18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝારખંડનો વિકેટકીપર બેટર રોબિન મિન્ઝ શનિવારે રાંચીમાં બાઇક અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને જમણા ઘૂંટણમાં થોડી ઈજા થઈ છે. રોબિનને IPL2024ની મિની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે રૂ. 3.6 કરોડમાં ખરીદ્યો હતો.
IPLની કોઈપણ ટીમમાં પસંદગી પામેલ તે પ્રથમ આદિવાસી ખેલાડી છે.
પિતાએ અકસ્માતની પુષ્ટિ કરી
રિપોર્ટ અનુસાર રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ મિન્ઝે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે રોબિનની બાઇક અન્ય બાઇક સાથે અથડાઈ હતી. રોબિનને સામાન્ય ઈજા થઈ છે. તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
મિન્ઝ સુપર બાઇક પર રાંચીમાં ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે તેની બાઇક બીજી બાઇક સાથે અથડાઈ. જે બાદ રોબિને કાબૂ ગુમાવ્યો અને પડી ગયો. રોબીનની બાઇકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રોબિનને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે.
મિન્ઝ ડોમેસ્ટિક ક્રિકેટમાં 1300થી વધુ રન બનાવી ચૂક્યો છે
તે છેલ્લા 2 વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મિન્ઝ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તે રાંચીમાં સોનેટ ક્લબ તરફથી રમે છે. તે પૂર્વ રણજી ક્રિકેટર એસપી ગૌતમ અને આસિફ પાસેથી ક્રિકેટ શીખી રહ્યો છે.
રણજીમાં ડેબ્યૂ કર્યું નથી
રોબિને હજુ સુધી રણજીમાં પદાર્પણ કર્યું નથી. તે છતાં, IPL 2024 માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મિની ઓક્શનમાં તેને સામેલ કરવા માટે IPL ટીમ વચ્ચે સ્પર્ધા હતી. તેને ગુજરાત ટાઇટન્સે 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ, લખનઉ સુપરજાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે પણ તેના માટે બોલી લગાવી હતી. રોબિન ઝારખંડ તરફથી અંડર-19 અને અંડર-25માં રમી ચૂક્યો છે.
શુભમન ગિલ રાંચી ટેસ્ટ દરમિયાન એરપોર્ટ પર રોબિન મિન્ઝના પિતાને મળ્યો
ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ માટે ગયેલી ભારતીય ટીમનો ભાગ રહેલા શુભમન ગિલ રાંચી એરપોર્ટ પર રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ ઝેવિયર મિંચને મળ્યો હતો. મિન્ઝના પિતા ભૂતપૂર્વ સૈનિક છે અને રાંચી એરપોર્ટ સિક્યોરિટીમાં પોસ્ટેડ છે. ગિલ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે.
ગિલે મિન્ઝના પિતા સાથે હાથ મિલાવ્યા અને તેમના પુત્રના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. મિન્ઝના પિતાએ પણ ગિલને ઇંગ્લેન્ડ સામેની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.