– પુણાની બાપા સીતારામ સોસાયટીમાંથી રૂ.500 ના દરની 18 જાલી ચલણી નોટ સાથે સુરેશ લાઠીદડીયા અને વિજય ચૌહાણને SOGએ ઝડપ્યા
– બંને પાસેથી બોગસ નોટ ફરતી કરી મેળવેલા રોકડા રૂ.1.04 લાખ, બોગસ નોટ ડીટેક્ટર મશીન પણ કબજે કર્યા : બોગસ નોટ બાંગ્લાદેશથી લાવીને આપનાર પ.બંગાળનો તાહીર શેખ વોન્ટેડ
સુરત, : સુરત શહેર એસઓજીએ પુણાગામ માનસરોવર સ્કુલની સામે બાપા સીતારામનગરમાં એક મકાનમાં રેડ કરી બાંગ્લાદેશથી વાયા પ.બંગાળ સુરતમાં 500 ના દરની હાઈ ક્વોલોટીની બોગસ નોટો મંગાવી ફરતી કરતા બે ને 18 બોગસ નોટો સાથે ઝડપી પાડી તેમની પાસેથી બોગસ નોટ ફરતી કરી મેળવેલા રોકડા રૂ.1.04 લાખ, બોગસ નોટ ડીટેક્ટર મશીન, ત્રણ મોબાઈલ ફોન વિગેરે કબજે કરી બોગસ નોટ બાંગ્લાદેશથી લાવીને આપનાર પ.બંગાળના યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ હિતેષસિંહ દિલિપસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ ભીમાભાઇને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.પી.ચૌધરી અને સ્ટાફે ગતરાત્રે પુણાગામ માનસરોવર સ્કુલની સામે બાપા સીતારામનગર ઘર નં.26 ના પહેલા માળે રહેતા અને કેટરીંગનું કામ કરતા સુરેશભાઇ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઇ લાઠીદડીયા ( ઉ.વ.55, મૂળ રહે.કંજડા, તા.પાલીતાણા, જી.ભાવનગર ) અને તેમની સાથે જ કેટરીંગનું કામ કરતા વિજય નરશીભાઇ ચૌહાણ ( ઉ.વ.27, રહે.ઘર નં.32, રામદેવ સોસાયટી, પુણાગામ તળાવની સામે, પુણાગામ, સુરત. મૂળ રહે.મંગેળા, તા.તળાજી, જી.ભાવનગર ) ને 500 ના દરની હાઈ ક્વોલોટીની 18 બોગસ ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા.એસઓજીએ તેમની પાસેથી બોગસ નોટો ઉપરાંત માર્કેટમાં ફરતી કરેલી બોગસ નોટોની સામે મેળવેલા રૂ.1,03,880, ત્રણ મોબાઈલ ફોન અને બોગસ નોટ ચેક કરવાનું ડીટેક્ટર મશીન પણ કબજે કર્યું હતું.
એસઓજીએ ઝડપાયેલા બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી બોગસ ચલણી નોટનો વેપલો કરતા સુરેશભાઇ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઇ લાઠીદડીયા તમામ નોટ બાંગ્લાદેશ અને પ.બંગાળની સરહદ ઉપર આવેલા માલદામાં રહેતા તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા રઇજુદ્દીન શેખ પાસે મંગાવતો હતો.તાહીર બોગસ નોટ બાંગ્લાદેશથી મેળવીને તેને આપતો હતો અને બાદમાં બંને બોગસ નોટને રાત્રીના સમયે શાકમાર્કેટ, પાનના ગલ્લા, કરીયાણાની દુકાન ઉપર વટાવીને તેની સામે જે અસલ પૈસા મળતા તે સરખે ભાગે વહેંચતા હતા.એસઓજીએ આ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તાહીરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રૂ.1 લાખમાં 3 લાખની જાલી નોટ બે વખત લાવ્યા હતા : નોટ ચેક કરવા નોટ ડીટેક્ટર મશીન પણ ખરીદ્યું હતું
સુરત, : એસઓજીની તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરેશ અને વિજય રૂ.1 લાખના બદલામાં રૂ.3 લાખની બીગસ નોટ ખરીદતા હતા.નવ મહિના અગાઉ પહેલી વખત તાહીર સુરત આવી રૂ.3 લાખની બોગસ નોટ આપી ગયો હતો.જયારે એક મહિના પહેલા સુરેશ ટ્રેનમાં હાવડા ગંગાઘાટ ખાતે તાહીરને મળ્યો હતો અને ફરી રૂ.1 લાખની સામે રૂ.3 લાખની બોગસ નોટ મેળવી સુરત પરત ફર્યો હતો.સુરેશે બોગસ નોટ ચેક કરવા અને બોગસ નોટની સામે આવતી નોટ અસલી છે કે કેમ તે ચેક કરવા તેણે એમેઝોન પરથી રૂ.2475 માં ચાઈનીઝ બનાવટનું નોટ ડીટેક્ટર મશીન પણ ખરીદ્યું હતું.
