સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ઓફ સ્પિનર શોએબ બશીર વિઝા ન મળવાના કારણે મામલો ઉકેલવા માટે સ્વદેશ પરત ફર્યો છે. વિઝાના અભાવે બશીર 21 જાન્યુઆરીએ UAEથી ટીમ સાથે ભારત પહોંચી શક્યો ન હતો. ટીમના બાકીના ખેલાડીઓ 21 જાન્યુઆરીએ હૈદરાબાદ પહોંચ્યા અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. 20 વર્ષીય બશીરે હજુ સુધી ઇંગ્લેન્ડ માટે ડેબ્યુ કર્યું નથી, તે પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરે તેવી શક્યતાઓ હતી.
પાકિસ્તાની માતા-પિતાને કારણે વિઝામાં વિલંબ થયો
ઇંગ્લેન્ડની ટીમે ભારતમાં ટેસ્ટ શ્રેણી પહેલા અબુ ધાબી, UAEમાં તાલીમ લીધી હતી. સપોર્ટ સ્ટાફ અને ટીમના બાકીના ખેલાડીઓ 21 જાન્યુઆરી, રવિવારના રોજ ભારત પહોંચ્યા, પરંતુ વિઝા ન મળવાને કારણે બશીર UAEમાં જ રહ્યો. ECBએ તેની વિઝા સમસ્યાઓ અંગે BCCI પાસે મદદ માગી હતી. પરંતુ, હવે તે આ મામલાને ઉકેલવા માટે ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. તેના માતા-પિતા પાકિસ્તાનના છે, એવું માનવામાં આવે છે કે આ કારણે જ તેના વિઝા મેળવવામાં વિલંબ થયો છે.
ઇંગ્લેન્ડ ટીમના મેનેજિંગ ડિરેક્ટર સ્ટુઅર્ટ હૂપર પણ બશીર સાથે રોકાયો હતો. હૂપર થોડા દિવસ પહેલા જ ઇંગ્લિશ ક્રિકેટ ટીમ સાથે જોડાયો હતો.
શોએબ બશીરે 6 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં 10 વિકેટ લીધી છે.
બશીર શ્રેણીમાં ડેબ્યૂ કરી શકે છે
તે આ શ્રેણીમાં ટેસ્ટમાં પદાર્પણ કરી શકે છે, કારણ કે તે ટીમમાં એકમાત્ર ફુલ ટાઈમ ઓફ સ્પિનર છે. બશીરને ડોમેસ્ટિક ક્રિકેટનો વધુ અનુભવ નથી, અત્યાર સુધી તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 10 વિકેટ જ લઈ શક્યો છે. જોકે, તેણે UAEમાં ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી રમતી વખતે સારું પ્રદર્શન કર્યું હતું.
ઇંગ્લેન્ડની ટીમ માર્ચ સુધી ભારતમાં રહેશે
ઇંગ્લેન્ડની મેન્સ ક્રિકેટ ટીમ માર્ચ સુધી ભારતમાં રહેશે. ટીમ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 7થી 11 માર્ચ સુધી ધર્મશાલામાં રમવાની છે. 25 જાન્યુઆરીએ પ્રથમ ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ 2થી 6 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી, ચોથી ટેસ્ટ 23થી 27 ફેબ્રુઆરી અને પાંચમી ટેસ્ટ 7થી 11 માર્ચ સુધી રમાશે.