6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ તસવીર જુલાઈ 2023ની છે, જ્યારે પીએમ મોદી UAE ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાને તેમને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય UAE પ્રવાસ પર જઈ રહ્યા છે. તેઓ અહીં UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તેઓ ‘અહલાન મોદી’ (હેલો મોદી) કાર્યક્રમમાં UAEમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધન કરશે. PM મોદી 14 ફેબ્રુઆરીએ રાજધાની અબુ ધાબીમાં દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પછી તે એક દિવસીય પ્રવાસ પર કતાર જવા રવાના થશે.
2014માં વડાપ્રધાન બન્યા બાદ PM મોદીની આ 7મી UAE મુલાકાત છે. તેઓ ઓગસ્ટ 2015માં પીએમ તરીકે પ્રથમ વખત UAE ગયા હતા. તેણે 2018 અને 2019માં UAEની પણ મુલાકાત લીધી હતી. 2019માં UAE સરકારે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા હતા. આ પછી મોદી જૂન 2022 અને જુલાઈ 2023માં દુબઈ ગયા હતા.
UAEમાં લગભગ 35 લાખ ભારતીયો રહે છે. આ દેશની કુલ વસ્તીના 30% છે અને અહીં ભારતીયોની સંખ્યા અન્ય કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. તેમજ, UAE રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક પછી ભારતને ચોથો સૌથી મોટો ઓઈલ સપ્લાયર છે.
UAEની રાજધાની અબુ ધાબીમાં 14 ફેબ્રુઆરીએ દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે.
PM મોદીની મુલાકાત વચ્ચે ભારત-UAE સંબંધો પર એક નજર…
તારીખ- 24 ડિસેમ્બર, 1999; દિવસ – શુક્રવાર. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISIની મદદથી 5 આતંકવાદીઓએ કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814ને હાઈજેક કરી હતી. આ તમામ આતંકી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીનના સભ્યો હતા.
આતંકવાદીઓ પ્લેનને અમૃતસરથી લાહોર અને પછી UAE એરબેઝ દ્વારા અફઘાનિસ્તાનના કંધાર લઈ જાય છે. આ પ્લેનમાં 189 લોકો સવાર હતા. આતંકવાદીઓએ માંગ કરી હતી કે ભારત આ બંધકોના બદલામાં ત્રણ આતંકવાદીઓને મુક્ત કરે. જો કે, તેઓ અજાણ હતા કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) કમાન્ડો તેમનો પીછો કરી રહ્યા છે.
ભારતના ભૂતપૂર્વ RAW ચીફ એએસ દુલતે તેમના પુસ્તક ‘કાશ્મીર – ધ વાજપેયી યર્સ’માં આ માહિતી આપી છે. દુલતના જણાવ્યા અનુસાર, એનએસજી કમાન્ડો સ્પેશિયલ ફ્લાઈટથી હાઈજેક થયેલા પ્લેનનો પીછો કરી રહ્યા હતા. આતંકવાદીઓ ભારતીય વિમાનને દુબઈ લઈ ગયા હતા. ત્યાં ઉતરવાની મંજુરી ન મળતાં તે UAEના અલ-મિન્હાદ એરબેઝ પર ઉતર્યુ હતું. આ દરમિયાન NSG કમાન્ડોએ UAE પાસે એન્ટી હાઇજેક ઓપરેશન કરવા માટે મંજુરી માંગી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી.
દુલતે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતે પણ અમેરિકા દ્વારા UAE પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મુશ્કેલ સમયમાં આપણને કોઈએ સાથ આપ્યો નહીં. UAEમાં ખોરાક, પાણી અને વિમાનનું ઈંધણ મેળવ્યા બાદ આતંકીઓ વિમાનને કંધાર લઈ ગયા હતા.
1999ની આ ઘટના તે સમયે ભારત-UAE સંબંધો વિશે ઘણું બધું કહી જાય છે. જો કે છેલ્લા 24 વર્ષમાં બંને દેશોના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. 2015માં પીએમ મોદીએ પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ગલ્ફ દેશની મુલાકાતે ગયા. ત્યારથી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત સુધારો થયો છે.
UAE કાશ્મીર પર ભારત વિરુદ્ધ બોલવાનું ટાળે છે
UAE એ આરબ દેશોમાંથી એક છે જે પાકિસ્તાનની નજીક છે. તેમની મિત્રતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે UAEએ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેની અનામત વધારવા માટે 1 બિલિયન યુએસ ડોલરની મદદ કરી હતી. આ પહેલીવાર નથી, આ પહેલા પણ UAEએ પાકિસ્તાનને લોન આપીને મદદ કરી છે. જો કે, પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવા છતાં, UAE કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવાનું ટાળે છે.
