Ahmedabad News : અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા થાઇલેન્ડથી આવતા બે મુસાફરો પાસેથી રૂ.1.29 કરોડની કિંમતનું 1,450.43 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. AIUએ બાતમીના આધારે ગઈકાલે 11 માર્ચ, 2025ના રોજ થાઈલેન્ડથી આવેલા બંને શખ્સોની અમદાવાદના એરપોર્ટથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
થાઈલેન્ડથી આવેલા બે મુસાફરો ઝડપાયા
અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, થાઈલેન્ડથી આવી રહેલા બંને મુસાફરોએ તેમના જીન્સના કમરબંધમાં સીવેલા પ્લાસ્ટિકના પટ્ટાઓમાં સોનું છુપાવ્યું હતું. આરોપીએ સોનાની પરખ ન થાય તે માટે સોનામાં ખાસ પ્રકારના રસાયણો ભેળવવામાં આવ્યા હતા.
રૂ.1.29 કરોડની કિંમતનું સોનું ઝડપાયું
સમગ્ર મામલે AIUને તપાસ દરમિયાન એક મુસાફર પાસેથી 725.71 ગ્રામ અને બીજા મુસાફર પાસેથી 724.72 ગ્રામ સોનું મળી આવ્યું. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અનુક્રમે રૂ.64.68 લાખ અને રૂ.64.59 લાખ આંકવામાં આવી હતી. આમ કુલ રૂ.1.29 કરોડની કિંમતનું 1,450.43 ગ્રામ 24 કેરેટ સોનું AIUએ જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં RTEમાં હવે મધ્યમ વર્ગને પણ મળશે લાભ, રાજ્ય સરકાર લેશે મોટો નિર્ણય
સમગ્ર મામલે AIU દ્વારા બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે અને મોટા દાણચોરી નેટવર્ક સાથે સંભવિત લિંક્સ શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે અધિકારીઓ એરપોર્ટ પર તકેદારી વધારવામાં આવી રહી છે.