5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે 34મો બર્થડે છે. ટાઈગરે એક્ટિંગ માટે થઈને પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને માત્ર 12મા સુધી જ અભ્યાસ કર્યો છે. 2014માં ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘બાગી’, ‘અ ફ્લાઈંગ જાટ’, ‘મુન્ના માઈકલ’, ‘વોર’, ‘ગણપત’, ‘બાગી 2’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
ટાઇગરની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ છે જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ સિવાય તે ‘સિંઘમ અગેઇન’માં કેમિયો કરતો જોવા મળશે. ટાઇગર હોલિવૂડમાં પણ કામ કરવા માગે છે. આ માટે કેટલાક ઓડિશન પણ આપ્યા, પરંતુ તેમાં સફળ થયો ન હતો. ટાઈગરે બોલિવૂડમાં 10 વર્ષ વિતાવ્યા છે, પરંતુ અત્યાર સુધી તેની માત્ર એક જ ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે, જે છે ‘વોર’.
ટાઇગરની ઈમેજ એક્શન અને ડાન્સિંગ સ્ટારની છે. તે આ બંને બાબતોમાં નિપુણતા ધરાવે છે. માઈકલ જેક્સન અને હૃતિક રોશનને તેમના રોલ મોડલ માને છે.
તેમની કુલ સંપત્તિ 125 કરોડ રૂપિયા છે. અંગત જીવનની વાત કરીએ તો ટાઈગર દિશા પટની સાથે રિલેશનશિપમાં હતો, પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી ટાઈગર પોતાને સિંગલ કહે છે.
ચાલો જોઈએ ટાઈગરના જીવનનાં રસપ્રદ તથ્યો…
બાળપણમાં પિતા જેકી શ્રોફ સાથે ટાઇગર
ટાઇગરનો જન્મ 2 માર્ચ, 1990ના રોજ મુંબઈમાં અભિનેતા જેકી શ્રોફ અને આયેશાના ઘરે થયો હતો. ટાઇગરને કૃષ્ણા નામની એક બહેન પણ છે. ટાઇગરનું સાચું નામ જય હેમંત શ્રોફ છે. નાનપણમાં પપ્પા તેને ટાઈગર કહીને બોલાવતા હતા. આ સ્થિતિમાં જ્યારે તેમણે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું ત્યારે પોતાનું નામ બદલીને ટાઇગર કરી દીધું હતું.
ટાઇગરે ‘અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બે’માં અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ માર્શલ આર્ટમાં રસ હતો. આ જ કારણ છે કે, તેમણે નાનપણથી જ તેમાં તાલીમ લેવાનું શરૂ કર્યું. 2014માં તેને તાઈકવાન્ડોમાં ‘બ્લેક બેલ્ટ’ મળ્યો. ટાઇગલે માત્ર 12મા સુધી જ અભ્યાસ કર્યો છે.
જન્મ થતાંની સાથે જ મળી હતી સાઈનિંગ અમાઉન્ટ
રસપ્રદ વાત એ છે કે, જન્મ થતાંની સાથે જ ટાઇગરને ફિલ્મ મળી હતી. વાત એમ છે કે, જ્યારે જેકી શ્રોફના પુત્રનો જન્મ થયો ત્યારે ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ તેમના ઘરે પહોંચ્યા હતા. ટાઈગરને જોઈને સુભાષે તેના હાથમાં 101 રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘આ સાઈનિંગ અમાઉન્ટ છે અને હું તને એક્ટર તરીકે લોન્ચ કરીશ.’
પરંતુ જ્યારે ટાઇગર મોટો થયો અને એક્ટર બનવાનું નક્કી કર્યું ત્યારે બધાએ વિચાર્યું કે સુભાષ ટાઈગરને લઈને તેની સુપરહિટ ફિલ્મ ‘હીરો’ની રિમેક બનાવશે, પરંતુ એવું કંઈ થયું નહીં.
