વડોદરા,ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર નજીક ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ શરૃ કરી લોકો પાસેથી બુકીંગ પેટે રૃપિયા લઇ પજેશન નહીં આપી છેતરપિંડી કરનાર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોેંધાઇ છે. બિલ્ડર મનિષ પટેલ સામે અગાઉ પણ સંખ્યાબંધ ફરિયાદ નોંધાઇ છે.
વાઘોડિયા રોડ ઉમા સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના સુમનબિહારી કપુરચંદ ગુપ્તાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૧૫ માં કૈયા બિલ્ટેક એલએલપી નામની ભાગીદારી પેઢીના દંપતી મનિષ મહેન્દ્રભાઇ પટેલે ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર નજીક ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ લોન્ચ કરી હતી. જેથીં, મેં ત્યાં જઇને તપાસ કરી હતી.મનિષ પટેલે મને સ્કીમ અંગે માહિતી આપી હતી. મારા પત્ની હેમલતાબેન ટયુશનનું પણ કામ કરતા હોઇ ભવિષ્યમાં આ સ્થળે દુકાન કરવાનું પસંદ આવતા અમે ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન ૨૩.૪૯ લાખ રૃપિયામાં ખરીદ કરવાનું નક્કી કર્યુ હતું. અમે ટોકન પેટે ૫૦ હજાર આપ્યા હતા. મનિષ પટેલે ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં સ્કીમનું બાંધકામ ચાલુ થઇ જશે. અમે અત્યાર સુધી કુલ ૨૨ લાખ ચૂકવી દીધા હતા. તેમછતાંય બિલ્ડરે અમને દુકાન બનાવીને આપી નહતી અને સ્કીમનું બાંધકામ અધુરૃં રાખ્યું હતું. તેમજ જે દુકાન પેટે રૃપિયા લીધા હતા. તેનો દસ્તાવેજ પણ કરી આપ્યો નહતો.
આ અંગે તા. ૦૧ – ૧૨ – ૨૦૨૩ ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેની તપાસ માટે આવેલા મનિષ પટેલે રૃપિયા પરત ચૂકવી દેવાની બાંયધરી આપી હતી. તેમછતાંય રૃપિયા આપ્યા નહતા.