ગોધરા શહેરમાંથી વહેતી મેસરી નદીને પુનર્જીવિત કરવા માટે સામાજિક કાર્યકર સુજાત વલી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમાર અને લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવને લેખિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.
.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પર્યાવરણ સંવર્ધનમાં નદીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. માનવ સભ્યતાનો વિકાસ નદી કિનારે થયો છે. પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલન અને માનવીય પ્રવૃત્તિઓને કારણે જળસ્તર ઘટી રહ્યા છે.

આવેદનમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં નદીના પુનરુત્થાન માટે તજ્જ્ઞોની કમિટી બનાવવી, વિવિધ સ્થળે ચેક-ડેમ બનાવવા, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિકસાવવો અને નદીમાં ઠલવાતા ગંદા પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.
વધુમાં, મેસરી નદીને અન્ય જળાશયો સાથે જોડવાની માંગ કરવામાં આવી છે. નદીમાં ગંદકી ફેલાવનારા સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. નદી સાથે જોડાયેલા વરસાદી પાણીના નાળાઓને સ્વચ્છ રાખવા અને તેમાં ગટરનું પાણી ન ઠલવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.