બોલિવૂડ પરિવાર સાથે જોડાયેલા ટાઈગરને નાનપણથી જ સ્પોર્ટ્સ અને ડાન્સિંગનો શોખ છે. જોકે તેમણે એક્ટર બનવાનું વિચાર્યું ન હતું. તે પોતાની કારકિર્દી રમતગમત કે નૃત્ય ક્ષેત્રે બનાવવા માગતો હતો.
ફિલ્મોમાં આવતાં પહેલાં ટાઇગરનો લુક આવો હતો.
2014માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
ટાઇગરના પિતા જેકી શ્રોફ એક્ટર છે અને માતા આયેશા ફિલ્મ પ્રોડ્યુસર છે. આમ છતાં ટાઈગરને પોતાની પહેલી ફિલ્મ પોતાના દમ પર મળી હતી. જો તેમના માતા-પિતા ઇચ્છત તો તેઓ તેના માટે એક ફિલ્મ બનાવી શક્યા હોત, પરંતુ તેઓએ તેમ ન કર્યું અને ટાઇગરને પોતાના દમ પર બોલિવૂડમાં સ્થાન બનાવવા કહ્યું. 2012માં ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ ટાઇગરને ફિલ્મ ‘હીરોપંતી’માં તક આપી હતી.
‘હીરોપંતી’માં ડેબ્યૂ કરતાં પહેલાં ટાઈગરે 3 વર્ષ સુધી બોડી ફ્લેક્સિબિલિટી અને મોશન ટ્રેનિંગ લીધી હતી. ‘હીરોપંતી’ ના નિર્દેશક શબ્બીર ખાન હતા. ફિલ્મનું શૂટિંગ 2012માં શરૂ થયું હતું અને 2014માં રિલીઝ થયું હતું.
ટાઇગર ઉપરાંત ક્રિતી સેનને પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સફળ રહી હતી અને ટાઇગરની નૃત્ય કૌશલ્ય અને અભિનયની સિક્વન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘ધૂમ-3’ના શૂટિંગ દરમિયાન ટાઈગરે આમિર ખાનને બોડી બનાવવામાં મદદ કરી હતી.
આ પછી ટાઈગરે ‘બાગી’, ‘અ ફ્લાઈંગ જાટ’, ‘મુન્ના માઈકલ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ જેવી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમાંથી કેટલીક ફિલ્મો ફ્લોપ પણ થઈ, જેનાથી ટાઈગર ચોંકી ગયો.
ફિલ્મ ‘ગણપત’ના એક્શન સીનમાં ટાઈગર શ્રોફ
ફિલ્મ ફ્લોપ જવાને કારણે ટાઇગરને લાગ્યો હતો ઝટકો
ટાઇગરની કારકિર્દીમાં એક એવો સમયગાળો આવ્યો જ્યારે તેમની ફિલ્મો ફ્લોપ થવા લાગી ત્યારે નિરાશ થયો હતો. થયું એવું કે જ્યારે તેને ‘હીરોપંતી’ અને ‘બાગી’ જેવી એક્શન ફિલ્મોથી સફળતા મળવા લાગી તો તેમણે ‘મુન્ના માઈકલ’ અને ‘હીરોપંતી 2’ જેવી ફિલ્મો પણ કરી. ટાઈગરની આ બંને ફિલ્મો ફ્લોપ રહી હતી જેના કારણે તે આઘાતમાં હતો.
તેના પિતા જેકી શ્રોફે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘ટાઇગર નિરાશ થઈને ઘરે બેઠો હતો, તે ખૂબ જ આઘાતમાં હતો. જ્યારે ફિલ્મો ફ્લોપ થાય ત્યારે ખરાબ લાગે છે, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે કેવી રીતે કમબેક કરવું.’
‘મેં તેમને સમજાવ્યું કે પડ્યા પછી ઉઠવું જરૂરી છે. તે ખૂબ જ મહેનતુ છે, જ્યારે તેના કામની પ્રશંસા થાય છે, સ્વાભાવિક રીતે જ માતાપિતા તરીકે મને આનંદ થાય છે. બાકી બધું ભગવાનના હાથમાં છે.’
