53 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે શનિવાર, 17 ફેબ્રુઆરીએ, ચંદ્ર શુક્ર, વૃષભની રાશિમાં સંક્રમણ કરશે. તેમજ આજે મહા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે અને આ દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને કૃતિકા નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે આજના દિવસનું મહત્ત્વ વધી ગયું છે.
હિંદુ કેલેન્ડર મુજબ મહા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને ભીષ્મ અષ્ટમી કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં ભીષ્મ અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસને હિન્દુ ધર્મમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભીષ્મ પિતામહે માઘ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે પોતાનો દેહ છોડ્યો હતો. પિતામહ ભીષ્મને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના પ્રાણ ત્યાગવાનું વરદાન મળ્યું હતું, તેથી ઘણા તીરોથી ઘાયલ થવા છતાં તેઓ સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોતા હતા. ભીષ્મ અષ્ટમીના દિવસને ભીષ્મ તર્પણ તરીકે પણ ઉજવવામાં આવે છે. જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેઓને ગુણવાન અને બુદ્ધિશાળી બાળકોના આશીર્વાદ મળે છે. તો ચાલો જાણીએ ભીષ્મ અષ્ટમીનો શુભ સમય, મહત્ત્વ અને ભીષ્મ પિતામહના જીવન સાથે જોડાયેલાં વિવિધ તથ્યો…
ભીષ્મ અષ્ટમીનો શુભ સમય-
પંચાંગ અનુસાર, અષ્ટમી તિથિ 16 ફેબ્રુઆરીના રોજ સવારે 08:54 કલાકે શરૂ થશે અને 17મી ફેબ્રુઆરીએ સવારે 8:15 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, ભીષ્મ અષ્ટમીનો તહેવાર 17 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે. મધ્યાહનનો સમય – સવારે 11:28 થી 01:43 સુધી
ભીષ્મ અષ્ટમીનું મહત્ત્વ-
ભીષ્મ પિતામહના તર્પણની તિથિએ ભીષ્મ અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભીષ્મ પિતામહે બ્રહ્મચારી જીવન જીવવાના શપથ લીધા હતા. તેમની ઈચ્છા મુજબ પ્રાણ ત્યાગવાનું વરદાન તેમને મળ્યું હતું. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભીષ્મ અષ્ટમી તિથિનું વ્રત રાખનારને સંતાન પ્રાપ્તિ થાય છે. નિઃસંતાન મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે. વ્રત રાખવાથી ગુણવાન અને બુદ્ધિશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમજ જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભીષ્મ અષ્ટમી પૂજાપદ્ધતિ-
મહા મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિને ‘નિર્વાણ તિથિ’ અથવા મોક્ષનો દિવસ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભીષ્મજીની યાદમાં કુશ, ઘાસ, તલ અને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ છે .જે લોકો આ દિવસે પોતાના પૂર્વજોને પવિત્રતા અને સાચી ભાવના સાથે અને તમામ વિધિઓ સાથે તર્પણ કરે છે, તેમના પૂર્વજોને મોક્ષ મળે છે અને તેઓ પિતૃદોષથી છુટકારો મેળવે છે.
ભીષ્મ અષ્ટમીના ઉપવાસના નિયમો-
- ભક્તે સવારે વહેલા ઊઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ
- પવિત્ર સ્નાન કર્યા પછી, ભગવાન શિવની પૂજા કરો
- સંપૂર્ણ નિષ્ઠા અને સંયમ સાથે ઉપવાસનું પાલન કરો
- પૂર્વજોનો પ્રસાદ પંડિત પાસે તૈયાર કરાવો
- સાંજની પૂજા પછી ઉપવાસ તોડો
- છેલ્લે શંખ ફૂંકવો
ભીષ્મ અષ્ટમી વ્રતનો લાભ-
- ભીષ્મ અષ્ટમીનું વ્રત કરવાથી લોકોને તેજસ્વી અને પ્રામાણિક સંતાન પ્રાપ્ત થાય છે
- આ દિવસે પૂજા, તલનું તર્પણ અને વ્રત કરવાથી તમામ પાપો દૂર થાય છે, તેથી ભક્તિપૂર્વક તેનું પાલન કરો
- ભીષ્મ બ્રહ્મચારી હતા, તેથી તેમને તર્પણ ચઢાવવાથી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે
- ભીષ્મ અષ્ટમીનો ઉપવાસ અને આ દિવસે તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે
નિ:સંતાન દંપતીને આ દિવસે પિતૃદોષના ઉપાય કરવાથી લાભ થશે-
ગુપ્ત નવરાત્રીની અષ્ટમી તારીખ ભીષ્મ અષ્ટમી છે અને આ દિવસ શનિવાર છે. આવો સંયોગ ભાગ્યે જ જોવા મળે છે. જો ભીષ્મ અષ્ટમી શનિવારે આવે તો તેનું મહત્ત્વ વધુ વધી જાય છે. ભીષ્માષ્ટમીના દિવસે ભીષ્મના નામનો પ્રસાદ ચઢાવવામાં આવે તો પુત્રની ઈચ્છા જલદી પૂર્ણ થાય છે.
