ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ, 2025ના રોજ ટુ-વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. તદુપરાંત જે વાહનચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામા
.
આ પરિપત્ર મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 15,396 લોકો રોડ અકસ્માતમાં મોતને ભેંટ્યા છે. વર્ષ 2023માં રોડ પર અકસ્માત થવાના કારણે કુલ 7854 વાહનચાલકો મોતને ભેંટ્યા હતા તો વર્ષ 2024માં 7542 વાહનચાલકો મોતને ભેંટ્યા હતા. આમાં 35 ટકા લોકો એવા હતા કે, જેમના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીવ ગુમાવનાર આ વાહનચાલકોમાંથી 25% વાહનચાલકોની ઉંમર 26 વર્ષથી નીચેની હતી, જે ચિંતાજનક છે.
અગાઉ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પણ જણાવ્યું હતું કે, દેશમાં હેલ્મેટ ન પહેરવાને કારણે લગભગ 30 હજાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 66 ટકા લોકોની ઉંમર 18-34 વર્ષ વચ્ચેની હતી. તદુપરાંત શાળા-કોલેજોની સામે એક્ઝિટ-એન્ટ્રી પોઇન્ટ પર યોગ્ય વ્યવસ્થાના અભાવે આશરે 10,000 બાળકોનાં મોત નીપજ્યાં છે.
હેલ્મેટ વિના વાહન ચલાવનારા યુવાઓ માટે ચિંતાજનક પરિસ્થિતિ વડોદરા શહેરમાં દિવ્ય ભાસ્કર દ્વારા હેલ્મેટ વગર કોણ ક્યાં જઈ રહ્યું છે? એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિપત્ર બાદ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ જે ટુ-વ્હીલર લઈને આવે છે તે હેલ્મેટ અંગે કેટલા સતર્ક છે? તે પણ જાણ્યું. યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના મુખ્ય માર્ગો પર મોટાભાગના લોકો હેલ્મેટ વગર નજરે પડ્યા હતા. આ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ અર્થે આવનાર યુવાઓમાં માત્ર એકલ દોકલ હેલ્મેટ પહેરેલા નજરે પડ્યા હતા.
રાજકોટ કલેક્ટર કચેરીના મોટાભાગનાં કર્મચારીઓ હેલ્મેટ વિના નજરે પડ્યા સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે આજે રાજકોટ કલેકટર કચેરીની બહાર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે આ કચેરીના મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ વિના નજરે પડ્યા હતા. જોકે, કેમેરો જોતાની સાથે હેલ્મેટ ન પહેરેલા લોકોએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું પરંતુ, આ કચેરીના પટ્ટાવાળા હેલ્મેટ પહેરીને કલેક્ટર કચેરીથી ઘરે જતા જોવા મળ્યા હતા.

પટ્ટાવાળાએ અન્ય લોકોને સ્વ રક્ષણ માટે હેલ્મેટ પહેરવું જરૂરી બતાવ્યું કલેક્ટર કચેરીના પટ્ટાવાળા હરિસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હેલ્મેટ પહેરવાથી ઉનાળાની ગરમીમાં તડકાથી રક્ષણ મળે છે. ઉનાળામાં ઉંમરલાયક વ્યક્તિઓને માથાની ચામડી દાઝવાની બીક રહે છે. જોકે, આ હેલ્મેટ તેનાથી પણ રક્ષણ આપે છે. હું એક્ટિવા લઈને આવું છું એટલે જ્યારથી હેલ્મેટનો નિયમ આવ્યો ત્યારથી ઓફિસે હેલ્મેટ પહેરીને જાઉં છું પરંતુ, અમુક લોકોને હેલ્મેટ તમામ જગ્યાએ સાથે લઈને જવામાં મુશ્કેલી પડે છે. જે લોકોને બહાના કાઢવા છે તેમને કોઈ પહોંચી ન શકે પરંતુ, આ હેલ્મેટ આપણા રક્ષણ માટે છે જેથી, તે પહેરવું જોઈએ. કલેકટર કચેરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ જેવો હેલ્મેટ પહેરતા નથી તેઓને સંદેશો આપ્યો હતો કે, હેલ્મેટ પહેરી અને કાયદાનું પાલન કરવું જોઈએ.
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ કડક કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ, અવારનવાર કાર્યવાહી અને જાગૃતતા છતાં લોકોમાં હેલ્મેટ પ્રત્યે જૂજ જાગૃતતા જોવા મળી છે. પોલીસ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વડોદરા શહેર ટ્રાફિક શાખાએ માત્ર 10 દિવસમાં 2 હજાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. આ અભિયાન હજુ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે અને શહેરના મહત્વના પોઈન્ટ્સ પર ચેકિંગ સતત ચાલુ છે.