ટાઈગરે કરન જોહરના શો ‘કોફી વિથ કરન’માં કહ્યું હતું કે, જ્યારે મારી ફિલ્મો અસફળ રહી હતી, ત્યારે મારું દિલ તૂટી ગયું હતું, હું ખૂબ જ હતાશ હતો. હું એમ નહીં કહું કે મેં ઘણું બલિદાન આપ્યું છે કારણ કે હું જે પણ કરું છું તે મારી મરજી મુજબ કરું છું. મારી પાસે સામાજિક જીવન નથી કે મેં ઘણા મિત્રો બનાવ્યા નથી.’
‘બાગી 2’થી ફરી સફળતા મળી
અહેમદ ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘બાગી 2’ ટાઈગરના ફિલ્મી કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં દિશા પટની પણ લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી.
આ પછી 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર’ તેમના કરિયરની મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે ગ્લોબલ માર્કેટમાં રૂ. 470 કરોડની કમાણી કરી હતી.. આ ફિલ્મમાં હૃતિક રોશને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટાઈગરને દિશા સાથે થઇ હતો પ્રેમ
જ્યારે બંનેએ 2016માં ‘બેફિકરા’ના મ્યુઝિક વીડિયો માટે શૂટ કર્યું ત્યારે તેમની નિકટતાની વાતો થવા લાગી હતી. આ દરમિયાન બંને ઘણીવાર લંચ ડેટ અને રજાઓ પર જતા જોવા મળતા હતા. દિશાનું ટાઇગરની બહેન કૃષ્ણા અને માતા આયેશા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ હતું.
લોકડાઉન દરમિયાન, દિશાએ ટાઇગર અને તેના પરિવાર સાથે તેમના ઘરે ઘણા દિવસો વિતાવ્યા જેથી તે મુંબઈમાં એકલતા અનુભવે નહીં. છ વર્ષ સુધી તેમનો સંબંધ ખૂબ જ સારો રહ્યો અને એવી અટકળો ચાલી રહી હતી કે બંને લગ્ન કરીને સેટલ થઈ જશે.
જેકી શ્રોફે એમ પણ કહ્યું હતું કે જો ટાઈગર દિશા સાથે લગ્ન કરશે તો તે ખૂબ જ ખુશ થશે. જો કે આવું બન્યું ન હતું. તેઓ 2022માં બંનેના રસ્તા અલગ થઇ ગયા હતા.
દિશા અને ટાઈગર 6 વર્ષથી રિલેશનશિપમાં હતાં
આ કારણે બંને છૂટા પડી ગયા!
ETimes ના અહેવાલો અનુસાર, ટાઇગરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે બ્રેકઅપ થયું. જોકે, દિશા કે ટાઈગરે આ અંગે ખૂલીને કંઈ કહ્યું નથી.
રિપોર્ટ અનુસાર દિશા ટાઈગરને લઈને ખૂબ જ પઝેસિવ બની રહી હતી. એટલું જ નહીં, તેણે શું કરવું અને શું ન કરવું જેવી શરતો પણ લગાવી દીધી. દિશા અવારનવાર તેના ફોન કોલ્સ પણ ચેક કરતી હતી.
દિશાએ ટાઈગરને ચેતવણી પણ આપી હતી કે તે સેટ પર મહિલા કો-સ્ટાર્સ સાથે માત્ર વાત-ચીત જ કરી શકે છે. આટલું જ નહીં, ટાઈગર સોશિયલ મીડિયા પર અન્ય અભિનેત્રીઓના ફોટા પણ લાઈક કરી શકતો નહોતો. દિશાના વધારે પડતા પઝેસિવ સ્વભાવને કારણે ટાઈગર નારાજ થઈ ગયો અને તેમનો સંબંધ ટકી શક્યો નહીં.
બાય ધ વે, બ્રેકઅપ પછી પણ દિશા ટાઈગરના પરિવાર સાથે ખાસ બોન્ડ શેર કરે છે. તેની માતા અને બહેન કૃષ્ણા શ્રોફ પણ ઘણીવાર દિશાની પોસ્ટ પર કમેન્ટ કરે છે. દિશા સાથેના બ્રેકઅપ બાદ ટાઇગર પોતાને સિંગલ ગણાવે છે અને આ દરમિયાન તેનું નામ દિશા ધાનુકા સાથે પણ જોડાઈ ગયું છે.
ટાઇગરને શ્રદ્ધા કપૂર પસંદ છે
ટાઇગરે શ્રદ્ધા કપૂર સાથે ‘બાગી’ અને ‘બાગી 3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેમાં શાનદાર બોન્ડિંગ પણ છે. એક ઇન્ટરવ્યૂમાં ટાઈગરે પોતે કહ્યું હતું કે તેને શ્રદ્ધા ખૂબ ગમે છે.
ટાઈગરે કહ્યું હતું કે, ‘હું માનું છું કે હું સિંગલ છું અને હાલમાં હું કોઈને ડેટ કરવા માટે શોધી રહ્યો છું, પરંતુ હું હંમેશાથી શ્રદ્ધા કપૂર પ્રત્યે આકર્ષિત રહ્યો છું. મને લાગે છે કે તે ખૂબ સારી છે.’
નેટવર્થ 125 કરોડ છે
ટાઈગર દસ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સીએ નોલેજના રિપોર્ટ મુજબ આ દસ વર્ષમાં તેણે 125 કરોડ રૂપિયાની પ્રોપર્ટી બનાવી છે. તેની વાર્ષિક આવક 20 કરોડ છે. તે દરેક ફિલ્મ માટે 5-7 કરોડ રૂપિયા લે છે. ટાઇગર પાસે ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે, જેના માટે તેની ફી 2થી 3 કરોડ રૂપિયા સુધીની છે.
ટાઇગરે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તેની પાસે મુંબઈમાં લક્ઝુરિયસ ઘર છે જેની કિંમત અંદાજે 23 કરોડ રૂપિયા છે. ટાઇગરના કાર કલેક્શનમાં 7 કરોડ રૂપિયાની કાર છે જેમાં રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને BMW સામેલ છે.
‘બડે મિયાં છોટે મિયાં’માં અક્ષય-ટાઈગર
‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે
ટાઇગરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા એફ. અને સોનાક્ષી સિંહા પણ લીડ રોલમાં જોવા મળશે. અલી અબ્બાસ ઝફર ‘બડે મિયાં છોટે મિયાં’ના નિર્દેશક છે. જ્યારે વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મેહરા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.’
આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની છે
‘બડે મિયાં છોટે મિયાં’ એક એક્શન ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. તે 100 દિવસમાં વિશ્વના ચાર દેશોમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સિવાય ટાઈગર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’માં કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય તે સાઉથની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.
ટાઈગર હોલિવૂડ ફિલ્મોના ઓડિશનમાં નિષ્ફળ ગયો હતો
ટાઈગર માત્ર બોલિવૂડમાં જ નહીં હોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવવા માગે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘પશ્ચિમ દેશોમાં યુવા એક્શન હીરોની જગ્યા ખાલી છે. હોલિવૂડમાં મારી ઉંમરના કોઈ એક્શન હીરો નથી, હું જે કરું છું તે કોઈ કરતું નથી. 90ના દાયકામાં આપણે યુવા હીરોને એક્શન કરતા જોતા હતા, પરંતુ આજકાલ કોઈ પાસે આ કુશળતા નથી. સ્પાઈડર મેન અથવા આવા કોઈ હીરોને બાદ કરતા ત્યાં એક ખાલીપો જોવા મળે છે.
ટાઈગરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું જે પ્રકારનું એક્શન કરું છું તે કોઈ કરતું નથી, હું સાઉથમાં મારું નસીબ અજમાવવા માગુ છું. મને ઘણી ઓફર મળી છે. મેં ઘણા ઓડિશન પણ આપ્યા છે, પરંતુ હું નિષ્ફળ ગયો. હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, તો ચાલો જોઈએ કે આગળ શું થાય છે.’