અમદાવાદ,રવિવાર
નરોડામાં રહેતા નાયબ સુબેદાર આર્મીમેન પતિ પત્ની ઉપર શંકા વહેમ રાખીને ઘરે આવે ત્યારે તકરાર કરીને મારઝૂડ કરતા હતા. અગાઉ સાસરીયાના ત્રાસથી પરિણીતાએ શરીર ઉપર કેરોસીન છાંટીને આગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી દિકરીના અવસાન પછી તકરાર કરીને પત્ની અને રોકાવા આવેલ સાળી તથા દિકરીને માર માર્યો હતો. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શંકા વહેમ રાખીને ઘરે આવે ત્યારે પતિ નશો કરીને અવાર નવાર મારઝૂડ કરતા ઃ તાજેતરમાં માર મારી કાઢી મૂકી ઃ નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
નરોડામાં ૪૦ વર્ષીય મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. જ્યારે પતિ પઠાણકોટમાં નાયબ સુબેદાર આર્મીમાં નોકરી કરે છે. લગ્નના એક મહિના બાદ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. તેમજ પત્ની ઘરની બહાર બેસે તો ખોટી શક વહેમ કરીને માર મારતો હતો. જેથી પરિણીતાએ સાસુ-સસરાને આ અંગે કહેવા જતા તેઓ પણ મેણા-ટોણા મારીને મારઝુડ કરતા હતા. ત્યારે પતિ જ્યારે પણ રજા પર ઘરે આવે ત્યારે ઝઘડો કરીને પત્નીને મારતો હતો.
વર્ષ ૨૦૧૩માં પત્નીએ પતિ પાસે દવાના રૃપિયા માંગતા મારઝૂડ કરી હતી. જેથી પત્નીએ પોતાની પર કેરોસીન છાંટીને આગ લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો આવી જતા તેને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. બાદમાં પરિણીતા પતિ સાથે દિલ્હી આર્મી કેમ્પમાં રહેવા ગઇ હતી ત્યાં પણ પતિ ઝઘડો કરતો હતો. જે બાદ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે બિમારીના કારણે પુત્રનું મોત થયુ હતુ. જેથી પતિને જાણ કરતા તે આવ્યો હતો અને પત્નીને જાહેરમાં ગાળો બોલીને ફટકારી હતી. છોડાવવા વચ્ચે પડેલી સાળીને પણ મારી હતી.