સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે 95 વર્ષ અને 109 દિવસની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.
દત્તાજીરાવ 2016માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. દીપક શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું.
દત્તાજીરાવ ગાયકવાડની કપ્તાની હેઠળ, બરોડાએ 1957-58 સિઝનમાં ફાઈનલમાં સર્વિસીસને હરાવીને રણજી ટ્રોફી પણ જીતી હતી.
ભારત માટે 11 ટેસ્ટ રમ્યા
દત્તાજીરાવે 1952થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેઓ 1959માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ હતા.
દત્તાજીરાવ રાઇટ હેન્ડેડ બેટર હતા. તેમણે 1952માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમણે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961માં પાકિસ્તાન સામે ચેન્નઈમાં રમી હતી.
BCCIએ દત્તાજીરાવના નિધન પર શોક વ્યક્ત કર્યો
BCCIએ દત્તાજીરાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. BCCIએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું, 1959માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમણે 11 ટેસ્ટ રમી અને ટીમનું નેતૃત્વ કર્યું. તેમની આગેવાનીમાં, બરોડાએ 1957-58 સિઝનમાં ફાઈનલમાં સર્વિસિસને હરાવીને રણજી ટ્રોફી પણ જીતી હતી. બોર્ડ ગાયકવાડના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરે છે.