Vadodara Police : વડોદરામાં એક શિક્ષિત યુવતી સાથે લવ મેરેજ કર્યા બાદ પતિએ વારંવાર દગો કરતા કંટાળેલી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અભય અમે છેલ્લી ઘડીએ તેને બચાવી લીધી હતી.
યુવતીએ પોલીસને કહ્યું છે કે હું એન્જિનિયર થયા પછી ખાનગી કંપનીમાં નોકરી કરી રહી છું અને સારો એવો પગાર પણ મેળવી રહી છું. પરંતુ પરિવારજનોની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાથી પિયર તેમજ સાસરીમાં કોઈ સંબંધ રાખતું નથી.
લગ્નના બે વર્ષ બાદ પતિ દ્વારા મને હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. જેથી તેનાથી કંટાળીને છૂટાછેડા લીધા હતા. પરંતુ ત્યાર પછી પણ પતિ વારંવાર મળીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. સંસાર રાખવા માટે મેં ફરી તેની સાથે સંબંધ રાખ્યા હતા અને એક બાળકને જન્મ પણ આપ્યો હતો.
પીડીતાએ કહ્યું છે કે, મારો પતિ હવે સંતાનને તેનું નામ આપવા તૈયાર નથી. જેથી આ બાળકના ભવિષ્યની ચિંતા મને કોરી ખાઈ રહી છે. વળી મારો પતિ માત્ર સંબંધ રાખવા માટે દબાણ કરે છે પરંતુ મારા સંતાનને નામ આપવા માટે વારંવાર વાયદા કરી રહ્યો છે. આખરે કંટાળીને આજે મહીસાગર બ્રિજ પરથી સંતાન સાથે પડતું મૂકવા માટે નિર્ણય કર્યો હતો.
અભયમની ટીમે પીડીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પતિની હેરાનગતિના મુદ્દે નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરાવી અરજી અપાવી હતી. જેથી પોલીસ હવે આગળની કાર્યવાહી કરશે.