પુત્રપ્રાપ્તિમાં અવરોધનું એક કારણ પિતૃદોષ પણ છે. પિતૃદોષ દૂર કરવા માટે ભીષ્મ અષ્ટમીના દિવસે ભીષ્મના નામનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આ સાથે ભીષ્માષ્ટમીના દિવસે બપોર પછી પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ અને આ દિવસે સંકલ્પ કરીને પિતૃઓની પૂજા કરવી જોઈએ. તેનાથી પિતૃઓને પાપમુક્તિ મળે છે અને તેમના આશીર્વાદથી પુત્રનો જન્મ થાય છે.
ભીષ્મ અષ્ટમીનું વ્રત કરવાથી પિતૃઓને મળે છે મોક્ષ-
ભીષ્મ અષ્ટમી ઉત્તરાયણ દરમિયાન આવે છે, વર્ષનો સૌથી પવિત્ર સમય, જ્યારે સૂર્ય તેની સૌથી ઉત્તરીય સ્થિતિમાં હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભીષ્મ ઉત્તરાયણ દરમિયાન દેહત્યાગ કરવા માગતા હતા, તેથી તેમણે મહાભારતના યુદ્ધના મેદાનમાં હાર્યા બાદ તીરની શૈયા પર રહેવાનું પસંદ કર્યું અને ઉત્તરાયણ પછી પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. ભીષ્મ અષ્ટમીનું વ્રત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો તેમના પૂર્વજોની પૂજા અને પ્રાર્થના કરે છે.
150 વર્ષથી વધુ જીવનારા ભીષ્મ પિતામહે આ કારણથી 58 દિવસ પછી પોતાનો દેહ છોડ્યો, જાણો ભીષ્મ અષ્ટમી પર પૌરાણિક કથા-
કહેવાય છે કે, જીવનભર નીતિઓ અને અનુશાસનનું પાલન કર્યા પછી પણ ક્યારેક એક નાની ભૂલ વ્યક્તિની જિંદગી બદલી નાખે છે. આ એક ભૂલના કારણે તેમને ઘણું સહન કરવું પડે છે. શરૂઆતમાં તો આપણને આ ભૂલ કે ભૂલોનો અહેસાસ થતો નથી, પરંતુ સમય વીતવા સાથે આપણને ધીરે ધીરે ખ્યાલ આવવા લાગે છે કે આ ભૂલની આપણા સિવાય પણ ઘણા લોકોના જીવન પર અસર પડી છે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહના જીવનને પણ આ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. ભીષ્મનું નામ દેવવ્રત હતું પરંતુ તેમણે જીવનભર લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, આ ભીષ્મ(આકરા) વ્રતને કારણે તેમનું નામ પાછળથી ભીષ્મ પડ્યું. આટલી બધી શિસ્ત, નિયમો અને નીતિઓનું પાલન કર્યા પછી પણ ભીષ્મ પિતામહ 58 દિવસ સુધી બાણની શૈયા પર પડ્યા રહ્યા. આટલી પીડા સહન કર્યા પછી પણ તેમણે પોતાનો દેહ છોડ્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે ઈચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં ભીષ્મે પોતાનો દેહ કેમ છોડ્યો નહી અને 58 દિવસ સુધી જીવ કેમ દેહ ટકાવી રાખ્યો? આવો, જાણીએ મહાભારતની વાર્તા-
ભીષ્મના મૃત્યુનું કારણ અંબા કેવી રીતે બની?
