Surat Wildlife Misused for Advertisement: સુરતમાં મોબાઇલ ફોનની જાહેરાત માટે વન વિભાગના નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. સુરતમાં મોબાઇલ બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં વન વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ દુકાનદારે હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી.
શું હતી ઘટના?
સુરતમાં હેવમોર મોબાઇલની દુકાનના માલિક દ્વારા મોબાઇલની જાહેરાત કરવા માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઇલની મજબૂતાઈ દર્શાવવા માટે વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક હાથીના પગ નીચે મોબાઇલ મૂકીને જાહેરાત કરી રહ્યો છે. સમગ્ર ઘટના વિશે જાણ થતાં લગભગ 4 દિવસ પહેલાં વનવિભાગ દ્વારા દુકાનદારને જવાબ માંગતી નોટિસ મોકલવામાં આવી હતી. જો કે, હજુ સુધી દુકાનદાર દ્વારા નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા
વનવિભાગના નિયમોનો ભંગ
નોંધનીય છે કે, વન વિભાગના નિયમો અનુસાર કોઈપણ વન્ય જીવનો ઉપયોગ કોઈપણ પ્રકારની જાહેરાત માટે કરી ન શકાય. તેમ છતાં સુરતમાં આ નિયમના ધજાગરા થતાં જોવા મળ્યા હતાં. એટલું જ નહીં, સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પણ પોલીસ તંત્ર દ્વારા આ વિશે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.