સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓપનર પૃથ્વી શો કમબેક માટે તૈયાર છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)એ તેનો રણજી ટ્રોફી ટીમમાં સમાવેશ કર્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ 24 વર્ષીય બેટર સંપૂર્ણ રીતે ફિટ છે અને 2 ફેબ્રુઆરીએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંગાળ સામેની મેચ પણ રમશે.
NCA તરફથી મંજૂરી મળી
પૃથ્વી શો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઇંગ્લેન્ડમાં વન ડે કપ રમતી વખતે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારથી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ રહ્યો હતો. 5 મહિનાની રિકવરી બાદ NCAએ હવે તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યો છે.
પૃથ્વી શોએ 2018માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી.
પ્રથમ 4 મેચ રમી શક્યો નહતો
પૃથ્વી શો 2023માં વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી શક્યો ન હતો. તે રણજી ટ્રોફીમાં ટીમની પ્રથમ 4 મેચમાં પણ ભાગ લઈ શક્યો ન હતો. ટીમે બિહાર, આંધ્રપ્રદેશ અને કેરળને હરાવ્યું હતું, પરંતુ ઘરઆંગણે ઉત્તર પ્રદેશ સામે 2 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ હાલમાં એલિટ ગ્રુપ-બીમાં ટોચ પર છે, ટીમ છેલ્લી 3 મેચ જીતીને નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કરવા માગશે.
પૃથ્વીએ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે
પૃથ્વી શોએ 2018માં જ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી તેણે 2020માં ODI અને 2021માં T20 ડેબ્યૂ કર્યું હતું. જોકે, 2021થી તે ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શક્યો ન હતો.
શોએ ભારત માટે 5 ટેસ્ટમાં 339 રન બનાવ્યા છે. તેના નામે 6 વન-ડેમાં 189 રન છે. તે એકમાત્ર T20માં ખાતું પણ ખોલી શક્યો નહોતો.
પૃથ્વીએ ફર્સ્ટ ક્લાસમાં ત્રેવડી સદી ફટકારી
પૃથ્વીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 44 મેચમાં 3802 રન બનાવ્યા છે. જેમાં 16 ફિફ્ટી અને 12 સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં આસામ સામે 379 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય પૃથ્વીના નામે લિસ્ટ-Aમાં 10 સદી અને T-20માં એક સદી છે.
પૃથ્વી શોએ 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 12 સદી ફટકારી છે.
રહાણે મુંબઈની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે
અજિંક્ય રહાણે મુંબઈની 17 સભ્યોની ટીમનો કેપ્ટન છે. ટીમમાં શિવમ દુબે, પૃથ્વી અને ધવલ કુલકર્ણી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે. યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર અને સરફરાઝ ખાન જેવા ખેલાડીઓ હાલમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે, જેઓ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ રમતા જોવા મળશે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
મુંબઈની ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), શિવમ દુબે, પૃથ્વી શો, જય બિસ્તા, ભૂપેન લાલવાણી, અમોઘ ભટકલ, સુવેદ પારકર, પ્રસાદ પવાર (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, તનુષ કોટિયન, અથર્વ અંકોલેકર, આદિત્ય, મોહિતી , ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ અને સિલ્વેસ્ટર ડિસોઝા.