રાજકોટના કોઠારીયા વિસ્તારમાં 13 વર્ષની તરૂણીનું અપહરણ કરી વડાળીના જયેશ સાપરા નામના શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી હતી. ધો.8ની છાત્રાને કેટરર્સમાં કામ કરતો શખ્સ પરીચય કેળવી, સ્નેપચેટ આઈડી મારફત વાતો કરવાં લાગ્યો અને હોળીના દિવસે મુલાકાત કરી
.
મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા 22 વર્ષથી રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં 48 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયેશ રણછોડ સાપરાનું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ, અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. જેમાં ત્રીજા નંબરની પુત્રી 13 વર્ષની છે અને ધો. 8 માં અભ્યાસ કરે છે. ફરિયાદીની પત્ની કેટરર્સમાં કામે જાય છે અને આરોપી પણ કેટરર્સમાં કામે આવતો હતો.
થોડાં દિવસ પહેલા કેટરર્સમાં માણસોની વધું જરૂરિયાત પડતાં કેટરર્સ સંચાલકે ફરિયાદીને જાણ કરી હતી. જેથી, તે દિવસે રવિવાર હોવાથી તેમની 13 વર્ષની પુત્રીને સ્કૂલે રજા હોવાથી તેને કેટરર્સમાં માતા સાથે કામે મોકલી હતી ત્યારે આરોપીએ ફરિયાદીની પુત્રી સાથે પરિચય કેળવી લીધો હતો અને તરૂણીની માતાના મોબાઈલમાં સ્નેપચેટમાં આઈડી બનાવી દીધું હતું. જે બાદ રાતના સમયે આરોપી તરુણીને મેસેજ કરતો હતો. દરમિયાન ગઈ તા.15ના રોજ તરૂણીને પરીક્ષા ચાલું હોય જેથી તે સવારે 10 વાગ્યે ઘરેથી નીકળી હતી. બાદમાં તે બપોર સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પતો ન મળતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં પુત્રીની ગુમનોંધ કરાવી હતી.
આ દરમિયાન ફરિયાદીની અન્ય પુત્રીએ જણાવ્યું હતું કે, તેમની બહેન વડાળીના જયેશ સાથે ફોનમાં વાત કરતી હતી અને હોળીના દિવસે પણ તેઓ મળ્યાં હતાં. જેથી બીજા દિવસે સવારે કેટરર્સ સંચલકનો સંપર્ક કરી તેને વાત કરી હતી જે બાદ આરોપી તરુણીને ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો. જે બાદ તરુણીને પોલીસ મથકે લઈ જતાં પોલીસ સામે તરૂણીએ જણાવ્યું હતું કે, આરોપી તેમને હુડકો ચોકડી પાસે મળ્યો હતો અને ત્યાંથી થોડાં સમયમાં પરત આવતાં રહેસુ તેમ કહી આજીડેમ પાસેના બગીચા નજીક આવેલ તેની વાડીએ લઈ જઈ જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.