32 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિળ સુપરસ્ટાર થલપતિ વિજય રાજકારણમાં એન્ટ્રીને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં તે પોતાની રાજકીય પાર્ટી ‘તમિઝાગા વેત્રી કડગમ’ માટે સમાચારમાં છે. એવી પણ અટકળો છે કે, વિજય 2026માં વિધાનસભાની ચૂંટણી પણ લડશે. રાજકારણમાં આવવા છતાં તે ફિલ્મો છોડશે નહીં અને ફેન્સનું મનોરંજન પણ કરશે.
બાય ધ વે વિજય પહેલાં સાઉથ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. આ ટ્રેન્ડની શરૂઆત સાઉથના સુપરસ્ટાર MGRએ કરી હતી. તેમના પછી NTR, જયલલિતા, વિજયકાંત, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, સુનીલ દત્ત વગેરે જેવા ઘણા સ્ટાર્સ રાજકારણમાં આવ્યા હતા. આ પૈકી કેટલાક સફળ તો કેટલાક નિષ્ફ્ળ સાબિત થયા હતા.
ચાલો આજે જોઈએ એવા દિગ્ગજ સિતારા જેમણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું…
MGRએ ટ્રેન્ડ શરૂ કર્યો
MGR એટલે M.G. રામચંદ્રન એવા પ્રથમ સ્ટાર હતા જેમણે રાજકારણમાં પ્રવેશવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેઓ તમિળ ફિલ્મોના સુપરસ્ટાર હતા અને તમિલનાડુના મુખ્યમંત્રી પણ હતા. જ્યારે એમજીઆર હીરો હતા ત્યારે તેમની ફિલ્મો રેકોર્ડ બ્રેક કમાણી કરતી હતી.પછી તેઓ રાજકારણમાં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા.

એમજીઆરને રાજકારણમાં તેમના ફેન ફોલોઈંગનો જબરદસ્ત ફાયદો મળ્યો
એમજીઆર 1953માં કોંગ્રેસનો ભાગ બન્યા હતા. એમજીઆરના વિશાળ ફેન ફોલોઈંગના કારણે દરેક રાજકીય પક્ષ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માગતો હતો. ફિલ્મ લેખકમાંથી રાજકારણી બનેલા સી.એન.અન્નાદુરાઈએ એમજીઆરને તેમની પાર્ટી ‘દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)’માં જોડાવા માટે રાજી કર્યા.
1962માં એમજીઆર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. એમજીઆરની પાર્ટીએ 1977માં 234માંથી 130 બેઠકો જીતી અને એમજીઆર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. 24 ડિસેમ્બર, 1987ના રોજ એમજીઆરનું અવસાન થયું.
NTRની લોકપ્રિયતા સામે કોંગ્રેસ ટકી શકી નહીં
300થી વધુ સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા NTRએ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી હતી. તેઓ એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને ભગવાન માનતા હતા. આનો ફાયદો તેમને તેમની રાજકીય કરિયરમાં પણ મળ્યો. NTRએ 1982માં ‘તેલુગુ દેશમ પાર્ટી’ બનાવી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે.
હકીકતમાં 80ના દાયકામાં રામારાવ એક કાર્યક્રમમાં હાજરી આપવા નેલ્લોર પહોંચ્યા હતા અને ત્યાંના સરકારી ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ગેસ્ટ હાઉસમાં માત્ર એક જ ઓરડો ખાલી હતો, જે ત્યાંના મંત્રી માટે બુક કરવામાં આવ્યો હતો. રામારાવે ગેસ્ટહાઉસ સ્ટાફને આગ્રહ કર્યો અને પોતાના માટે રૂમ ખુલ્લો કરાવ્યો, પરંતુ આ દરમિયાન મંત્રી આવી પહોંચ્યા અને રામારાવને અપમાનિત થઈને રૂમમાંથી બહાર જવું પડ્યું.
રામારાવે આ આપવીતી તેમના મિત્ર નાગી રેડ્ડીને સંભળાવી. પછી નાગી રેડ્ડીએ કહ્યું કે ‘તમે ગમે તેટલી સંપત્તિ અને પ્રસિદ્ધિ હાંસલ કરો, વાસ્તવિક શક્તિ ફક્ત નેતાઓ પાસે છે.’ આ સાંભળ્યા પછી રામારાવે નક્કી કર્યું કે તેઓ પોતાનો રાજકીય પક્ષ બનાવશે.

