ્તાથી મટુકી ચોક સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક, ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ મંદિર તરફ જતા રસ્તાઓને ભારે વાહનો તમામ તેમજ બસ માટે નો-એન્ટ્રી પોઈન્ટ્સ જાહેર કરાયા છે.

ભારે વાહનો પર પ્રતિબંધ હોળી ધૂળેટી પર્વ દરમિયાન રાજ્યભરમાંથી પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા મૂકામે આવી રહ્યો હોય, પદયાત્રીઓના ટ્રાફીકને લીધે કોઈ અકસ્માત ન થાય તે હેતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 16 માર્ચ, 2025ના રાત્રે 8 કલાક સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ડમ્પર જેવા તમામ પ્રકારના ભારે વાહનોને લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતાં રોડ, કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા જતાં રોડ, ચરકલા તરફ જતાં રેલવે ફાટકથી હેવથ્રોન હોટલ બાજુના રોડ, અલખ પંજાબી ઢાબા પાસેના ચરકલા ફાટકથી મુળવાનાથની જગ્યા સુધીના રસ્તા પર પસાર થવા પર તમામ ભારે વાહનોને મનાઈ ફરમાવવામાં આવી છે. ભારે વાહનો માટે ભાટીયા કુરંગા રોડનો વૈકલ્પિક રસ્તો બંને દિશામાં આવન-જાવન માટે ઉપયોગ કરવાનું જણાવાયું છે. આ જાહેરનામું ઈમરજન્સી વાહનો અને જિલ્લા એસ.પી. દ્વારા મંજૂરી મળેલા વાહનોને લાગુ પડશે નહિ. જાહેરનામાનું ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
તહેવારોમાં દ્વારકા શહેરમાં વન-વે પોઈન્ટ જાહેર હોળી ધુળેટીના તહેવારોમાં ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા તેમજ ગેરવ્યવસ્થા અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી વન વે પાોઈન્ટ જાહેર કરાયા છે. આ જાહેરનામા અનુસાર તા.07.03.2025ના સવારે 8થી તા.16.03.2025ના રાત્રે 8 કલાક સુધી દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને તેમજ તા.07.03.2025ના સવારે 8થી તા.16.03.2025ના રાત્રે 8 કલાક સુધી ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને પ્રવેશબંધી માત્ર એક્ઝીટ એટલે કે વન વે જાહેર કરાયા છે.

