30 મિનિટ પેહલા
- કૉપી લિંક
વાત 2007ની છે. પાકિસ્તાન જનરલ ચૂંટણીમાં લગભગ 2 મહિના બાકી હતા. 27 ડિસેમ્બરે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની નેતા બેનઝીર ભુટ્ટો રાવલપિંડીમાં એક રેલી કરી પોતાની ગાડી તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ એક 15 વર્ષના યુવક બિલાલે તેમનાં ઉપર ગોળી ચલાવી અને પછી બ્લાસ્ટ કરીને પોતાને પણ ઉડાડી દીધો.
બેનઝીરની હત્યાને 3 દિવસ જ થયા હતા કે 30 ડિસેમ્બરે એક 19 વર્ષના યુવકને પાર્ટીમાં તેમનાં પદ પર બેસાડવામાં આવ્યો હતો. આટલી નાની ઉંમરમાં પાર્ટીના ચેરમેનનું પદ તેને રાજકીય આવડતના કારણે મળ્યું નહોતું.
જોકે, ચેરમેન બનનાર તે યુવક કોઈ અન્ય નહીં પરંતુ બેનઝીર ભુટ્ટો અને આસિફ અલી જલદારીનો દીકલો બિલાવલ ભુટ્ટો હતો. હવે બેનઝીરનાં મૃત્યુને 16 વર્ષ થઈ ગયા છીએ.
આવતીકાલે પાકિસ્તાન ચૂંટણી છે. નવાઝ શરીફ 4 વર્ષ પછી દેશ નિકાલ પછી રાજકારણ માટે દેશ પરત ફર્યા છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં કેદ છે. આ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ એકવાર ફરી બિલાવલ પર દાવ રમ્યો છે. તેમને પાર્ટી તરફથી વડાપ્રધાન પદના દાવેદાર ઘોષિત કરવામાં આવ્યા છે.
શું તેઓ પાકિસ્તાની રાજનીતિના પીઢ નેતા નવાઝને હરાવી ફરી પાકિસ્તાનને ભુટ્ટો પરિવારમાંથી વડાપ્રધાન અપાવી શકશે?
માતાનાં મૃત્યુનાં 3 દિવસ પછી પાર્ટીમાં તેમની જગ્યા લેવા માટે પહોંચેલાં બિલાવલ ભુટ્ટો
બિલાવલ 3 મહિનાનાં હતા જ્યારે માતા બેનઝીરે પહેલી મહિલા PM બનીને ઇતિહાસ રચ્યો હતો
સપ્ટેમ્બર 1988માં બિલાવલ ભુટ્ટોએ જે પરિવારમાં જન્મ લીધો, તેનાથી એવું નક્કી થઇ ગયું કે તેઓ પાકિસ્તાન રાજકારણથી દૂર રહી શકશે નહીં. બિલાવલ પાકિસ્તાન જનરલ ચૂંટણીથી લગભગ બે મહિના પહેલાં 21 સપ્ટેમ્બર 1988ના રોજ જન્મ્યા, આ ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને જીત મળી હતી.
જ્યારે તેમની માતા બેનઝીરે વડાપ્રધાન પદની શપથ લીધી ત્યારે બિલાવલ લગભગ 3 મહિનાનાં હતા. બેનઝીર માત્ર પાકિસ્તાનનાં જ નહીં, પરંતુ સંપૂર્ણ મુસ્લિમ જગતનાં પહેલાં મહિલા વડાપ્રધાન હતાં. તેમનાં નાના જુલ્ફિકાર અલી ભુટ્ટો પહેલાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પછી વડાપ્રધાન રહી ચૂક્યા હતા.
બિલાવલના પિતા આસિફ અલી જરદારી પણ પાકિસ્તાની રાજકારણનો જાણિતો ચહેરો હતા. જોકે, બિલાવલની માતા અને નાનાની સરખામણીમાં આસિફ અલી જરદારીની છાપ વધારે મજબૂત હતી નહીં. બિલાવલ જ્યારે 2 વર્ષનાં હતા ત્યારે જરદારીએ જેલ જવું પડ્યું હતું. તેમનાં ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. જરદારી પાકિસ્તાનમાં મિસ્ટર 10 પરસેન્ટના નામથી કુખ્યાત હતા.