NTR આંધ્રપ્રદેશના 10મા મુખ્યમંત્રી બન્યા. 1983 થી 1994 ની વચ્ચે તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા
NTRએ 1982માં ‘તેલુગુ દેશમ પાર્ટી’ની સ્થાપના કરી હતી. પ્રખ્યાત અભિનેતા હોવાને કારણે, NTR અને તેમની પાર્ટીને જબરદસ્ત સફળતા મળી. આ સાથે NTR આંધ્રપ્રદેશના 10મા મુખ્યમંત્રી બન્યા. 1983 થી 1994 ની વચ્ચે તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NTR પ્રથમ વ્યક્તિ હતા જેમણે રેલીઓનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેણે નવ મહિનામાં 40 હજાર કિલોમીટરની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. જેના કારણે તેનું નામ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું હતું.
NTRની રાજનીતિ સાથે જોડાયેલી બીજી એક વાર્તા એ છે કે, જ્યારે 31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, તે પછી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને ઈન્દિરાના પુત્ર રાજીવ ગાંધી પ્રત્યે સહાનુભૂતિની લહેર દેશભરમાં ફેલાઈ ગઈ હતી, પરંતુ આંધ્ર પ્રદેશ તેનાથી અસ્પૃશ્ય રહ્યું. વાસ્તવમાં NTRની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ આંધ્રપ્રદેશમાં ટકી શકી ન હતી અને ‘તેલુગુ દેશમ પાર્ટી’ને ત્યાં જોરદાર સફળતા મળી હતી.
NTR 1995 સુધી સત્તાના શિખરે હતા, પરંતુ આઠ જ દિવસમાં તેઓ મુખ્યમંત્રીમાંથી પૂર્વ મુખ્યમંત્રી બની ગયા. આ પછી તેના હાથમાંથી સત્તા સરકી ગઈ. જમાઈ ચંદ્રબાબુ નાયડુએ ‘તેલુગુ દેશમ પાર્ટી’માંથી NTRની સીએમની ખુરશી સંભાળી. NTRને સત્તા ગુમાવવાનું એટલું દુઃખ થયું કે તેમની તબિયત વારંવાર બગડવા લાગી. સત્તા પરથી દૂર થયાના ચાર મહિના પછી 18 જાન્યુઆરી, 1996ના રોજ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું.
જયલલિતા તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા
જે. જયલલિતા એ સૌથી સફળ સ્ટાર્સમાંથી એક છે જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કહેવાય છે કે 1977માં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમજી રામચંદ્રન જયલલિતાને રાજકારણમાં લાવ્યા.1982માં તેઓ MGRની પાર્ટી ‘ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ’ (AIADMK)માં જોડાઈ ગયા હતા. 1983માં તેમને પ્રચાર સમિતિની સચિવ બનાવવામાં આવી હતી અને આ તે વર્ષ હતું જ્યારે તેઓ પ્રથમ વખત તિરુચેન્દુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ હતી.
જયલલિતાના અંગ્રેજીને કારણે એમજીઆર ઈચ્છતા હતા કે તેઓ રાજ્યસભામાં આવે અને 1984 થી 1989 સુધી તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. 1989માં જયલલિતાએ તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળ્યું અને 24 જૂન 1991ના રોજ તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેઓ 6 વખત મુખ્યમંત્રી બન્યા છે.
આ સમયગાળા દરમિયાન જયલલિતાના એમજીઆર સાથેના અફેરની ચર્ચા થઈ હતી. ખાસ વાત એ છે કે તે સમયે એમજીઆર પહેલેથી જ પરિણીત હતા અને બે બાળકોના પિતા હતા.

જ્યારે એમજીઆરનું અવસાન થયું ત્યારે જયલલિતા તેમના મૃતદેહ પાસે 21 કલાક ઊભા રહ્યાં
ચિરંજીવી પ્રવાસન મંત્રી બન્યા
આ સુપરસ્ટાર ઉપરાંત ચિરંજીવીએ પણ રાજકારણમાં હાથ અજમાવ્યો હતો. તેમણે 2008માં આંધ્ર પ્રદેશમાં રાજકીય પક્ષ ‘પ્રજા રાજ્યમ પાર્ટી’ની શરૂઆત કરી હતી. પાર્ટીના લોન્ચિંગ સમયે તેમણે કહ્યું કે સામાજિક ન્યાય તેમની પાર્ટીનો મુખ્ય એજન્ડા છે. 2009ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ આંધ્ર પ્રદેશ વિધાનસભાની 294 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી.
