36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉનાળાનાં સુપરફૂડ્સની યાદીમાં ડુંગળીનો પણ સમાવેશ થવો જોઈએ. આયુર્વેદમાં તે શરીરને ઠંડુ રાખવા માટે જાણીતું છે. ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે તડકા અને તીવ્ર ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
ડુંગળીનો ઉપયોગ સામાન્ય રીતે ફૂડ ગ્રેવી બનાવવા, મસાલા બનાવવા અને સલાડ તરીકે થાય છે. ડુંગળી ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
જર્નલ પબ્લિશિંગ પ્લેટફોર્મ ‘ફ્રન્ટિયર’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ડુંગળીમાં કેન્સર વિરોધી, ફૂગ વિરોધી, સ્થૂળતા વિરોધી, બેક્ટેરિયા વિરોધી, બળતરા વિરોધી અને ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો છે.
એટલું જ નહીં, ડુંગળીમાં કાર્ડિયોવસ્ક્યુલર પ્રોટેક્ટિવ, ન્યુરો પ્રોટેક્ટિવ, રેસ્પિરેટરી પ્રોટેક્ટિવ અને પાચનતંત્ર પ્રોટેક્ટિવ સહિત ઘણા ગુણધર્મો પણ છે. એકંદરે, ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તો આજે ‘ઉનાળાનાં સુપરફૂડ્સ’ સિરીઝમાં આપણે ડુંગળી વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- ડુંગળીનું પોષણ મૂલ્ય શું છે?
- સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?
- ડુંગળી કોણે ન ખાવી જોઈએ?

ડુંગળી પોષક તત્વોથી ભરપૂર હોય છે
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) અનુસાર, ડુંગળીમાં વિટામિન B6 અને ફોલેટ, તેમજ પોટેશિયમ, ફાઇબર, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા અનેક ખનિજો હોય છે. આ પોષક તત્વો આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમાં ફ્લેવોનોઈડ્સ, ગ્લુટાથિઓન, સેલેનિયમ, વિટામિન ઈ અને સી જેવા એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે રામબાણ બનાવે છે. નીચે આપેલા ગ્રાફિકમાં 100 ગ્રામ ડુંગળીનું પોષણ મૂલ્ય જાણો-

ડુંગળી સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે
ડુંગળીમાં હાજર વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે. આ મુક્ત રેડિકલ શરીરમાં બળતરા અને ઘણા રોગોનું કારણ બને છે. ડુંગળીમાં સલ્ફર અને ક્વેર્સેટિન નામના એન્ટીઑકિસડન્ટ હોય છે, જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. ડુંગળીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે, જેનાથી પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે, જે શરીરને બેક્ટેરિયા અને વાયરસથી બચાવે છે. ખાસ કરીને તે શરદી, ખાંસી અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
આ ઉપરાંત ડુંગળીમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ હાડકાંને મજબૂત બનાવે છે. વિટામિન સી અને સિલિકા ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. તે કાળા ડાઘ, કરચલીઓ અને ખીલને રોકવામાં મદદ કરે છે. નીચે આપેલા ગ્રાફમાં દરરોજ ડુંગળી ખાવાના 10 ફાયદાઓ વિશે જાણો-

ડુંગળી સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: ઉનાળામાં ડુંગળી ખાવી કેમ ફાયદાકારક છે? જવાબ: વરિષ્ઠ ડાયટિશન ડૉ. પૂનમ તિવારી કહે છે કે, ઉનાળાની ઋતુમાં દરરોજ ડુંગળી ખાવાથી પરસેવો ઓછો થાય છે કારણ કે તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં ઠંડકની અસર હોય છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે.
તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે, જે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેથી, ઉનાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોક અને સનસ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
પ્રશ્ન: શું ડાયબીટિઝના દર્દીઓ પણ ડુંગળી ખાઈ શકે છે? જવાબ: ડાયબીટિઝના દર્દીઓ માટે ઉનાળો પડકારજનક હોય છે કારણ કે ખોરાકમાં ફેરફાર અને અતિશય ગરમીને કારણે તેમના બ્લડ સુગરના સ્તરમાં વધઘટ થાય છે.
આવી સ્થિતિમાં, ડુંગળી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ક્રોમિયમ સંયોજન ઈન્સ્યૂલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
પ્રશ્ન: શું ડુંગળી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે? જવાબ: ડુંગળીમાં હાજર પોટેશિયમ અને સલ્ફર કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
તેમાં હાજર ઘણા અન્ય ફાયટોકેમિકલ્સ રક્ત વાહિનીઓની બળતરા ઘટાડીને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
પ્રશ્ન: શું ડુંગળી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે? જવાબ: ડુંગળીમાં કેલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવ કરાવે છે. આનાથી ભૂખ ઓછી લાગે છે.
ડુંગળીમાં કેટલાક સંયોજનો હોય છે જે ચયાપચય સુધારવામાં મદદ કરે છે. આનાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ધ્યાનમાં રાખો કે ફક્ત ડુંગળી ખાવાથી વજન ઓછું થશે નહીં. આ માટે, સ્વસ્થ અને સંતુલિત આહાર લેવાની સાથે, નિયમિત કસરત કરવી પણ મહત્વપૂર્ણ છે.
પ્રશ્ન: ડુંગળી આપણા પાચનતંત્ર માટે કેમ સારી છે? જવાબ: ડુંગળીમાં ફાઇબર અને પ્રીબાયોટિક્સ જેવા કે ઇન્યુલિન અને ફ્રુક્ટુલિગોસેકરાઇડ્સ (FOS) હોય છે, જે પાચનતંત્રમાં સુધારો કરે છે. આ ઉપરાંત, ડુંગળી આંતરડા અને પેટમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે.
પ્રશ્ન: શું રાત્રે ડુંગળી ખાવી સલામત છે? જવાબ: ડૉ. પૂનમ તિવારી કહે છે કે, સામાન્ય રીતે રાત્રે ડુંગળી ખાવી સલામત છે. જોકે, કેટલાક લોકોને રાત્રે ડુંગળી ખાવાથી ગેસ, પેટમાં ખેંચાણ અથવા એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, પાચન સમસ્યાઓથી પીડાતા લોકોએ રાત્રે ડુંગળીનું સેવન ઓછું કરવું જોઈએ.
પ્રશ્ન: શું દરરોજ ડુંગળી ખાવી યોગ્ય છે? જવાબ: હા, બિલકુલ, દરરોજ ડુંગળી ખાવી સામાન્ય રીતે સલામત છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જોકે, વધુ પડતી ડુંગળી ખાવાથી ગેસ, પેટમાં બળતરા અથવા એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.
પ્રશ્ન: એક દિવસમાં કેટલી ડુંગળી ખાઈ શકાય? જવાબ: ડૉ. પૂનમ તિવારી કહે છે કે, સામાન્ય રીતે એક વ્યક્તિ દિવસમાં 1 થી 2 ડુંગળી ખાઈ શકે છે. જોકે, જો તમારી પાચન શક્તિ સારી હોય તો તમે ૩-૪ પણ ખાઈ શકો છો.
પ્રશ્ન: ડુંગળી કોણે ન ખાવી જોઈએ? જવાબ: જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમણે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ. કેટલાક લોકોને ડુંગળીથી એલર્જી હોય છે. આના કારણે તેમને ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, સગર્ભા, જેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે અને જે લોકો હૃદય, બીપી અથવા ડાયાબિટીસની દવા લે છે તેઓએ મર્યાદિત માત્રામાં ડુંગળી ખાવી જોઈએ.