પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરવાના ગંભીર બનાવમાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે.
.
ઘટના અનુસાર, પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખાના કર્મચારી પ્રહલાદ ચતુરજી ભીલ રાત્રિ દરમિયાન રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે 20થી 25 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. ટોળાએ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને મારામારી કરી હતી.
આરોપીઓએ કર્મચારી સાથે જાતિ વિષયક અપમાનજનક વર્તન કર્યું હતું. એટલું જ નહીં, કર્મચારીના ખિસ્સામાંથી 200 રૂપિયાની રોકડ રકમની લૂંટ પણ કરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે સાત વ્યક્તિઓના નામજોગ સહિત કુલ 25 વ્યક્તિઓના ટોળા સામે લૂંટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસ દરમિયાન 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.