મુંબઈ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ કેસનો વીડિયો પણ સામે આવ્યો છે. હોસ્પિટલની બહાર રસ્તા પર ઘણા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જોવા મળે છે. ઝાડ પર દોરડાં બાંધીને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર કિરણ પાટીલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી. સોમથાણા ગામમાં ‘હરિનામ’ નામનો સાપ્તાહિક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
હોસ્પિટલની બહાર રોડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
મંદિરમાં 500 ભક્તો હતા, 300 બીમાર
સોમથાણા અને ખાપરખેડ ગામમાંથી આશરે 500 ભક્તો મંગળવારે રાત્રે 10 વાગ્યે મંદિરમાં પ્રસાદ લેવા માટે આવ્યા હતા. પ્રસાદ ખાધા પછી તેમને પેટમાં દુ:ખાવો અને ઉલ્ટીની ફરિયાદ થઈ. બીમાર લોકોને બીબી ગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બેડની અછતને કારણે મોટાભાગના દર્દીઓને હોસ્પિટલની બહારના રસ્તા પર સારવાર લેવી પડી હતી. ઝાડ પર દોરડાં બાંધીને બાટલા ચડાવવામાં આવ્યા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે હોસ્પિટલની અંદર જગ્યા નહોતી અને ત્યાં ઘણા બધા દર્દીઓ હતા.
કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
પ્રસાદના સેમ્પલની ચકાસણી કરવામાં આવશે
જિલ્લા કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું હતું કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટાભાગનાને બુધવારે રજા આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી સાધનો સાથે ડોકટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રસાદના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.