વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ જીકાસ પોર્ટલ પર ધો.૧૨ પછીના વિવિધ કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને વિવિધ ફેકલ્ટીઓમાં ૧૮ હેલ્પ સેન્ટર કાર્યરત કર્યા છે.
યુનિવર્સિટી સત્તાધીશો આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માગે છે તેની પણ જાણકારી સામે આવી છે.જીકાસ પોર્ટલ માટે મોકલવામાં આવેલા આંકડા અનુસાર યુનિવર્સિટી દ્વારા વિવિધ બેચલર કોર્સમાં ૧૨૬૬૮ અને માસ્ટર એટલે કે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ૩૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.જેમાં એફવાયબીકોમની ૬૪૦૦ બેઠકોનો પણ સમાવેશ થાય છે.
યુનિવર્સિટી દ્વારા દરેક ફેકલ્ટીના બેચલર કોર્સ અને માસ્ટર કોર્સમાં એફવાયની બેઠકો અત્યારથી નક્કી કરી દેવામાં આવી છે.કારણકે જીકાસ પોર્ટલ પર આ બેઠકો દર્શાવવામાં આવતી હોય છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોનું એમ પણ કહેવું છે કે, પ્રવેશ માટે જો વધારે ધસારો થાય તો જે તે ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી સત્તાધીશો સાથે ચર્ચા વિચારણા કરીને બેઠકોમાં પણ વધારો કરી શકાય તેમ છે.
સત્તાધીશોના ટાર્ગેટ પ્રમાણે બેચલર કોર્સમાં સૌથી વધારે પ્રવેશ કોમર્સ ફેકલ્ટીમાં અપાશે.એ પછી બીજા ક્રમે આર્ટસ ફેકલ્ટી છે.આર્ટસ ફેકલ્ટીએબેઠકોમાં વધારો કર્યો છે.ત્રીજા ક્રમે સાયન્સ ફેકલ્ટી છે.સૌથી ઓછી બેઠકો જર્નાલિઝમ ફેકલ્ટીમાં છે.જે બેચલર અને માસ્ટર કોર્સમાં વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ થકી પ્રવેશ અપાય છે તે અને જેમાં સરકારની એડમિશન કમિટિ પ્રવેશ આપે છે તે કોર્સની બેઠકો અલગથી ગણવામાં આવી છે.
ગત વર્ષ કરતા કોમર્સમાં બેઠકો ઘટી અને સાયન્સ- આર્ટસમાં વધી
ગત વર્ષે એટલે કે ૨૦૨૪-૨૫માં યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટરમાં કુલ મળીને ૧૫૩૩૩ વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.ગત વર્ષના આંકડા જોવામાં આવે તો કોમર્સમાં બેચલર કોર્સમાં એટલે કે બીકોમમાં ૬૬૪૩ વિદ્યાર્થીઓને, સાયન્સમાં ૧૧૫૯ વિદ્યાર્થીઓને અને આર્ટસમાં ૧૩૯૩ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.આ વર્ષે બીકોમમાં ૬૪૦૦ બેઠકો પર, આર્ટસમાં ૨૦૬૦ બેઠકો પર અને સાયન્સમાં ૧૩૭૦ બેઠકો પર બેચલર કોર્સમાં પ્રવેશ આપવાનો ટાર્ગેટ છે.આમ ગત વર્ષ કરતા કોમર્સમાં બેઠકો ઘટી છે અને સાયન્સ તેમજ આર્ટસ ફેકલ્ટીના યુજી કોર્સમાં બેઠકો વધારવામાં આવી છે.