તેમનાં ઉપર આરોપ હતા કે તેમણે તેમની પત્નીનાં વડાપ્રધાન બનવાનો ફાયદો ઉઠાવીને દરેક પ્રોજેક્ટમાં 10 પરસેન્ટનું કમીશન લીધું. 1988થી 2007 સુધી જરદારીએ 14 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા. એટલે બિલાવલના બાળપણનાં મોટાંભાગના સમયમાં તેમના પિતા જેલમાં હતા.
માતા બેનઝીર અને પિતા આસિફ અલી જરદારી સાથે બિલાવલ ભુટ્ટો
બિલાવલે પોતાનું મોટાભાગનું બાળપણ લંડન અને દુબઈમાં વિતાવ્યું હતું. માતાનું મૃત્યુ અને અચાનક પાર્ટીમાં આટલાં મુખ્ય પદ પર બેસાડ્યા છતાંય બિલાવલ શરૂઆતમાં રાજનીતિમાં એક્ટિવ હતા નહીં. તેઓ હિસ્ટ્રીમાં ડિગ્રી મેળવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી રવાના થઈ ગયા.
2010માં તેઓ ફરી પાકિસ્તાન પાછા ફર્યા ત્યારે તેમના પિતા આસિફ અને દેશના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલાં હતા. ગિલાનીએ 2 વર્ષમાં જ ખુરશી છોડવી પડી હતી.
2 વર્ષ સુધી બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનમાં રહ્યા, જોકે આ સમયે પણ તેઓ પાર્ટીના કાર્યક્રમો સુધી સીમિત હતા. તેમની ઓફિશિયલ એન્ટ્રી બેનઝીરની 5મી પુણ્યતિથિનાં દિવસે 27 ડિસેમ્બર 2012નાં રોજ થઈ. પાકિસ્તાનમાં જનરલ ચૂંટણીનો સમય હતો. બિલાવલને તેમના પિતાની આગેવાનીમાં એક રેલીમાં પાકિસ્તાનની જનતા સામે સંબોધિત કરવા માટે લાવવામાં આવ્યા હતા.
પહેલાં ભાષણ સમયે બિલાવલ યોગ્ય રીતે ઉર્દૂ પણ બોલી શકતા નહોતાં
24 વર્ષનાં બિલાવલ પોતાનું પહેલાં ભાષણ યાદ રાખીને આવ્યા હતા. પહેલીવાર હતું જ્યારે તેઓ કોઈપણ લેટર વિના સ્ટેજ પર હતા. આસિફ અલી જરદારીએ તેમના હાથને હવામાં ઉઠાવીને જનતા સામે જનતા સમક્ષ રજુ કર્યા. જિયો ટીવીના પત્રકાર હામિદ મીરનાં જણાવ્યા પ્રમાણે બિલાવલની ઉર્દૂ સારી ન હોવા છતાંય તેમણે કોઈપણ ખચકાટ વિના તેમનું ભાષણ પૂરું કર્યું.
પહેલાં ભાષણમાં ભુટ્ટોએ અંગ્રેજી ઉચ્ચારણ ઉર્દૂમાં કહ્યું હતું – હું ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો વારિસ, હું શહીદ બેનઝીર ભુટ્ટોનો દીકરો તમને પૂછું છું. મારી માતાનો હત્યારો જે જીવિત છે, તેને સજા કેમ મળી રહી નથી. જો તમે એક ભુટ્ટોને મારશો તો દરેક ઘરમાંથી ભુટ્ટો બહાર આવશે.
તેમણે તેમની માતાની જેમ જ દેશમાં રોટી, કપડા અને મકાનની જરૂરિયાત પૂર્ણ કરવાનું વચન આપ્યું. થોડાં લોકો તેમની અંદર બેનઝીરની ઝલક જોઈ શકતા હતા, જોકે, થોડાં લોકો તેમને પિતાની કઠપૂતળી કહી રહ્યા હતા, જે ભુટ્ટોના નામનો ઉપયોગ કરી તેઓ રાજકારણમાં જળવાઇ રહેવા ઇચ્છતા હતા.
