ઇમ્ફાલ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
મણિપુરના ચંદેલ જિલ્લાના સાજિક ટેમ્પકમાં મંગળવારે (23 જાન્યુઆરી) ના રોજ આસામ રાઈફલ્સના એક સૈનિકે તેના છ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ તમામ સૈનિકો મ્યાનમાર બોર્ડર પાસે તહેનાત હતા.
મણિપુર પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક ચુરાચંદપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તમામ ઘાયલોની હાલત સ્થિર છે.
આસામ રાઈફલ્સના આઈજીએ કહ્યું- ઘાયલ સૈનિકો મણિપુરના રહેવાસી ન હતા અને તેને મણિપુરમાં ચાલી રહેલી હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. અમે તપાસના આદેશ આપ્યા છે. આસામ રાઈફલ્સમાં તમામ સમુદાયના સૈનિકોનો સમાવેશ થાય છે. તેઓ મણિપુરમાં શાંતિ જાળવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
17 જાન્યુઆરીએ પણ મણિપુરમાં હિંસા થઈ હતી. અહીં થોબલ જિલ્લામાં બદમાશોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. આ તસવીર એ જ ઘટનાની છે.
તાજેતરમાં મણિપુરમાં સુરક્ષા દળો પર હુમલો થયો હતો
17 જાન્યુઆરીએ મણિપુરના થોબલ જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર પર બદમાશોએ હુમલો કર્યો હતો. બેકાબૂ ટોળાએ કરેલા ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ટોળાએ પહેલા હેડક્વાર્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે તેમને રોકવા માટે બળપ્રયોગ કર્યો તો કેટલાક બદમાશોએ ભીડમાંથી ગોળીબાર કર્યો.
આ હુમલામાં ઘાયલ જવાનોની ઓળખ કોન્સ્ટેબલ ગૌરવ કુમાર, એએસઆઈ સોબરામ સિંહ અને એએસઆઈ રામજી તરીકે થઈ છે. ઘટના બાદ જિલ્લા પ્રશાસને થૌબલમાં કર્ફ્યુ લાદી દીધો હતો. જો કે, આરોગ્ય, મીડિયા સહિત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને અને કોર્ટના કામ સાથે સંકળાયેલા સહિત એરપોર્ટ પર જતા મુસાફરોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
મણિપુરમાં અત્યાર સુધીમાં 200થી વધુનાં મોત, 1100 ઘાયલ
3 મેથી રાજ્યમાં કુકી અને મેઈટીસ વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસામાં 200 થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચુક્યા છે. 6 હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે.