જોહાનિસબર્ગ39 મિનિટ પેહલાલેખક: વિક્રમ પ્રતાપ સિંહ
- કૉપી લિંક
સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સે કોહલીની પ્રાઈવસી લીક કરવાને મોટી ભૂલ ગણાવી છે.
સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી SA20 લીગ દરમિયાન જ્યારે ભાસ્કરે ડી વિલિયર્સને કોહલીના બ્રેક વિશે પૂછ્યું તો તેણે કહ્યું– ‘ક્રિકેટ પછી આવે છે અને પરિવાર પહેલા. મેં એક મોટી ભૂલ કરી હતી. તે માહિતી ખોટી હતી.’
5 દિવસ પહેલાં વિરાટના નજીકના મિત્ર ડી વિલિયર્સે યુટ્યુબ લાઈવ સ્ટ્રીમમાં કહ્યું હતું કે કોહલી પિતા બનવા જઈ રહ્યો છે અને તે પરિવાર સાથે છે. આથી તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લીધો છે.
આ પહેલાં, કોહલીના પ્રથમ 2 ટેસ્ટમાંથી બ્રેક વિશે માહિતી આપતી વખતે, BCCIએ ચાહકોને તેની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી.
ડી વિલિયર્સે ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.
વિરાટને બ્રેક લેવાનો પૂરો અધિકાર, ફેન્સ બેસ્ટ વિશ કરે: ડી વિલિયર્સ
આ 39 વર્ષના અનુભવી બેટર કહ્યું- ‘વિરાટને નેશનલ ડ્યૂટી દરમિયાન બ્રેક લેવાનો પૂરો અધિકાર છે. પરિવાર પ્રથમ અને ક્રિકેટ બીજા નંબરે છે… તે (કોહલી) ફેમિલી ઇમરજન્સીના કારણે બહાર છે. તે કઈ સ્થિતિમાં છે તે કોઈને ખબર નથી. વિશ્વમાં વિરાટના તમામ ફેન્સે તેને બેસ્ટ વિશ કરવી જોઈએ. તેના બ્રેકનું કારણ ગમે તે હોય, આશા છે કે તે મજબૂત રીતે ટીમમાં કમબેક કરશે.
ડી વિલિયર્સ અને કોહલી સારા મિત્રો છે, બંને IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંકળાયેલા છે.
કોહલીએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે ન્યૂલેન્ડ્સમાં રમી હતી.
ભાસ્કરના સવાલોના ડી વિલિયર્સના જવાબો…
સવાલ: સાઉથ આફ્રિકા ક્રિકેટને SA20થી કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે?
ડી વિલિયર્સ: મને લાગે છે કે આ સિઝન છેલ્લી સિઝન કરતાં મોટી છે, જે સારી બાબત છે. આ એક મોટી ઉપલબ્ધિ છે અને તેનો અર્થ એ છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ લીગથી યુવા ખેલાડીઓને ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાની તક મળી રહી છે. મને લાગે છે કે તે તેમના માટે એક સારો અનુભવ છે. આ લીગ દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડીઓ માટે વિશ્વમાં પોતાનું નામ સ્થાપિત કરવા માટેનું પ્લેટફોર્મ છે.
સવાલ: ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો લીગ ક્રિકેટ રમવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અવગણના કરી રહ્યા છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે?
ડી વિલિયર્સ: મને લાગે છે કે તમારે જીવનની જેમ ક્રિકેટમાં પણ સંતુલન જાળવવાની જરૂર છે. ટેસ્ટ ક્રિકેટનું ધ્યાન રાખવાની જવાબદારી ICC, BCCI, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ જગતના તમામ મોટા બોર્ડની છે.
આ અંગે ચર્ચા કરવા અને સંતુલન સાધવા માટે તમામ બોર્ડે સાથે આવવાની જરૂર છે. આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરફ જોવું જોઈએ, પરંતુ રમતના વિકાસ માટે લીગ ક્રિકેટ પણ મહત્વપૂર્ણ છે.
સવાલ: આગામી T20 વર્લ્ડ કપમાં કપ જીતવા માટે કઈ બે ટીમ પ્રબળ દાવેદાર છે?
ડી વિલિયર્સઃ મારા માટે કહેવું મુશ્કેલ છે. વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમ શાનદાર છે. દેખીતી રીતે હું અપેક્ષા રાખું છું કે દક્ષિણ આફ્રિકા સારું પ્રદર્શન કરશે અને આગળ જશે, પરંતુ મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા શરૂઆતથી જ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલું દેખાશે.
બીજી તરફ, ભારત હંમેશા ફેવરિટમાંનું એક રહે છે. મને લાગે છે કે ભારત પાસે કપ જીતવાની મોટી તક છે. જો તેમના અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ રમે છે તો જીતની શક્યતા વધુ વધી જશે.
વિરાટ ત્રીજી અને ચોથી ટેસ્ટ પણ નહીં રમે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રથમ બે ટેસ્ટ મિસ થયા બાદ વિરાટ હવે સિરીઝની આગામી બે ટેસ્ટ પણ મિસ કરી શકે છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
અગાઉ પૂર્વ બેટર એબી ડી વિલિયર્સે પોતાના યુટ્યુબ લાઇવ સ્ટ્રીમમાં જણાવ્યું હતું કે કોહલી હાલ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. જો કે થોડીવાર પછી તેણે તે લાઇવ સ્ટ્રીમમાંથી આ ભાગ ડિલિટ કરી દીધો હતો. જાણો તેણે પહેલા શું કહ્યું હતું…
Confirm… વિરાટ બીજીવાર પપ્પા બનશે, ડી વિલિયર્સે પોતાની યુટ્યૂબ ચેનલ પર ઢંઢેરો પીટી દીધો; કહ્યું- બીજા બાળકના કારણે તે ટેસ્ટ રમ્યો નથી
વિરાટ કોહલી ફરી પિતા બનવા જઈ રહ્યો છે. આ જાણકારી કોહલીના ખાસ મિત્ર અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સે આપી છે. 39 વર્ષીય ભૂતપૂર્વ બેટર ડી વિલિયર્સ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટના બીજા દિવસ પછી તેની યુટ્યૂબ ચેનલ પર લાઈવ આવ્યો હતો.
ડી વિલિયર્સે ફેન્સના સવાલ પર કહ્યું- ‘મેં કોહલીને ફોન કર્યો અને તેની તબિયત વિશે પૂછ્યું. આના પર વિરાટે મને કહ્યું કે તે તેના પરિવાર સાથે છે. આગળ બોલતા ડી વિલિયર્સે કહ્યું કે ‘વિરાટનું બીજું બાળક આવવાનું છે. આ કારણોસર તે પરિવાર સાથે છે.’ પૂરા સમાચાર વાંચો…