27 ડિસેમ્બર 2012ના રોજ થયેલી રેલીમાં પોતાના પિતાની સાથે બિલાવલ ભુટ્ટો
આ સમયે બિલાવલ એકલાં નહોતાં, જે પાકિસ્તાનનાં રાજકારણમાં પહેલીવાર પગ રાખી રહ્યા હતા. તેમની સાથે પાકિસ્તાન ક્રિકેટના પોસ્ટર બોય ઇમરાન ખાન પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા. ક્રિકેટથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર ઇમરાન બિલાવલને વધારે મહત્ત્વ આપતા નહોતા. તેઓ સતત બિલાવલની નબળાઈ ઉર્દૂ પર તેમનો મજાક બનાવતા હતા.
બિલાવલથી તદ્દન વિપરીત ઈમરાને પાકિસ્તાનની રાજનીતિમાં સ્થાન બનાવવા માટે ઈસ્લામનો સહારો લીધો. તેમણે તાલિબાનને સમર્થન આપવાનું શરૂ કર્યું. તે સમયે ઇમરાને તેમની ભારત મુલાકાત માત્ર એટલા માટે રદ કરી હતી કારણ કે ત્યાં લેખક સલમાન રશ્દી આવે તેવી શક્યતા હતી. એ જ સલમાન રશ્દી જેના પર ઈસ્લામનું અપમાન કરવાનો આરોપ છે.
ઈમરાનને ધાર્મિક છબી અપનાવવાનો ફાયદો મળ્યો કે તેમની પાર્ટીએ 2013ની જનરલ ચૂંટણીમાં 35 બેઠકો જીતી. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 76 બેઠકોનું નુકસાન થયું હતું અને તે 118થી ઘટીને 42 બેઠકો પર આવી ગઈ હતી. આ ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી વિજેતા બનીને ઉભરી આવી હતી.
પિતા સાથે મતભેદનાં કારણે માતાની પુણ્યતિથિ પર ન આવ્યા બિલાવલ
પિતાની છાયામાં રાજનીતિ શરૂ કરનાર બિલાવલે 2014માં એક મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો. પિતા આસિફ અલી ઝરદારી સાથે બિલાવલના મતભેદો વધવા લાગ્યા. બંને વચ્ચેના મતભેદને કારણે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ. બિલાવલના સમર્થકો ભુટ્ટો સાથીઓ તરીકે અને તેમના પિતાના સમર્થકો ઝરદારીના વફાદાર તરીકે જાણીતા થયા.
બંને પોતાની જીદથી પીછેહઠ કરવા તૈયાર ન હતા. સ્થિતિ એવી બની કે બિલાવલે તેની માતાની સાતમી પુણ્યતિથિના કાર્યક્રમમાં પણ હાજરી આપી ન હતી. કહેવામાં આવ્યું હતું કે બંને વચ્ચે ટિકિટની વહેંચણી અને પાર્ટી ચલાવવાની પદ્ધતિને લઈને મતભેદ હતા. એક સમયે ઝરદારીએ બિલાવલને સાઇડલાઇન કરવાનો નિર્ણય પણ લીધો હતો.
બિલાવલ પોતાના ભાષણોમાં વિપક્ષી પાર્ટીઓને સીધો ટોણો મારતો હતો, આ વાત તેમના પિતાને પસંદ ન હતી કેમ કે તેઓ ચાલાકીનું રાજકારણ કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે બિલાવલ તેમના ભાષણોમાં સંયમિત હોય. બાદમાં, તેમના પરિવારના હસ્તક્ષેપ પછી, આસિફ અલી ઝરદારીએ બિલાવલ સાથે સમાધાન કર્યું.
બિલાવલ ભુટ્ટો તેમના પિતા આસિફ અલી ઝરદારી અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખાર સાથે.
બિલાવલની પહેલી ચૂંટણી
પત્રકાર ઈમ્તિયાઝ અહેમદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બિલાવલ ભુટ્ટોના ચહેરા સાથે 2018ની ચૂંટણી લડી હતી. જો કે, તે પહેલાથી જ નક્કી હતું કે તેમના માટે વડાપ્રધાન પદ સુધી પહોંચવું અશક્ય છે. ચૂંટણી પહેલા બિલાવલે સમગ્ર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં એક તરફ તમામ પક્ષ રાજકીય લાભ માટે અપશબ્દો અને વ્યક્તિગત હુમલાઓનો આશરો લે છે, બિલાવલે તેવું કર્યું નહીં.
