સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા બે રત્નકલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે 11 લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજુરનો વેશ ધારણ કરી ચંબલના ડાકૂઓવાળા ખતરનાક વિસ્તાર
.
આ અંગેની વિગત એવી છે કે, આકાશ શાક્ય (ઉં.વ.21) અને કૈલાશકુમાર મેઘવાલ (ઉં.વ.18) સુરતના કાપોદ્રા હીરાના કારખાનામાં કામ કરતા હતા. 13થી 15 માર્ચ, 2025 વચ્ચે, આકાશે પોતાની ચાલાકીથી ફેક્ટરીની તીજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો અને ચાવી ચોરી લીધી હતો. ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા 11 લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં, જ્યારે સહઆરોપી કૈલાશકુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો. ભીંડ જિલ્લો એ ચંબલ ખાડીઓ માટે સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં અગાઉ ખૂંખાર ડાકૂઓનું રાજ હતું. એ વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસે પ્રવેશવું જાન જોખમ સમાન છે.
આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક ખૂફિયા પ્લાન બનાવ્યો હતો. પહેલા મજુરની જેમ વેશ બદલાયો, પછી ટેકનિકલ સુત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન સોર્સિસની મદદથી આખી રેકી કરવામાં આવી. પહેલી તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ શાક્યને પકડી પાડ્યો હતો.

આકાશ શાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાશકુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી. પોલીસે તરત જ સિરોહી જીલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેકી કરી અને કૈલાશકુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો. આ બે આરોપીઓ પાસેથી 6,00,000ના હીરા અને બે મોબાઇલ ફોન મળી કુલ 6.20 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. હવે બાકીના 4.80 લાખના હીરાઓ શોધવાની કામગીરી ચાલુ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ઓસુરાએ જણાવ્યું હતું કે, ધુળેટીના દિવસે ચોરી થઈ હતી. કારખાનાની અંદર જે ડિજિટલ લોકર હતો, તેમાંથી હીરાની ચોરી કરવામાં આવી હતી. પરંતુ લોકરને તોડ્યા વગર આ ચોરી થઈ હતી. લોકરના ડિજિટલ નંબરની જાણ ચોરને હશે. આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી અને કારખાનામાં કામ કરતા તમામ લોકોની વિગત એકત્ર કરવામાં આવી. વિગતમાં જાણવા મળ્યું હતું કે, કારખાનાનો એક રત્નકલાકાર હોળીના દિવસથી કારખાનામાં આવતો નથી. તેનો ફોન પણ બંધ હતો. તેની તમામ વિગતો એકત્ર કરવામાં આવી. આકાશસિંહ શાક્ય મૂળ, મધ્યપ્રદેશ, ભીડ, ચંબલનો રહેવાસી છે. આ વિસ્તારમાં જઈને પોલીસે મજૂર બનીને તેની ધરપકડ કરી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચોરીમાં અન્ય એક આરોપી પણ સામેલ છે. કૈલાશકુમાર મેઘવાલ પાસે ચોરી કરાયેલ હીરાના અડધા પેકેટ હતા. જે રાજસ્થાન ખાતે રહે છે. તેની જાણકારી મળતા પોલીસે રાજસ્થાનમાં તપાસ શરૂ કરી અને તેની ધરપકડ કરી હતી.