સુરેશને અગાઉ એટીએસએ પકડયા બાદ જેલમાં ગયો ત્યારે પ.બંગાળના તાહીર શેખ સાથે સંપર્ક થયો હતો
સુરત, : છેલ્લા 18 વર્ષથી બોગસ નોટનો વેપલો કરતો સુરેશ લાઠીદડીયા અત્યાર સુધીમાં સાતથી આઠ વર્ષ સુધી જેલમાં રહ્યો છે.તેને વર્ષ 2010 માં સુરત ક્રાઈમ બ્રાન્ચે પહેલી વખત પકડયા બાદ તેના વિરુદ્ધ એનઆઈએ કોલકત્તામાં વર્ષ 2015 માં એક અને એનઆઈએ અમદાવાદમાં વર્ષ 2019 માં બે તેમજ સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ 2016 માં, જૂનાગઢ સી ડિવીઝનમાં વર્ષ 2018 માં એટીએસ દ્વારા અને તે જ વર્ષે એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત એટીએસએ તેને ઝડપીને અમદાવાદ સાબરમતી જેલમાં રાખ્યો હતો ત્યારે ત્રણ વર્ષ અગાઉ તે જ ગુનામાં ઝડપાયેલા પ.બંગાળના માલદાના શુકપરા ગામનો તાહીર શેખ પણ જેલમાં બંધ હોય તેની સાથે ઓળખાણ થઈ હતી.બંને વચ્ચે ત્યારે બોગસ નોટ વટાવવા અંગે વાત થઈ હતી અને દોઢ વર્ષ અગાઉ બંને સાથે જેલમાંથી જામીન મુક્ત થયા હતા.ત્યાર બાદ જયારે સુરેશે બોગસ નોટ વટાવવા વિજય ચૌહાણ સાથે વાત કરી નોટ મેળવવા તાહીરનો સંપર્ક કર્યો હતો.
કેટરીંગના ધંધામાં આર્થિક ભીંસમાં મુકાયેલા વિજયે સુરેશ સાથે મળી નવ મહિનાથી માર્કેટમાં જાલી નોટો ફરતી કરવાનું શરૂ કર્યું હતું
સુરત, : સુરેશની સાથે બોગસ નોટ વટાવી ફરતી કરનાર વિજય ચૌહાણની પત્નીએ આપઘાત કરતા પોલીસે તેની આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી હતી.તેમાં જામીન મુક્ત થઈ લોકડાઉનના સમયમાં અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર વિજય કેટરીંગના વ્યવસાયમાં સુરેશના સંપર્કમાં આવ્યો હતો.તે અરસામાં પ્રેમલગ્નને લીધે પરિવારનો સપોર્ટ ન હોય તે આર્થિક તંગીમાં ફસાયો હતો અને ત્યારે સુરેશે બોગસ નોટ ફરતી કરવાનું કહેતા તેણે છેલ્લા નવ મહિનાથી તેની સાથે બોગસ નોટ મંગાવીને ફરતી કરવાનું શરૂ કર્યું હતું.
કોડવર્ડ : જાલી નોટ માટે ‘માવો’ અસલી નોટ માટે ‘શેકેલો માવો’
સુરત, : સુરેશ અને વિજયે નોટ માટે કોડવર્ડ રાખ્યો હતો.તેઓ બોગસ નોટ માટે માવો શબ્દ વાપરતા હતા.જયારે તેની સામે મળેલી અસલી નોટને તેઓ શેકેલો માવો કહેતા હતા.જો 10 હજારની બોગસ નોટ હોય તો તેઓ 10 માવો તેમ કહેતા હતા.
એસઓજી પીઆઈએ માર માર્યાની વિજયે કોર્ટમાં ફરિયાદ કરી
સુરત, : એસઓજીએ આજરોજ સુરેશ અને વિજયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા ત્યારે વિજય ચૌહાણે કોર્ટ સમક્ષ પીઆઈ ચૌધરીએ માર માર્યાની ફરિયાદ કરી હતી.આથી કોર્ટે રિમાન્ડ અરજી આવતીકાલ સુધી મુલતવી રાખી બંનેને જેલમાં મોકલી આપ્યા હતા.