એકવાર ખૈબર પખ્તુનખ્વામાં તેમની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમયે પણ તેઓ હસતા રહ્યા. તેમણે તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા. આ સમયે પાર્ટી તેમના સૌથી ખરાબ તબક્કામાં હતી. તેનું કારણ તેમના પિતા હોવાનું કહેવાય છે. તેઓએ નવાઝ શરીફની સરકારને ઉથલાવી પાડવાનો વિરોધ કર્યો ન હતો, જ્યારે બંને પાર્ટી વચ્ચે આ વાતને લઇને સમજોતો હતો કે તેઓ સેનાને એકબીજા વિરુદ્ધ ઉપયોગ કરવા દેશે નહીં. ચૂપ રહેવાના બદલામાં સેનાએ જરદારી પર લાગેલાં ભ્રષ્ટાચારના આરોપ હટાવી દીધા હતા
2018ની ચૂંટણીમાં બિલાવલે કોઈ જોખમ લીધા વિના ત્રણ સીટ પરથી ચૂંટણી લડી હતી. વ્યૂહરચના એ હતી કે તેણે કોઈપણ ભોગે જીતીને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પહોંચવું હતું. બિલાવલ ત્રણમાંથી માત્ર એક જ સીટ જીતી શક્યા. તે પણ સિંધની બેઠક પરથી, જ્યાં તેમના પરિવારની મજબૂત પકડ માનવામાં આવે છે. 2018ની ચૂંટણીમાં પણ બિલાવલ પીપીપી માટે ચમત્કારિક પ્રદર્શન કરી શક્યા ન હતા. તેમની પાર્ટી માત્ર 54 સીટો જીતી શકી અને ત્રીજા ક્રમે રહી. સેનાના પ્રિય ઈમરાન વડાપ્રધાન બન્યા.
બિલાવલે પહેલીવાર નેશનલ એસેમ્બલીમાં પોતાના ભાષણથી લોકો તરફથી ઘણી પ્રશંસા મેળવી હતી. એટલા માટે કે તેમના ભાષણના અંતે નવા નિયુક્ત વડાપ્રધાન ઇમરાન ખાને પણ તેમના વખાણમાં ટેબલ થપથપાવી દીધું.
બિલાવલ ભુટ્ટો ઝરદારી સાંસદ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પોતાનું પ્રથમ ભાષણ આપી રહ્યા છે.
PM મોદીને કસાઈ કહીને ભારત સાથેના સંબંધો બગાડ્યા
બિલાવલ એવા કેટલાક પાકિસ્તાની નેતાઓમાં સામેલ છે જેઓ ભારત સાથે સારા સંબંધો અને પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાના પક્ષમાં છે. એકવાર તેમણે મંદિરમાં પૂજા પણ કરી હતી, આ ઘટના ઓક્ટોબર 2016માં બની હતી. દિવાળીની પૂર્વસંધ્યાએ, બિલાવલે પાર્ટીના નેતાઓ સાથે કરાચીના ક્લિફ્ટન રોડ પરના શિવ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બિલાવલે ભગવાન શિવને જળ અર્પણ કરીને અભિષેક કર્યો.
તે જ સમયે, 2018માં એક ભારતીય ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બિલાવલે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ હોવા છતાં, બંને દેશોએ શાંતિનો માર્ગ શોધવો જોઈએ. તેઓ બે વખત ભારત આવી ચૂક્યા છે.
પહેલીવાર 2012માં પાકિસ્તાનનાં રાજકારણમાં ઝંપલાવતા પહેલાં અને પછી 2023માં ગોવામાં થયેલી SCOની બેઠક દરમિયાન. ભારતની પહેલી મુલાકાત પર બિલાવલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેઓ અજમેર શરીફ પણ ગયા હતા.
ભલે, બિલાવલ ભારત-પાકિસ્તાનની વચ્ચે શાંતિની વાતો કરતા હોય પરંતુ તેમના ભાષણે બંને દેશો વચ્ચે ઘણી કડવાશ પેદા કરી છે.
