વડોદરાઃ હોલીડે પેકેજના નામે લોભામણી સ્કીમ મૂકી છેતરપિંડીના બનાવો વારંવાર બનતા હોય છે.આવા જ એક કિસ્સામાં અમદાવાદની કંપનીએ બે ડાયરેક્ટર સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે.
ગોત્રીના રાજેશ ટાવર રોડ ખાતે ઓલમાઇટી સોસાયટી ખાતે રહેતા અને વડોદરા જિલ્લા પંચાયતના કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.ધર્મેન્દ્ર ચૌહાણે પોલીસે કહ્યું છે કે,ગઇ તા.૭મી જૂને ઇન્સ્ટાગ્રામ પર લોન્ગવિઝન હોસ્પિટાલિટી પ્રા.લિ.ની જાહેરાત જોઇ હતી.
મેં મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં રણજિત નામની વ્યક્તિએ તુષાર નામના એક કર્મચારીને મળવા માટે મોકલ્યો હતો.તુષારે રૃ.૮૦ હજારમાં પાંચ વર્ષનું પેકેજ સમજાવ્યું હતું અને આ પેકેજ રૃ.૬૦ હજારમાં નક્કી કર્યું હતું.જેથી મેં મારા તેમજ મારા માતાના નામે બે મેમ્બરશિપ લઇ રૃ.૧.૧૯ લાખ ચૂકવ્યા હતા.
ત્યારબાદ મારી માતાનું કાર્ડ મળ્યું હતું. પરંતુ મારું કાર્ડ મળ્યું નહતું તેમજ રૃપિયા પણ પરત મળ્યા નહતા.જેથી અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ પર શિવાલિક શિલ્પ ખાતે આવેલી લોન્ગ વિઝન હોસ્પિટાલિટીના ડાયયરેક્ટર ખાલિદ હસનખાન, હર્ષિલ વિજયભાઇ મહેતા અને સ્કીમ સમજાવનાર તુષાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.