Surat Corporation : સુરત મહાનગરપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત એવા મિલ્કત વેરા તથા અન્ય વેરાની વસુલાત માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માગતી નથી. જાહેર રજા અને રવિવારના દિવસે પણ સુરત મહાનગરપાલિકા મિલકત વેરા સહિતના વેરા વસુલાત કરી રહી છે. સુરત પાલિકાના તમામ સીટી સિવિક સેન્ટર બીજા અને ચોથા શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે મિલ્કત વેરો સ્વીકારી રહી છે. તેમ છતાં સુરત પાલિકાનો મિલકત વેરો માંડ 66 ટકા જેટલી જ વસુલાત થઈ છે. હવે નાણાકીય વર્ષ પુરું થવા આડે 15 દિવસ બાકી છે તેથી ગત વર્ષ જેટલી વસુલાત થશે કે કેમ તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
સુરત પાલિકાએ ઓનલાઈન વેરો ભરનારા લોકોને ખાસ રિબેટ આપવા ઉપરાંત લોકો રવિવાર અને જાહેર રજાના દિવસે પણ વેરો ભરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આવતા બીજા અને ચોથા શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસે પણ પાલિકાએ મિલ્કત વેરાની વસુલાતની કામગીરી ચાલુ રાખી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પાલિકાએ મિલ્કત વેરા વસુલાત માટે 2329 કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો તેમાંથી હજી 1580 કરોડ જેટલો જ વેરો વસુલ થયો છે.
મિલકત વેરા ડિમાન્ડ અને રિકવરીનું ચિત્ર જોવામા આવે તો ડિમાન્ડ સામે હજી 66 ટકા જેટલી જ રિકવરી થઈ છે તેથી લક્ષ્યાંક 90 ટકા થાય તેવી શક્યતા પણ ધૂંધળી છે.