ઈમરાન ખાનના બળવા પછી, બિલાવલને એપ્રિલ 2022માં કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા અને તે પાકિસ્તાનના સૌથી યુવા વિદેશ પ્રધાન બન્યા. આ પછી તેમણે સતત બાલિશ નિવેદનો આપવાનું શરૂ કર્યું. બિલાવલ ભુટ્ટોએ ડિસેમ્બર 2022માં પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેમને કસાઈ ગણાવ્યા હતા.
બિલાવલ ભુટ્ટો કરાચીના શિવ મંદિરમાં પાર્ટીના નેતાઓ સાથે પૂજા કરી હતી.
શું બિલાવલ ભુટ્ટો ઝરદારી બનશે વડાપ્રધાન?
3 કારણોસર અટકળો લગાવવામાં આવી રહી છે…
1. સેનાની મદદથી વિદેશ મંત્રી બન્યાઃ વિલ્સન સેન્ટર વોશિંગ્ટનમાં સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માઈકલ કુગેલમેનના જણાવ્યા અનુસાર, બિલાવલ 2018માં પહેલીવાર ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાનની સંસદમાં પહોંચ્યા હતા. તેમને મંત્રાલય સંભાળવાનો કોઈ અનુભવ નહોતો. આમ છતાં તેમને વિદેશ મંત્રી જેવું મોટું પદ મળ્યું.
સેનાના સહયોગ વિના આ શક્ય નહોતું. ઈસ્લામાબાદના રાજકીય નિષ્ણાત મુર્તઝા સોલંગી પણ કહે છે કે બિલાવલ ભુટ્ટો ચૂંટણી પછી નબળી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
2. સેના શાહબાઝ શરીફ કરતા વધુ વિશ્વાસપાત્ર બની રહી છેઃ તાજેતરમાં જ સેનાની ગુપ્તચર એજન્સીઓએ ઘણા મોટા નેતાઓના કોલ રેકોર્ડ કર્યા છે. જેમાં માત્ર વિપક્ષના નેતાઓ જ નહીં પરંતુ શાસક પક્ષના નેતાઓ પણ સામેલ હતા. જો કે આ કોલ રેકોર્ડમાં બિલાવલની પાર્ટીના એક પણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ દર્શાવે છે કે સેનાને શાહબાઝ કરતાં બિલાવલ અને તેમની પાર્ટી પર વધુ વિશ્વાસ છે.
કુગેલમેનના મતે બિલાવલ ભુટ્ટો ઝરદારી ભલે યુવા અને બિનઅનુભવી નેતા હોય, પરંતુ શાસક પક્ષોના ગઠબંધનમાં તેમનું વિશેષ સ્થાન છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેને સમર્થન આપે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધી કોઈ યુવા પીએમને પીએમ બનાવવામાં આવ્યા નથી, પરંતુ જો સેના ઈચ્છે તો બિલાવલ આ વખતે ચોક્કસ બની શકે છે.
3. પંજાબમાં સારા પ્રદર્શનની શક્યતાઃ બિલાવલની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)માં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટી છોડનારા ઘણા મોટા નેતાઓ સામેલ થઈ શકે છે. આ જ કારણ છે કે આ ચૂંટણીમાં પાકિસ્તાનના સિંધ પ્રાંત સિવાય બિલાવલની પાર્ટી પંજાબમાં પણ વધુ સીટ જીતી શકે છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની 266 બેઠકોમાંથી અડધી એટલે કે 141 બેઠકો પંજાબ ક્ષેત્રની છે. તેથી સરકાર બનાવવા માટે અહીં કોઈ પણ પક્ષ સારૂ પ્રદર્શન કરે તે જરૂરી છે.
સંદર્ભઃ
https://www.thenews.com.pk/tns/detail/557776-ppp-the-son-and-father-party
https://www.bbc.com/news/world-asia-20849445
https://thebusinessyear.com/article/pakistan-five-key-developments-between-2010-2019/
https://www.hindustantimes.com/world-news/pakistan-election-bilawal-bhutto-wins-hearts-but-has-big-shoes-to-fill/story-koAFbYQPVtU9R6rj8qghYL.html
https://www.scmp.com/week-asia/politics/article/3222361/imran-khans-star-wanes-pakistans-military-pushing-bilawal-bhutto-zardari-prime-minister