Vadodara Food Safety : વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગ તરફથી હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને ધાણી, ચણા, મમરા, ખજૂર, હાયડા અંગે ચેકિંગ દરમિયાન કલરયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધુળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે.
શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં હોળી અને ધુળેટીના પર્વને સંલગ્ન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર, ધાણી, ચણા, પાપડી, હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી, ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો. જેથી એફએસએસએઆઇના નિયમના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.