અમદાવાદ, રવિવાર
એરપોર્ટથી મધરાતે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે ડફનાળા પાસે વળાંકમાં બ્રેક મારી હતી જેથી સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતાં ડિવાઇડર કૂદીને પલટી ખાઇને ધડાકા સાથે રિક્ષાને ટકરાઇ હતી બાદમાં કાર સળગી ગઇ હતી કારમાં સવાર ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી. અકસ્માત બાદ કારનો ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં સવાર ત્રણ યુવકો સહિત પાંચ ઇજાગ્રસ્ત, ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અજયકુમારે ઇસનપુરમાં રહેતા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમને કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે ગઇકાલે રાત ત્રણ વાગે ફોરવીલ ચાલક યશભાઇ એરપોર્ટ સર્કલ તરફથી બેદરકારી તથા પૂરઝડપે કાર ચલાવીને આવતા હતા.
શાહીબાગ દફનાળા પાસે આવેલ એસીબી ઓફિસ સામે જાહેર રોડ ઉપર અચાનક બ્રેક મારતા કાર રોડનો ડિવાઈડર કૂદી સામેના ભાગેથી આવતી ઓટો રીક્ષા તથા અન્ય એક ફોરવીલ ગાડી સાથે અથડાઇ હતી જેમાં રીક્ષા તથા અન્ય ફોરવીલ ગાડીને સામાન્ય નુકસાન થયું હતું કાર રિક્ષાને અથડાઇને કાર પલટી ખાઇ ગયા બાદ કોઈ કારણસર સળગી ગઇ હતી. કારમાં બેઠેલા કાર ચાલકના મિત્ર પાર્થ મેવાડા, જૈમીન સિંધન તથા મહેશ યાદવ તેમજ રિક્ષામાં બેઠેલા એક પેસેન્જર કપૂરજી ભાટને નજીવી ઇજા થઇ હતી આકસ્માત બાદ કાર ચાલક નાસી ગયા હતા.