દ્વારકા શહેરમાં પાર્કીંગ-નો પાર્કીંગ ઝોન જાહેર હોળી ધૂળેટીના તહેવારોમાં યાત્રાધામમાં ટ્રાફીકજામની સમસ્યા નિવારવા તેમજ અવ્યવસ્થા અટકે તે હેતુ તેમજ દર્શનાર્થીઓની સલામતી માટે શહેરમાં પાર્કીંગ ઝોન તથા નો-પાર્કીંગ ઝોન જાહેર કરાયા છે. જાહેરનામા અનુસાર દ્વારકા શહેરમાં તા.07.03.2025થી તા.16.03.2025 સુધી પૂર્વ દરવાજાથી જોધાભા ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ – ઈસ્કોન ગેઈટ સુધી, ત્રણબતીથી મહાજન બજાર ચાર રસ્તા અને ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને શાક માર્કેટ સુધીના તેમજ શાકમાર્કેટ ચોકથી આજુબાજુના 50 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં તથા એસટી ડેપોના 100 મી. ત્રીજ્યાના વિસ્તાર તેમજ કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક મટુકી ચોક, ભદ્રકાલી ચોક આસપાસના 200 મીટર ત્રીજ્યા વિસ્તારને નો-પાર્કીંગ ઝોન જાહેર કરાયા છે.
હાથી ગેટ, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું મેદાન અને સ્વામીનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ, રાવળા તળાવ તેમજ અલખ હોટલની હાથીગેટ સામેના વિસ્તારને પાર્કીંગ ઝોન જાહેર કરાયા છે.
40 કિમીથી વધુ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા પર પ્રતિબંધ આ સાથે તહેવારોમાં પદયાત્રીઓ સાથે અકસ્માત ન સર્જાય તે હેતુ જિલ્લાના કેટલાક રસ્તાઓમાં ગતિમર્યાદામાં વાહન ચલાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે અંતર્ગત ઝાખર પાટીયા ખંભાળીયા રાણ લીંબડી – ભાટીયા કુરંગા, દ્વારકા રૂટ, ઝાખરના પાટીયા ખંભાળીયા રાણ લીંબડી ગુરગઢ દ્વારકાનો રૂટ, દ્વારકા-ઓખાનો રૂટ, દ્વારકા-નાગેશ્વરનો રૂટ, ભાટીયા – હર્ષદ માતાજી (ગાંધવી) રૂટ, હર્ષદ (ગાંધવી) – દ્વારકાના રૂટ પરથી ચાલતા વાહન ચાલકોએ તા.07.03.2025થી તા.16.03.2025 સુધી તેમનું વાહન 40 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદામાં તેમજ દ્વારકા શહેરમાં 20 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
બેટ દ્વારકામાં પણ ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ આગામી હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લા તથા અન્ય રાજ્યમાંથી પણ પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હોય અને બેટ દ્વારકા જતાં હોય, આ રસ્તા પર ટ્રાફીકના કાણે અકસ્માત ન સર્જાય તે હેતુ આગામી તા.08.03.2025ના સવારે 8 કલાકથી તા.16.03.2025 ના રાત્રે 8 કલાક સુધી બેટ દ્વારકા શહેરમાં સુદર્શન સેતુના ઓખા તરફ આવેલ છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી સરકારી એસ.ટી.બસ સિવાય ખાનગી બસો તથા તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ છે.
જામનગરથી એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા.11.03.2025થી 15.03.2025 સુધી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાને લઈ જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કર્યું છે. જે માટેનું બુકિંગ તા.11.03.2025થી 15.03.2025 સુધી ડેપો ખાતેથી કરવી શકાશે. વધુમાં એક જ ગૃપના 51 (એકાવન)થી વધુ મુસાફર ગૃપ બુકિંગ કરાવશે તો એસ.ટી બસ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે દ્વારકા-જામનગર રૂટ માટે રૂ.190, દ્વારકા-રાજકોટ રૂટ માટે રૂ.250, દ્વારકા-પોરબંદર રૂટ માટે રૂ.160, દ્વારકા-સોમનાથ રૂટ માટે રૂ.275, દ્વારકા-જુનાગઢ રૂટ માટે રૂ.240 ભાડું નિયત કરવામાં આવ્યું છે. જેથી ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફર જનતાને એસ.ટી બસોન વધુમાં વધુ લાભ લેવા એસ.ટી. વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો એસપીની સીધા માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 20 પીઆઇ અને 50 પીએસઆઇ એસઆરપી હોમગાર્ડ મળી 1400 જેટલા જવાન ખડેપગે રાખવામાં આવ્યા છે. દરેક રસ્તાઓ પર ટ્રાફિક પોઇન્ટ સાથે અનેક રોડ રસ્તાઓને વન-વે કરયા છે. મંદિર અંદર અને બહાર બેરીકેટીંગ તથા સીસીટીવી, ડ્રોન કેમેરા સહિત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જગત મંદિર પરિસરની અંદર તથા નિજ મંદિરમાં સિવિલ ડ્રેસમાં પુરુષ તથા મહિલા પોલીસ તૈનાત કરાયા છે તેમજ એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખવામાં આવી છે. દ્વારકાના રાહદારી માર્ગ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દ્વારકા પદયાત્રીઓની સંખ્યા વધતી રહેતી હોય સમગ્ર દ્વારકા શહેરમાં અત્યારથી જ માનવ કીડિયારું ઉભરાયું છે.
શામળાજી મંદિર
અગિયારસથી પૂર્ણિમા સુધી હોળી ઉત્સવ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના સાનિધ્યમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી કરાય છે. અગિયારસથી પૂર્ણિમા સુધી હોળી ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. હોળી સુધી ભગવાન શામળિયાને સ્વેત વસ્ત્ર પરિધાન કરાવવામાં આવે છે. દરરોજ પૂજારી દ્વારા કુદરતી અબીલ ગુલાલનો છંટકાવ કરવામાં આવે છે.
આ વખતે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી પ્રગટ્યોત્સવ ફાગણ સુદ ચૌદશ ને 13 તારીખ ને ગુરુવારના રોજ કરવામાં આવશે. પરંપરાગત મંદિર પરિસર માં સાંજે 6-30 કલાક પછી મંદિરના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવશે.

હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે આવશે
શામળિયાનો રંગોત્સવ પૂનમના દિવસે શણગાર આરતી વખતે કરાશે યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમા ઉત્સવ તારીખ 14/3/2025 ને શુક્રવારે ઉજવવવામાં આવશે. ભગવાન શામળિયાની જે પૂનમ ભરતા હોય છે એ ભક્તો 14 માર્ચ ને શુક્રવારે શામળિયાના દર્શનની જાંખી કરી શકશે. ભગવાન શામળિયાનો રંગોત્સવ (ફૂલ દોલોત્સવ) ફાગણ સુદ પૂનમના દિવસે શણગાર આરતી વખતે કરવામાં આવશે.

ભગવાન શામળિયાનો રંગોત્સવ ફાગણ સુદ પૂનમના દિવસે શણગાર આરતી વખતે કરાશે.
હોળી અને ધુળેટીના દિવસે દર્શનની અનોખી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી અને ધુળેટીના દિવસે દર્શનની અનોખી વ્યવસ્થા કરવામાં આવે છે. બહારથી આવતા ભક્તો માટે મંદિરના ગેટ નં 4 સામે પાર્કિંગની વ્યવસ્થા હોય છે. જો કે પૂનમના દિવસે વધારે વાહનોનો ધસારો હોય છે, એટલે હાઇવે પર જ એકતરફ વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે. દૂર દૂરથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે આવતા હોય છે. શામળિયાને હોળી ધુલેટી માટે ખાસ શણગાર તૈયાર કરવામાં આવે છે.

યાત્રાધામ શામળાજીમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી
ડાકોર મંદિર, ખેડા
રોશનીથી ઝળહળી ઉઠ્યું રણછોડરાયનું મંદિર ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો દબાદાભેર પ્રારંભ થયો છે. ડાકોર મંદિરમાં અનોખી રોશનીનો ઝગમગાટ કરાયો છે. હોળી ઉત્સવની ભવ્ય શરૂઆત યાત્રાધામ ડાકોરમાં થઈ છે ત્યારે, રણછોડજી મંદિરમાં 50થી વધુ સાર્ફિં લાઈટો અને 200થી વધુ પાર્લ લાઈટોથી રોશની કરવામાં આવી છે. આ સાથે અન્ય લાઈટો પણ લગાવવામાં આવી છે. પૂનમ અને હોળીના દિવસે ભક્તો રાજાધિરાજના દરબારમાં પહોંચી ધન્યતા અનુભવશે.
ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારીઓ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 14 માર્ચે યોજાનાર ફાગણી પૂનમે 5 લાખથી વધુ શ્રદ્ધાળુના આગમનની ધારણા છે.
આકસ્મિક સંજોગોને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ કરવામાં આવી છે. પાંચ એમ્બ્યુલન્સ ડાકોરના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ડાકોર મંદિરના ગેટ, ડાકોર CHC કેન્દ્ર, ગાયોનાવાડે, નગરપાલિકા અને ઠાસરા રોડ પર આવેલ PWD ખાતે 24 કલાક ઉપલબ્ધ રહેશે. ગરમી વધવાના કારણે સ્વાસ્થ્ય ન બગડે તેવી તકેદારી લેવા પદયાત્રીઓને અપીલ કરવામાં આવી છે.
દરેક એમ્બ્યુલન્સમાં પાયલોટ અને ઈએમટી સહિત ચાર વ્યક્તિઓની ટીમ તૈનાત છે. કુલ 20 કર્મચારીઓ 11થી 15 માર્ચ સુધી સેવા આપશે.
સુરક્ષાની દૃષ્ટિએ પોલીસનો વિશેષ બંદોબસ્ત સુરક્ષાની દૃષ્ટિએ પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા પણ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વ્યવસ્થા શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા માટે કરવામાં આવી છે.