23 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને મુંબઈ પોલીસમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોતાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસાની માંગણી કરવા બદલ FIR નોંધાવી છે. અહેવાલો અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ વિદ્યા બાલનનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું અને જીમેલ એકાઉન્ટ પણ બનાવ્યું. આ વ્યક્તિએ અભિનેત્રીના એકાઉન્ટનો ઉપયોગ કરીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, તે લોકો પાસેથી નોકરીની ખાતરી આપીને પૈસાની માગણી કરતો હતો.
જ્યારે વિદ્યા બાલનને આ બાબતની જાણ થઈ તો તેણે મુંબઈ પોલીસને આ અંગે ફરિયાદ કરી. અભિનેત્રીની ફરિયાદ પર મુંબઈ પોલીસના ખાર પોલીસ સ્ટેશને ITની કલમ 66 (C) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
વિદ્યા આ પહેલા પણ ફેક એકાઉન્ટને લઈને ચિંતિત રહી છે
વિદ્યા બાલને 19 જાન્યુઆરીએ તેના ફોલોઅર્સ અને ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. વિદ્યા બાલને તેના ફોલોઅર્સને તેના નામનો ઉપયોગ કરીને નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને ‘રિપોર્ટ અને બ્લોક’ કરવાની વિનંતી કરી હતી. અભિનેત્રીએ લખ્યું- ‘હેલો મિત્રો, પહેલા તે માત્ર એક ફોન નંબર હતો પરંતુ હવે કોઈ આ નામનો ઉપયોગ કરી રહ્યું છે @vidya.balan.pvt. તે મારા નામથી લોકોનો સંપર્ક કરી રહ્યો છે.’
અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકો અને અનુયાયીઓને તેના નામનો ઉપયોગ કરીને અને લોકો સુધી પહોંચતા નકલી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ વિશે જાણ કરી હતી. અભિનેત્રીએ આગળ લખ્યું – ‘મારી ટીમે તેની જાણ કરી છે… પરંતુ જો તમે લોકો આ એકાઉન્ટને રિપોર્ટ કરીને તેને બ્લોક કરાવવામાં અમને મદદ કરશો તો તે ખૂબ મદદરૂપ થશે.
તેણે કહ્યું કે ‘તે વ્યક્તિ મારા મિત્રો અને ઘણા પરિચિતો સાથે વિદ્યા બનીને વાત કરી ચૂક્યો છે.’ વિદ્યાએ તમામ પ્રશંસકોને કહ્યું કે ‘તે વ્યક્તિની વાત જરાય ન માનો’. તમને જણાવી દઈએ કે વિદ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઓફિશિયલ એકાઉન્ટ પર ફની વીડિયો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણીવાર સેલેબ્સના એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવે છે.
‘ભૂલ ભુલૈયા 3’માં વિદ્યા જોવા મળશે
વિદ્યા બાલન કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં મંજુલિકાના રોલમાં આવશે. તમને જણાવી દઈએ કે, 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલનને રિપ્લેસ કરવામાં આવી હતી. તબ્બુએ ‘ભૂલ ભૂલૈયા 2’માં વિદ્યાનું પાત્ર ભજવ્યું હતું.