પોતાના નાના ભાઈ અને હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા માટે, ભીષ્મે કાશીરાજની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લીધું હતું, પરંતુ અંબાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે, અંબા રાજા શાલ્વને પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. જ્યારે ભીષ્મને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે અંબાને રાજા શાલ્વ પાસે પૂરા આદર સાથે મોકલ્યો પરંતુ રાજા શાલ્વે અંબાનો સ્વીકાર ન કર્યો અને તેની સાથે લગ્ન કરવાની ના પાડી. રાજા શાલ્વે એનું કારણ એમ કહીને સમજાવ્યું કે, તે એવી રાજકુમારી સાથે લગ્ન ન કરી શકે જેનું લગ્ન કોઈ અન્ય સાથે લગ્ન માટે અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાંભળીને અંબા ખૂબ ગુસ્સે થયા અને આ માટે ભીષ્મને જવાબદાર ગણાવ્યા કારણ કે તેણે જ અંબાને અપહરણ કર્યું હતું. અંબા ભીષ્મના આ અપમાનનો બદલો લેવા માગતી હતી, જેના માટે અંબાએ ઘણા યોદ્ધાઓને ભીષ્મ સાથે લડવા વિનંતી કરી પરંતુ કોઈ ભીષ્મ અને હસ્તિનાપુર સાથે દુશ્મની કરવા માંગતા ન હતા, તેથી બધાએ ભીષ્મ સાથે લડવાની ના પાડી. નિરાશ થઈને અંબા ભગવાન પરશુરામ પાસે પહોંચી અને તેમને ભીષ્મને સજા કરવા કહ્યું પરંતુ ભગવાન પરશુરામે અંબાને ભીષ્મ સાથે લગ્ન કરવાની સલાહ આપી.
ભગવાન શિવનું વરદાન મળ્યું-
અંબા ભીષ્મ પાસે તેના લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ હતી પરંતુ ભીષ્મે લગ્ન ન કરવાની આજીવન પ્રતિજ્ઞાને કારણે તેનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જે પછી અંબાએ ભીષ્મના મૃત્યુની કામના કરી. બધી આશા છોડી દેનાર અંબાએ આખરે ભગવાન શિવનું શરણ લીધું. ભગવાન શિવની તપસ્યા કરીને, અંબાએ ભીષ્મના મૃત્યુનું વરદાન માંગ્યું. ભગવાન શિવે તેને કહ્યું કે આ જન્મમાં આ શક્ય નથી, આ માટે તેણે આગામી જન્મ સુધી રાહ જોવી પડશે. આ સાંભળીને અંબા ખૂબ પ્રસન્ન થઈ અને આગળના જન્મમાં ભીષ્મના મૃત્યુનું કારણ બનવાનું વરદાન માંગ્યું. આ પછી અંબાએ શરીર છોડી દીધું. આગલા જન્મમાં અંબાનો જન્મ ‘શિખંડી’ તરીકે રાજા દુપદ્રાના ઘરે થયો હતો. શિખંડીમાં પુરૂષ તત્વો વધુ હતા, તેથી તેમને પુરુષોની જેમ ઉછેરવામાં આવ્યો હતો અને તેમને યુદ્ધની કળા પણ શીખવવામાં આવી હતી.
મહાભારતના યુદ્ધમાં ભીષ્મના મૃત્યુનું કારણ શિખંડી બન્યો હતો-
કુરુક્ષેત્રમાં થઈ રહેલા લોહિયાળ યુદ્ધમાં ભીષ્મને હરાવવાનું અશક્ય લાગતું હતું. આ કારણથી અર્જુને શિખંડીનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો અને ભીષ્મ પર એક સાથે અનેક તીર છોડ્યા. ભીષ્મે કોઈ સ્ત્રી પર હાથ ઉપાડ્યો ન હતો અને શિખંડીમાં સ્ત્રી અને પુરુષ બંને તત્ત્વો હતા, આ કારણે ભીષ્મે પોતાનું શસ્ત્ર ઉપાડ્યું ન હતું અને અર્જુને ભીષ્મ પર અસંખ્ય તીરો છોડ્યા હતા. ઈચ્છામૃત્યુના વરદાનથી ભીષ્મ મૃત્યુ પામ્યા નહીં અને અસહ્ય પીડા સહન કરીને અડગ રીતે ઊભા રહ્યા. તેમની પીડા જોઈને અર્જુને બાણોની પથારી બનાવી અને તેના પર ભીષ્મને સુવડાવી દીધા, જેથી તેમની પીડા ઓછી થઈ શકે.
58 દિવસ પછી ભીષ્મે દેહ છોડ્યો-
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં એવી માન્યતા છે કે, જે વ્યક્તિ ઉત્તરાયણના દિવસે પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કારણથી 58 દિવસ સુધી કષ્ટ ભોગવ્યા બાદ પણ ભીષ્મ પિતામહે પોતાનો જીવ બચાવ્યો અને ઉત્તરાયણના દિવસે પોતાના દેહનો ત્યાગ કર્યો. ભીષ્મનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થયું હતું, તેથી ભીષ્મ અષ્ટમી સૂર્ય ઉત્તરાયણના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મૃત્યુ સમયે ભીષ્મની ઉંમર 150-200 વર્ષની વચ્ચે હતી. ભીષ્મ માત્ર તેમની ભીષ્મ પ્રતિજ્ઞા માટે જ નહીં પરંતુ એક મહાન યોદ્ધા તરીકે પણ જાણીતા છે