Ahmedabad Vastral Viral Video : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
શું હતો મામલો?
કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
સ્થાનિકોમાં ડરનો માહોલ
ઘટનાના દૃશ્યો જોતા જ સ્થાનિકોમાં આ લોકોની વચ્ચે પડવાની હિંમત થઇ શકે તેમ નહોતી. પોલીસ માટે હવે આ ઘટના એક પડકારજનક સાબિત થઇ શકે તેમ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહનોમાં જતા લોકો સાથે આ તોફાની તત્વોએ બળજબરીપૂર્વક મારામારી કરી હતી. વીડિયોમાં લોકો એમ પણ કહેતા સંભળાય છે કે આ લોકો નશો કરીને આતંક મચાવી રહ્યા હતા.
પોલીસ હવે શું કરશે?
પોલીસ આવી ઘટના બાદ બીફોર આફ્ટરના વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે પરંતુ આવા આવારા તત્વોને પહેલાથી જ કન્ટ્રોલમાં રાખતા હોય તો આવી ઘટના ન બને. જોકે આ ઘટના પહેલા જ ડીજીપીએ તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમને હોળી-ધૂળેટી અને જુમ્માની નમાઝ એકસાથે હોવાને કારણે કોઈ અણગમતી ઘટના ન બને તેની તકેદારી લેવા કહ્યું હતું તેમ છતાં પોલીસના નાક નીચે જ આવી ઘટના બની છે જે ચિંતાજનક છે. આ મામલે પોલીસની નાઈટ પેટ્રોલિંગ સજ્જડ રીતે કરાતી હોવાની વાતો પણ પોકળ સાબિત થઇ છે.