Vadodara Accident: વડોદરામાં હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં ત્રણ ટુ-વ્હીલરને ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસે રિમાન્ડ પર લીધો હતો. જેમાં પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટ પાસેથી મંજૂર કર્યાં છે. જોકે, રિમાન્ડ બાદ આરોપીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને સયાજીરાવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આરોપી રક્ષિત ચોરસિયાને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, જ્યાં તે લંગડાતો જોવા મળ્યો, તે બન્ને પગે લાગી પણ શકતો ન હતો. રક્ષિત ઘટના સ્થળ પર લોકોની વચ્ચે બે કાન પકડી માફી માગતો જોવા મળ્યો.
પોલીસની પૂછપરછમાં રક્ષિત સતત એક જ વાતનું રણ કરી રહ્યો છે. કે, ‘મેં કોઈ નશો નહોતો કર્યો. વચ્ચે એક એક્ટિવા પડી હતી તેની સાથે મારી કાર અથડાતા મારી ગાડીની એરબેગ્સ ખુલી ગઈ અને મને કંઈપણ દેખાવાનું બંધ થઈ ગયું હતું’.
શું હતી સમગ્ર ઘટના?
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મેળવ્યા છે.
અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી
- હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
- પુરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
- કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ
- જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
- વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
- નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
- જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
- રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