6 ફેબ્રુઆરી, 2011ના રોજ ચિરંજીવીની ‘પ્રજા રાજ્યમ પાર્ટી’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળી ગઈ હતી. આ વિલીનીકરણ પછી તેમણે 28 ઓક્ટોબર, 2012ના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. તેમને પ્રવાસન મંત્રી બનાવવામાં આવ્યા.
વિજયકાંતે જયલલિતા અને કરુણાનિધિના હરીફ ગણાવ્યા
વિજયકાંત તમિલ ફિલ્મોના સુપરસ્ટાર હતા. 2005માં તેમણે પોતાની પાર્ટી MDK એટલે કે ‘દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ’ની રચના કરી હતી. તેઓ જયલલિતા અને કરુણાનિધિના હરીફ હોવાનું કહેવાય છે. 2006ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ માત્ર એક બેઠક જીતી હતી, પરંતુ મત ટકાવારીમાં તેની મજબૂત હાજરી નોંધાવી હતી.
તેમની પાર્ટીને 8.38% વોટ મળ્યા હતા. 2011ની ચૂંટણીમાં તેમણે કરુણાનિધિના DMKને હરાવવાના ઉદ્દેશ્ય સાથે જયલલિતાના AIADMK સાથે ગઠબંધન કર્યું હતું. તેમની પાર્ટીએ કુલ 41 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી. વિજયકાંત ગૃહમાં વિરોધ પક્ષના નેતા બન્યા. આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ અભિનેતા હતા.
રજનીકાંતે 26 દિવસમાં રાજનીતિ છોડી દીધી
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ 2017માં રાજકારણમાં જોડાયા હતા. તેમણે ‘રજની મક્કલ મંદરામ’ (RMM) નામની પાર્ટી બનાવી હતી, પરંતુ તેમની રાજકીય સફર 26 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. 2021માં તેમણે પાર્ટીને વિસર્જન કર્યું અને કહ્યું કે તેઓ ભવિષ્યમાં રાજકારણમાં પાછા ફરવાનું પસંદ કરશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતે ખરાબ તબિયતના કારણે આ નિર્ણય લીધો હતો.
કમલ હાસને 2018માં મક્કલ નિધિ મૈયમ (MNM) નામની રાજકીય પાર્ટીની રચના કરી હતી. તેમના સિવાય સાઉથના સ્ટાર પવન કલ્યાણ, સુરેશ ગોપીએ પણ રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.

અમિતાભે 1987માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી
સાઉથ સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં જ રાજકારણથી દૂર થઈ ગયા. જેમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પ્રથમ નંબરે છે.
તેમણે રાજીવ ગાંધીના કહેવાથી હેમવતી નંદન બહુગુણા સામે અલ્હાબાદથી 1984ની સામાન્ય ચૂંટણી લડી અને જીતી ગયા. અમિતાભ માટે અલ્હાબાદથી ચૂંટણી જીતવી પડકારજનક હતી કારણ કે તેમના વિરોધી હેમવતી નંદન બહુગુણા પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.
શહેર પર તેમની પકડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણી વખત પાર્ટીઓ બદલ્યા છતાં તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી, પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અમિતાભે બહુગુણાને જંગી અંતરથી હરાવીને ચૂંટણી જીતી હતી.
અમિતાભ અભિનેતા હોવાની સાથે સાથે નેતા પણ બની ગયા. તેમને નવી દિલ્હીના મોતીલાલ માર્ગ પર 2F બંગલામાં રહેવાનું પણ મળ્યું. આ એ જ બંગલો હતો જ્યાં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા પહેલાં તેમની ઓફિસ ધરાવતા હતા. સાંસદ બન્યા બાદ અમિતાભ બચ્ચનનો સ્ટાફ ફિલ્મનું કામ જોવા માટે મુંબઈથી દિલ્હી આવ્યો હતો. તે જ સમયે અમિતાભે રાજકીય કામ માટે નવા સ્ટાફની નિમણૂક કરી હતી.
