2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
એક સમય હતો જ્યારે લોકો ફૂલોની પાંખડીઓ, કેસૂડાનાં ફૂલોથી બનેલા રંગો અને ગુલાલથી હોળી રમતા હતા. હવે બજારમાં કેમિકલવાળા રંગોનો ટ્રેન્ડ વધ્યો છે. આ રંગોમાં રહેલાં રસાયણો આપણી સ્કિન, વાળ અને સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ રંગો એટલા સખત હોય છે કે શરીર પર મોઇશ્ચરાઇઝર કે તેલ લગાવ્યા પછી પણ તે સરળતાથી ઊતરતા નથી.
આવી સ્થિતિમાં, જો તમે બજારમાં ઉપલબ્ધ રાસાયણિક રંગોથી બચવા માગતા હો, તો તમે ઘરે જ ઓર્ગેનિક રંગો તૈયાર કરી શકો છો. તે ફક્ત સ્કિન અને વાળ માટે જ સલામત છે એવું નથી, પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.
તો, આજે આ કામના સમાચારમાં આપણે ઓર્ગેનિક રંગો અને ગુલાલ વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- ઘરે ઓર્ગેનિક રંગો કેવી રીતે બનાવશો?
- આ બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડશે?
પ્રશ્ન: કૃત્રિમ રંગોમાં કયા રસાયણો ઉમેરવામાં આવે છે અને તે કેટલા ખતરનાક છે? જવાબ: ઇન્ડિયન જર્નલ ઓફ ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, બજારમાં ઉપલબ્ધ મોટાભાગના રંગોમાં ખતરનાક રસાયણો હોય છે. આનાથી સ્કિનની એલર્જી, આંખોમાં બળતરા અને અસ્થમા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અભ્યાસો એ પણ દર્શાવે છે કે કૃત્રિમ રંગો બાળકો માટે વધુ નુકસાનકારક છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો કે કૃત્રિમ રંગો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક છે.

પ્રશ્ન: હોળી માટે ઘરે ઓર્ગેનિક રંગો કેવી રીતે બનાવી શકાય? જવાબ: ઓર્ગેનિક રંગો માત્ર સલામત જ નહી પણ પર્યાવરણ માટે પણ સારા છે. ઘરે ઓર્ગેનિક રંગો બનાવવા માટે, કેટલાક કુદરતી ઘટકોની જરૂર પડે છે. નીચે આપેલા નિર્દેશોમાં તેને બનાવવાની પદ્ધતિ સમજો-
નારંગીમાંથી નારંગી રંગ બનાવો
આ માટે, નારંગીની છાલને સૂકવીને બારીક પીસી લો. તેમાં મકાઈનો લોટ અને થોડી હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને સુતરાઉ કાપડ અથવા ચાળણી દ્વારા ગાળી લો. તમારો નારંગી ગુલાલ તૈયાર છે.
પાલકમાંથી લીલો રંગ બનાવો
લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોથમીર, ફુદીનો અને પાલકમાંથી લીલો રંગ બનાવી શકાય છે. આ માટે, પહેલા આ પાંદડાઓને ધોઈને પીસી લો, પછી તેને ચાળણી દ્વારા ગાળી લો. તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. તમારો લીલો રંગ તૈયાર છે.
ગુલાલ બનાવવા માટે, આ મિશ્રણને પૂરતા પ્રમાણમાં મકાઈના લોટમાં ઉમેરો અને તેને હાથથી મિક્સ કરો. આ પછી તેને તડકામાં સુકાવો. પછી તેને સુતરાઉ કાપડથી ચાળી લો. તમારો લીલો ગુલાલ તૈયાર છે.
બીટમાંથી ગુલાબી રંગ બનાવો
આ માટે, 1-2 બીટ લો, તેને સારી રીતે છીણી લો. આ પછી, ચાળણીની મદદથી બીટરૂટનો રસ નિચોવી લો અને તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો. તમારો ગુલાબી રંગ તૈયાર છે.
ગુલાલ બનાવવા માટે, પ્રવાહીની માત્રા મુજબ મકાઈનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પાવડરને તડકામાં સુકાવો. આ પછી, તેને મિક્સરમાં પીસી લો અને તેને સુતરાઉ કાપડ દ્વારા ગાળી લો. તમારો ગુલાબી ગુલાલ તૈયાર છે.
ગુલાબની પાંખડીઓ અને જાસૂદના ફૂલોમાંથી લાલ રંગ બનાવો
ગુલાબની પાંખડીઓ અને જાસૂદના ફૂલોને એક કલાક પાણીમાં પલાળી રાખો અને પછી તેને બારીક પીસી લો. તેમાં મકાઈનો લોટ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને તેને તડકામાં સૂકવો. જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને સુતરાઉ કપડાથી ચાળી લો. હવે તમારો લાલ ગુલાલ તૈયાર છે.
હળદર અને ચણાના લોટથી પીળો રંગ બનાવો
1 કપ ગરમ પાણીમાં 2 ચમચી હળદર પાવડર મિક્સ કરીને ઉકાળો. તેને એક મોટી ટ્રેમાં રેડો અને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય, ત્યારે તેમાં 2 ચમચી ગુલાબજળ અને 3 કપ મકાઈનો લોટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. પછી તેને એકવાર પીસી લો અને તડકામાં સૂકવી લો. તે સુકાઈ જાય પછી, તેને સુતરાઉ કાપડથી ગાળી લો. આ રીતે તૈયાર થઈ જશે તમારો પીળો ગુલાલ.
આ ઉપરાંત હળદર અને ચણાનો લોટ ભેળવીને પણ પીળો ગુલાલ બનાવી શકાય છે. ઓર્ગેનિક રંગો અને ગુલાલ બનાવવાની બીજી પણ કેટલીક રીતો છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો-

પ્રશ્ન: ઓર્ગેનિક રંગો બનાવવામાં કેટલો સમય લાગે છે? જવાબ- તે તમે કયો રંગ બનાવવા માગો છો અને કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે. જો તમે રંગને પ્રવાહી સ્વરૂપમાં બનાવવા માગતા હો, તો તેમાં 10 થી 15 મિનિટનો સમય લાગી શકે છે. જ્યારે ડ્રાય કલર કે ગુલાલ બનાવવામાં 2-3 દિવસ લાગી શકે છે.
પ્રશ્ન- ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવાના ફાયદા શું છે? જવાબ: ઘરે બનાવેલા રંગો કુદરતી, પર્યાવરણને અનુકૂળ અને ત્વચા માટે સલામત છે. તે તમારા રસોડામાં કે બગીચામાં મળતી સરળ, રોજિંદા ઉપયોગની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. ઓર્ગેનિક રંગોથી કોઈ આડઅસર થતી નથી. જોકે, આના કારણે કેટલાક લોકોને સ્કિનની એલર્જી થઈ શકે છે.

પ્રશ્ન: ઘરે રંગો બનાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ: ઘરે બનાવેલા રંગો સલામત છે, પરંતુ તેમને બનાવતી વખતે કેટલીક સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. કોઈપણ રંગનો ઉપયોગ કરતાં પહેલાં, પેચ ટેસ્ટ કરો જેથી ખાતરી કરી શકાય કે તેનાથી કોઈ એલર્જી તો નથી થતી. બળતરા પેદા કરી શકે તેવા ઘટકોનો ઉપયોગ કરવાનું ટાળો.