વિદ્યાર્થીએ શું પ્રતિક્રિયા આપી? નીતેશ વર્મા, વડોદરા યુનિવર્સિટીના PHD વિદ્યાર્થીએ હેલ્મેટ પહેરવાની મહત્વતા પર ભાર મૂકતા કહ્યું: “હેલ્મેટ એ જીવન માટે હવા અને પાણી જેટલું જ અગત્યનું છે. જો અકસ્માત થાય તો તેની સૌથી વધુ અસર પરિવારમાં જોવા મળે છે. દરેક યુવાએ હેલ્મેટ પહેરવાનું પ્રાથમિક કાળજી લેવા જોઈએ.”
2024માં પોલીસે હેલ્મેટના કેસમાં 1700 ટકા વધારે દંડ કર્યો અમદાવાદના ટ્રાફિક ડીસીપી સફીન હસને દાવો કર્યો હતો કે, 2024માં અમદાવાદ પોલીસે હેલ્મેટના કેસમાં 1700 ટકા વધારે દંડ કર્યો છે અને આગળ પણ આ કાર્યવાહી શરૂ રખાશે. 2022માં અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા બદલ 12,521 કેસ કરાયા હતા અને 62,71,300 રૂપિયાનો દંડ કરાયો હતો. જ્યારે 2023માં 11,279 કેસ કરાયા હતા અને 56,61,600 રૂપિયાનો દંડ કરાયો હતો. 2024ના જુલાઇ મહિના સુધીમાં 66,458 કેસ કરાયા છે અને 3,39,57,650 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે.

અકસ્માતથી દેશના GDPને 4 ટકા નુકસાન થાય છે લોકો હેલ્મેટ ન પહેરે તો સરકારને શું નુકસાન થાય એવો સવાલ થાય તે સ્વભાવિક છે. કોઇ અકસ્માત થાય તો તેનાથી સરકારને નુકસાન થાય છે. અકસ્માત થવાથી દેશના GDPને 4 ટકા નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે કોઈ માણસનો અકસ્માત થયો તો તેને ક્યાંક હોસ્પિટલ લઈ જવા પડે એટલે આવા વ્યક્તિને કોણ લઈ જાય? જેનો જવાબ છે 108 લઇ જાય. આ 108ના પૈસા કોણ આપે? સરકાર આપે. જેનો અકસ્માત થયો છે, તેમની સારવારનો ખર્ચ પણ થાય છે. સૌથી મોટું નુકસાન યુવાનોને છે કારણ કે, સૌથી વધારે ટુ-વ્હીલર યુવાનો ચલાવે છે. મોટાભાગના અકસ્માત 15થી 35 વર્ષની ઉંમરના વચ્ચેના લોકોના થાય છે. માની લો કોઈ યુવાન 28 વર્ષનો છે અને તેનું અકસ્માતમાં મોત થયું. તેને 2 વર્ષનું બાળક છે તો એ 2 વર્ષના બાળકનો શું વાંક? તેની માતા તેને કઇ રીતે મોટું કરશે?
હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા શું કરવું જોઇએ? હેલ્મેટ ન પહેર્યું હોય અને માથું જમીન પર અથડાય તો મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. જો 30 કિલોમીટર કરતાં વધુની ઝડપથી ટુ-વ્હીલર ચાલતું હોય તો માથામાં ઇજા થવાની પૂરેપૂરી શક્યતા છે. હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે બાળકોને સ્કૂલથી જ શીખવાડવું જોઈએ. આપણે ત્યાં માતા-પિતા આવું શીખવાડે છે પણ આ કામ તેમનું નથી. આ કામ જેને શીખવાડતા આવડતું હોય તેનું છે. મારી દૃષ્ટિએ રોડ સેફ્ટી દરેક સ્કૂલમાં કે.જી.થી શીખવાડવાનું શરૂ કરવું જોઈએ અને તેના લેસન પણ આપવા જોઈએ. બાળકોના અભ્યાસક્રમમાં પણ રોડ સેફટી આવે એના માટેના ઘણા વર્ષ સુધી અમે પ્રયત્ન કર્યા છે.
કડક નિયમો લાગૂ કરવાના સરકારના પ્રયાસો
- હેલ્મેટ વિના પકડાતા વાહનચાલકો પર ₹500થી ₹1,000 દંડ
- ટ્રાફિક પોલીસ દ્વારા CCTV અને AI આધારિત સર્વેલન્સનું સંચાલન
- મોટર સાયકલ વિક્રેતાઓ માટે પણ નવી ગાઈડલાઈન-નવા વાહન સાથે હેલ્મેટ આપવું ફરજિયાત
ગુજરાતમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોના અગાઉના આંકડા પર પણ એક નજર કરી લો