2019માં, જ્યારે ભારતે કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 નાબૂદ કરી, ત્યારે UAEએ તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો, જ્યારે પાકિસ્તાન ભારતની આ કાર્યવાહી પર આરબ દેશોની કડક પ્રતિક્રિયાની અપેક્ષા કરી રહ્યું હતું.
પાકિસ્તાનનો ગાઢ મિત્ર હોવા છતાં, UAE એ 2016ની ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં ભારત દ્વારા કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઈકને સમર્થન આપ્યું હતું. UAE સતત આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપવાની વાત કરતું રહ્યું છે.
સપ્ટેમ્બર 2023માં, UAE ના નાયબ વડાપ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહયાન G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન, ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) અંગે ભારત, અમેરિકા અને ઘણા ગલ્ફ દેશો વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં યુએઈ પણ સામેલ હતું. સમિટ બાદ UAEના નાયબ વડાપ્રધાને IMEC સંબંધિત નકશો શેર કર્યો હતો. આ નકશામાં UAEએ PoKને ભારતનો ભાગ દર્શાવ્યો હતો.
આ વીડિયો યુએઈના નાયબ વડાપ્રધાને શેર કર્યો છે. તેમાં કાશ્મીરનો નકશો લાલ વર્તુળમાં છે, જેમાં પીઓકેનો સમાવેશ થાય છે. UAEએ આ સમગ્ર વિસ્તારને ભારતના ભાગ તરીકે દર્શાવ્યો હતો.
પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવા માટે UAE પાસે મદદ માંગી હતી
જાન્યુઆરી 2023માં પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે સંબંધો સુધારવા માટે UAE પાસે મદદ માંગી હતી. અલ-અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શાહબાઝે કહ્યું હતું- મેં UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાનને ભારત સાથે વાતચીત શરૂ કરવાની અપીલ કરી છે. અમે વચન આપ્યું છે કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ.
પીએમ શાહબાઝે કહ્યું હતું- UAE રાષ્ટ્રપતિના ભારત સાથે ઘણા સારા સંબંધો છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમે ભારત સાથે ખુલ્લા મન અને પુરી ઈમાનદારી સાથે વાત કરવા તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે UAE આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
UAE ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાના પક્ષમાં છે
પુલવામામાં આત્મઘાતી આતંકવાદી હુમલા અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ ન થાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય. અહીં ભારતે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાતચીતનો સવાલ જ નથી.
માત્ર 2 વર્ષ પછી, 25 ફેબ્રુઆરી 2021ના રોજ, ભારત અને પાકિસ્તાનની સરહદ પર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે ડીજીએમઓ સ્તરની વાતચીત બાદ આ સમજૂતી થઈ હોવાનું કહેવાય છે. તે સમયે, બ્લૂમબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEએ ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે યુદ્ધવિરામ માટે ગુપ્ત રીતે વાતચીતનું આયોજન કર્યું હતું.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા પછી UAE બીજો દેશ છે જેણે યુદ્ધવિરામના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આટલું જ નહીં, આ સમજૂતીની જાહેરાતના બીજા દિવસે 26 ફેબ્રુઆરીએ UAEના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન અચાનક દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે છે. અહેવાલમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે નવેમ્બર 2020 માં, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની અબુધાબીની બે દિવસીય મુલાકાત દરમિયાન UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મહિને તેમને મળ્યા હતા.
UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે
UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. જેમાં UAEએ ભારતમાંથી 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે.
UAE સાથે ભારતની નાણાકીય ખાધ છે. એટલે કે ભારત UAEમાંથી વધુ આયાત કરે છે અને નિકાસ ઓછી કરે છે. ભારતે નાણાંકીય વર્ષ 2022-23માં UAEથી રૂ. 4 લાખ કરોડની આયાત કરી છે. ભારતે UAE સાથે વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
ભારત UAE માં શું નિકાસ કરે છે?
UAE માં ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ધાતુઓ, પથ્થરો, જેમ્સ અને જ્વેલરી, ખનિજો, અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી જેવા ખાદ્ય પદાર્થો, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને કેમિકલનો સમાવેશ થાય છે.