પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી નરસાણા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, મૃતક પુનાભાઈ ચારણ 11 માર્ચના રોજ સાંજે 7 વાગ્યા પછી તેમના મોટરસાયકલ પર નીકળ્યા હતા.
.
રાત્રે 8:53 વાગ્યે તેમણે પુત્ર સાથે છેલ્લી વાત કરી હતી, જેમાં તેમણે 10 મિનિટમાં ઘરે આવવાનું કહ્યું હતું. જ્યારે તેઓ ઘરે ન પહોંચ્યા ત્યારે, પરિવારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન ન ઉપાડતા ચિંતા વધી હતી. ત્યાર બાદ વિક્રમભાઈ પરમારનો ફોન આવ્યો કે, પુનાભાઈ નાળા પાસે પડ્યા છે. પરિવારજનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પુનાભાઈ મોટરસાયકલ સાથે પડેલા હતા અને માથાના ભાગે લોહી નીકળતું હતું.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, પુનાભાઈને માથાના જમણા ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક છેલ્લે નરસાણા નાડા ફળિયામાં મસલી ઉર્ફે આનંદીબેનના ઘરે હતા, જ્યાં મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો જશવંતભાઈ પરમારના લગ્ન અંગે ચર્ચા થઈ હતી. ત્યાંથી નીકળ્યા બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમની હત્યા કરી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી ચૌધરી દ્વારા અજાણ્યા ઈસમોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.