અમુક પળો પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના 8 દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બીજી વખત સજા સંભળાવવામાં આવી છે. ખાન અને તેની પત્ની બુશરા બીબીને ચૂંટણી તોશાખાના સંદર્ભ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ત્યાર બાદ ખાન 10 વર્ષ સુધી કોઈ સરકારી પદ પર રહી શકશે નહીં. આ નિર્ણય હેઠળ બંને પર 23.37 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે એટલે કે મંગળવારે રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટે ખાનને સિક્રેટ લેટર ચોરીના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
તેમની સાથે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીનું નામ પણ હતું. ખાનને 24 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ તરફથી ભેટ તરીકે મળેલો હાર બુશરા બીબીએ વેચ્યો
ગયા મહિને જ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ખાન અને બુશરા બીબી વિરુદ્ધ તોશાખાના સંબંધિત કેસ નોંધ્યો હતો. જેમાં બંને પર સાઉદી ક્રાઉન પ્રિન્સ તરફથી ભેટ તરીકે મળેલો નેકલેસ વેચવાનો આરોપ હતો. આ અંગે સુનાવણી કરતા બુધવારે એકાઉન્ટેબિલિટી કોર્ટે બંનેને સજા સંભળાવી હતી.
પાકિસ્તાનની પત્રકાર આલિયા શાહના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા પદ પર રહેનાર લોકોને મળેલી ભેટની જાણકારી નેશનલ આર્કાઇવને આપવાની હોય છે. તેને તોશાખાનામાં જમા કરાવવાનું હોય છે. જો ભેટ 10 હજાર પાકિસ્તાની રૂપિયાની કિંમતની હોય છે તો કોઈપણ રૂપિયાની ચૂકવણી વિના તેને સંબંધિત વ્યક્તિ રાખી શકે છે.
વડાપ્રધાન હતા ત્યારે ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સ તરફથી હીરાનો હાર ભેટમાં મળ્યો હતો. તેની કિંમત 18 કરોડ પાકિસ્તાની રૂપિયા છે અને તે લાહોરના પ્રખ્યાત જ્વેલરને વેચવામાં આવ્યો હતો. ઈમરાનની પત્ની બુશરા બીબીએ આ હાર એક મંત્રી ઝુલ્ફી બુખારી મારફતે વેચ્યો હતો.
મંગળવારે રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટના જજે અદિયાલા જેલમાં 10 વર્ષની સજા ફટકારેલી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના નેતા શાહ મહમૂદ કુરેશીને સાયફર કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
જજ અબુલ હસનત ઝુલ્કરનૈને ઈમરાન અને કુરેશીની હાજરીમાં આ ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસની સુનાવણી ગત વર્ષથી અદિયાલા જેલમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ઝુલ્કરનૈને પીટીઆઈ નેતાઓને કહ્યું હતું કે તેમના વકીલો કોર્ટમાં હાજર થયા નથી અને તેમને સરકારી વકીલો આપવામાં આવ્યા છે.
27 માર્ચ, 2022ના રોજ ઇસ્લામાબાદની રેલીમાં ઇમરાન હાથમાં કાગળ પકડેલો જોવા મળ્યો હતો. ખાને દાવો કર્યો છે કે એમાં તેમની સરકારને તોડવાના અમેરિકન કાવતરાનો ઉલ્લેખ છે. આ પેપરને જ સાઇફર કહેવામાં આવ્યું હતું અને ખાન એમાં ફસાઈ ગયા હતા, કારણ કે તે નેશનલ સિક્રેટ હતું.
સાઇફર કેસ શું છે
એપ્રિલ 2022માં સરકારના પડી ગયા પછી ઇમરાને સતત દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમની સરકારને પાડવાનું કાવતરું ઘડ્યું હતું. ખાનનો આરોપ છે કે તેમને આ ષડયંત્ર વિશે અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને સિક્રેટ લેટર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઇફર કહેવામાં આવે છે.
આ સાઇફર અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાન વર્ષ 2022માં ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને લહેરાવતા દેખાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના ઈશારે તેમની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદેસર રીતે આ પત્ર નેશનલ સિક્રેટ છે, જે જાહેર સ્થળે બતાવી શકાય નહીં.
આ સિવાય ખાનની એક ઓડિયો ટેપ પણ વાઇરલ થઈ હતી. એમાં ઈમરાન, તત્કાલીન વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી અને મુખ્ય સચિવ આઝમ ખાનનો અવાજ હતો. ફોરેન્સિક તપાસમાં સાબિત થયું કે ઓડિયો સાચો હતો અને એની સાથે ચેડા કરવામાં આવ્યા નહોતા. ટેપમાં ખાન કુરેશી અને આઝમને કહે છે – હવે અમે આ સાઇફર રેલીઓમાં બતાવીશું.
ઈમરાને જે ભેટો વેચી એમાં એક અમૂલ્ય ઘડિયાળ, એક જોડી કફલિંક, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.
તોશાખાના કેસમાં 3 વર્ષની જેલ થઈ હતી
ઈમરાન ખાનને 5 ઓગસ્ટ 2023ના રોજ તોશાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદો આપતી વખતે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ખાન પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી લાહોર પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ સિવાય ખાન વિરુદ્ધ 15 કેસ છે, જેમાં તેની ધરપકડ નિશ્ચિત માનવામાં આવે છે,. જેમાં 9 મે 2022ના રોજ સૈન્ય ઠેકાણા પર હુમલાનો મામલો પણ સામેલ છે. તેની સુનાવણી મિલિટરી કોર્ટમાં થવાની છે. આ ઉપરાંત યુનિવર્સિટી માટે મફત જમીન લેવાનો પણ મામલો સામે આવ્યો છે. મોટા ભાગના કેસોમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. કુરેશી પર પણ ઘણા કેસ છે.