અમિતાભ ફિલ્મ કામ અને રાજનીતિ એક સાથે કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો પણ રિલીઝ થઈ જેમાં ‘મર્દ’ ફિલ્મે સારો બિઝનેસ કર્યો. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે અમિતાભ રાજનીતિથી દૂર જતા રહ્યા હતા, જેનો તેમના રાજકીય વિરોધીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. બોફોર્સ, ફેરફેક્સ અને સબમરીન કૌભાંડોમાં અમિતાભનું નામ ઉછળવા લાગ્યું હતું. અમિતાભ આ દબાણ સહન ન કરી શક્યા અને તેમણે 1987માં રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો.
અમિતાભ ભલે રાજકારણથી દૂર થઈ ગયા હોય, પરંતુ તેમની પત્ની જયા બચ્ચન 2004થી રાજ્યસભાના સાંસદ છે અને સમાજવાદી પાર્ટીના નેતા છે.
રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિન્હાના સંબંધો રાજકારણના કારણે બગડ્યા હતા
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેમની સફર પણ બહુ લાંબી ન હતી. રાજેશ ખન્નાએ 1991ની લોકસભાની ચૂંટણી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સામે લડી હતી. તેઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમણે અડવાણીને જોરદાર ટક્કર આપી હતી. અડવાણી બહુ ઓછા માર્જિનથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. અડવાણીને 93,662 વોટ મળ્યા, જ્યારે રાજેશ ખન્નાને 92,073 વોટ મળ્યા.
આ પછી1992માં લાલ કૃષ્ણ અડવાણીએ દિલ્હી બેઠક પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ આ બેઠક પર ફરીથી પેટાચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસે ફરી રાજેશ ખન્નાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ સાથે જ ભાજપે રાજેશ ખન્ના સામે શત્રુઘ્ન સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે કાકાએ શત્રુઘ્ન સિંહાને હરાવ્યા અને 1992-96 સુધી લોકસભાના સભ્ય રહ્યા. શત્રુઘ્નને તેમની સામે લડતા જોઈને કાકાને ખૂબ જ દુઃખ થયું અને તેમણે શોટગન સાથે વાતચીત બંધ કરી દીધી.
શત્રુઘ્ને આ વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જ્યારે હું ચૂંટણીમાં રાજેશજીની સામે ઊભો હતો, ત્યારે તેમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. સાચું કહું તો હું પણ આ કરવા માગતો ન હતો, પણ હું અડવાણીજીને ના પાડી શક્યો નહીં. મેં રાજેશ ખન્નાને પણ આ વાત સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેમણે મારી વાત ન સાંભળી અને અમે ઘણા વર્ષો સુધી એકબીજા સાથે વાત પણ ન કરી. જ્યારે રાજેશ જીને તેમના અંતિમ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હું તેમની પાસે જવા માગતો હતો અને તેમને ગળે લગાવીને માફી માગવા માગતો હતો, પરંતુ કમનસીબે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું.’
ગોવિંદાની રાજકીય સફર વિવાદોથી ભરેલી રહી હતી
ગોવિંદાએ વર્ષ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને તેઓ માત્ર મુંબઈ લોકસભા સીટ માટે ચૂંટણી લડ્યા જ નહીં પણ જીત્યા પણ. રાજકારણ દરમિયાન ગોવિંદા ક્યારેક ઉમરને કારણે તો ક્યારેક ખોટા નિર્ણયોને સમર્થન આપવાના કારણે વિવાદોમાં રહ્યા હતા. ધીમે-ધીમે તેમનો રસ ઓછો થવા લાગ્યો અને તેમણે 2008માં રાજકારણને કાયમ માટે અલવિદા કહી દીધું.
ધર્મેન્દ્રએ ચાર વર્ષમાં રાજનીતિ છોડી દીધી, પુત્ર સનીએ ચૂંટણી લડી
ધર્મેન્દ્રએ વર્ષ 2004માં રાજસ્થાનની બિકાનેર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને પછી તેઓ એકતરફી જીત્યા હતા. જોકે, ત્યાર બાદ તેમણે ક્યારેય ચૂંટણી લડી ન હતી. ધર્મેન્દ્રએ 2008માં રાજીનામું આપ્યું અને અભિનય કરવાનું નક્કી કર્યું અને રાજકારણ છોડી દીધું.
