પાટણ રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે એક દુःખદ ઘટના બની. સ્ટેશનમાં માળી તરીકે ફરજ બજાવતા તેજારામ મગનભાઈ પરમાર (59)નું માલગાડીની ટક્કરથી મોત નિપજ્યું હતું.
.
સવારે 9થી 10 વાગ્યા દરમિયાન તેજારામભાઈ વોટરવર્ક્સના બોરને ચાલુ-બંધ કરીને તેમની આઈ.ડબલ્યુ કચેરી તરફ જઈ રહ્યા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર 2 તરફ જવા માટે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન બીજા નંબરના ટ્રેક પર ભિલડીથી મહેસાણા તરફ જતી માલગાડી આવી ગઈ હતી. માલગાડીની ટક્કરથી તેમને ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં રેલ્વે સ્ટાફ અને મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાટણ રેલવે પોલીસ સ્ટેશન ચોકીના હેડકોન્સ્ટેબલ લાલાગીરી અને અન્ય કર્મચારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધ્યો છે. તેજારામભાઈ સ્ટેશન સંકુલમાં આવેલા રેલ્વે ક્વાર્ટર્સમાં રહેતા હતા. આ દુર્ઘટનાથી પાટણ સ્ટેશનના કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.