ચેન્નાઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ 28 ફેબ્રુઆરીએ તમિલનાડુમાં ISROના બીજા રોકેટ લોન્ચ પેડનો શિલાન્યાસ કર્યો હતો. તે જ દિવસે DMKના એક મંત્રીએ અખબારોમાં જાહેરાત છપાવી હતી. તેમાં ચીનના રોકેટની તસવીર હતી.
તમિલનાડુ બીજેપીએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને તેમના જન્મદિવસ પર શુક્રવારે (1 માર્ચ) એ ચીની ભાષામાં શુભેચ્છા પાઠવી હતી. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ટાલિનનું પોસ્ટર શેર કર્યું છે. તેના કેપ્શનમાં લખ્યું હતું- ભાજપ તરફથી સીએમ સ્ટાલિનને તેમની પ્રિય ભાષામાં જન્મદિવસની શુભેચ્છા.
હકીકતમાં, બુધવારે (28 ફેબ્રુઆરી) PM નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ISROના બીજા રોકેટ લોન્ચ પેડનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે જ દિવસે, રાજ્યની ડીએમકે સરકારના પશુપાલન મંત્રી અનિતા રાધાકૃષ્ણને સ્થાનિક અખબારોમાં એક જાહેરાત બહાર પાડી. જેમાં રોકેટ પર ભારતના બદલે ચીનનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.
વિવાદ વધતાં અનિતા રાધાકૃષ્ણને ગુરુવારે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું- અમે રોકેટ લોન્ચ પેડના ખાતમુહૂર્ત કરવાને લઇને આપેલી જાહેરાતમાં નાની ભૂલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતી જાહેરાતમાં ચીની ધ્વજની તસવીર એ તેને ડિઝાઇન કરનારાઓની ભૂલ હતી. સાથે જ જાહેરાત પર અમે પણ ધ્યાન ન આપ્યું.
DMK સરકારની આ જાહેરાતને લઈને વિવાદ થયો છે. જેના પર ભાજપે DMK સરકાર પર ચીન પ્રેમનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું હતું- શ્રેય લેવા માટે ચીની સ્ટીકર લગાવ્યા
ISROની જાહેરાત પર ચીનનો ધ્વજ લગાવવા બદલ ભાજપે DMK સરકારની આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ ડીએમકે પર પણ નિશાન સાધ્યું. PM 27-28 ફેબ્રુઆરીએ તમિલનાડુના પ્રવાસે હતા. તિરુનેલવેલીમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું- ડીએમકે સરકાર ભારતની પ્રગતિને સહન કરી શકતી નથી. તેઓ ISRO લોન્ચ પેડનો શ્રેય લેવા માટે અખબારોની જાહેરાતોમાં ચીનનું સ્ટીકર પણ ચોંટાડી રહ્યા છે.
મોદીએ કહ્યું- ડીએમકે એક એવી પાર્ટી છે જે કામ કરતી નથી, પરંતુ ખોટી ક્રેડિટ લેવામાં આગળ હોય છે. આ લોકો અમારી યોજનાઓ પર તેમના સ્ટીકરો ચોંટાડે છે. હવે તેઓએ હદ વટાવી દીધી છે, તેઓએ તમિલનાડુમાં ISRO લોન્ચ પેડનો શ્રેય લેવા માટે ચીનનું સ્ટીકર લગાવ્યું છે.
વડાપ્રધાને આરોપ લગાવ્યો કે ડીએમકે સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિને સ્વીકારવા તૈયાર નથી. તેઓ જાહેરાત કરે છે અને તેમાં ભારતના અવકાશના ફોટા પણ સામેલ નથી. તેઓ ભારતની અવકાશ સફળતાને ઉજાગર કરવા માંગતા ન હતા.

મોદીએ તિરુનેલવેલીમાં કહ્યું- DMK સરકાર તમિલનાડુના વિકાસને લઈને ચિંતિત નથી. તેઓ માત્ર તેમના પરિવારની ચિંતા કરે છે.
તમિલનાડુ બીજેપી અધ્યક્ષે કહ્યું- ડીએમકેનો ચીન પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે
તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ ડીએમકેની અખબારમાં પ્રકાશિત જાહેરાતનું કટિંગ શેર કર્યું છે. તેમણે લખ્યું- DMK સરકારનો ચીન પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. આ લોકોએ આપણા દેશની સાર્વભૌમત્વની અવહેલના કરી છે. આજની જાહેરાત તેનું ઉદાહરણ છે.
DMK કુલશેખરપટ્ટનમ ખાતે ISROના બીજા લોન્ચ પેડની જાહેરાત બાદ સ્ટીકરો ચોંટાડવા માટે આતુર છે. ડીએમકે એ પાર્ટી છે જેના કારણે સતીશ ધવન સ્પેસ સેન્ટર આજે આંધ્રપ્રદેશમાં છે તમિલનાડુમાં નહીં.
986 કરોડમાં બનશે ISROનું નવું લોન્ચ કોમ્પ્લેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (28 ફેબ્રુઆરી) રાજ્યના કુલશેખરપટ્ટનમ ખાતે ISROના નવા લોન્ચ કોમ્પલેક્સનો શિલાન્યાસ કર્યો હતો. જેને 986 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અહીંથી દર વર્ષે 24 લોન્ચિંગ કરવામાં આવશે. સંકુલમાં 35 સુવિધાઓ અને મોબાઇલ લોન્ચ સ્ટ્રક્ચરનો સમાવેશ થશે.
નવા લોન્ચ પેડ અંગે ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું- તમિલનાડુ સરકારે અમને જમીન ટ્રાન્સફર કરી છે. બાંધકામ શરૂ થવાનું છે, તે પૂર્ણ થતાં અંદાજે 2 વર્ષ લાગશે. SSLV અહીંથી બે વર્ષ પછી લોન્ચ થશે.