ધર્મેન્દ્ર પછી 2019માં દેઓલ પરિવારમાંથી તેમના પુત્ર સની દેઓલે પણ એ જ ભાજપની ટિકિટ પર પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના સુનીલ જાખડને હરાવ્યા હતા. સની 2024માં લોકસભા ચૂંટણી લડવા માગતા નથી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે રાજનીતિ તેમના પરિવારને શોભતી નથી. ‘ગદર’ની સફળતા બાદ તે માત્ર પોતાની ફિલ્મી કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

ઉર્મિલા માતોંડકરે 6 મહિનામાં પાર્ટી બદલી
’રંગીલા’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી ઉર્મિલા માતોંડકરે વર્ષ 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી હતી. તેમની સામે ભાજપના ગોપાલ શેટ્ટી હતા જેના કારણે અભિનેત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો. થોડા મહિના પછી ઉર્મિલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં જોડાઈ ગઈ હતી.

અટલ બિહારી વાજપેયીએ વિનોદ ખન્નાને વિદેશ રાજ્યમંત્રી બનાવ્યા હતા
બોલિવૂડ ઉપરાંત વિનોદ ખન્નાએ રાજનીતિમાં પણ સફળ ઇનિંગ રમી હતી. 1997માં ભાજપમાં જોડાયા બાદ તેઓ પંજાબના ગુરદાસપુરથી સાંસદ હતા. જુલાઈ 2002માં અટલ બિહારી વાજપેયીએ તેમને સંસ્કૃતિ અને પર્યટન મંત્રી બનાવ્યા. 2003માં વાજપેયીએ તેમને વિદેશ રાજ્ય મંત્રીની મહત્ત્વની જવાબદારી સોંપી હતી.
આ પદ સંભાળતી વખતે ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. વિનોદ ખન્નાનું 2017માં અવસાન થયું હતું, ત્યારબાદ ભાજપે હવે તેમની પત્ની કવિતા ખન્નાને 2024માં ગુરદાસપુરથી ટિકિટ ઓફર કરી છે.

રાજ બબ્બર ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે
રાજ બબ્બર યુપીના પ્રખ્યાત રાજકારણી છે. અભિનેતા યુપીના કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ છે. અભિનેતા બે વખત રાજ્યસભાના સાંસદ અને ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.
જયા પ્રદા ફિલ્મો કરતાં રાજકારણમાં વધુ એક્ટિવ છે
બોલિવૂડ અભિનેત્રી જયા પ્રદાએ એનટી રામારાવની પાર્ટી ‘તેલુગુ દેશમ’થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1996માં અભિનેત્રી પહેલીવાર રાજ્યસભાની સાંસદ બની હતી. થોડા વર્ષો પછી જયાએ દક્ષિણ ભારત છોડીને સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તર ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો. તે આ પાર્ટીમાંથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. જોકે, 2019માં જયા ભાજપમાં જોડાઈ હતી.
રાજીવ ગાંધીની સલાહ પર સુનીલ દત્તે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
સુનીલ દત્તે તેમના નજીકના મિત્ર રાજીવ ગાંધીના કહેવાથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસ સરકારમાં 2004માં તેઓ યુવા અને રમતગમત મંત્રી હતા.
શત્રુઘ્ન સિંહા 33 વર્ષથી રાજકારણમાં છે
સિંહા 1991માં ભાજપમાં જોડાયા હતા. તેમને પાર્ટીમાં ઘણી મહત્ત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. રાજ્યસભાના સભ્ય બન્યા અને કેન્દ્રમાં મંત્રી રહ્યા. પટના સાહિબથી ટિકિટ આપી અને તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા. 2014માં જ્યારે તેમને કેન્દ્રમાં મંત્રી પદ ન મળ્યું ત્યારે ભાજપ સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ.
2019માં જ્યારે ભાજપે રવિશંકર પ્રસાદને તેમના સ્થાને પટના સાહિબથી ઉમેદવાર બનાવ્યા ત્યારે શત્રુ કોંગ્રેસમાં જોડાયા. તેઓ લગભગ 28 વર્ષ સુધી ભાજપમાં રહ્યા. આ પછી કોંગ્રેસમાં તેમની સફર માત્ર ત્રણ વર્ષ જ ચાલી. પછી તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને હવે આસનસોલથી સાંસદ છે. આ સ્ટાર્સ સિવાય પ્રકાશ રાજ, પરેશ રાવલ, મિથુન ચક્રવર્તી, શબાના આઝમીએ પણ રાજકારણમાં સારી ઓળખ બનાવી છે.