નવી દિલ્હી15 કલાક પેહલા
- કૉપી લિંક
- ઓક્ટો-નવે.માં ટેલિકોમ, એજ્યુકેશન, રિટેલ સેક્ટર્સમાં ભરતી ઘટી
દેશમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આઇટી-સોફ્ટવેર, ટેલીકોમ અને એજ્યુકેશન સેક્ટર્સમાં ભરતીનો ટ્રેન્ડ ઘટતા ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન વ્હાઇટ કોલર જોબ માટેની ભરતીમાં 12%નો ઘટાડો થયો છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન વ્હાઇટ કોલર જોબ માટેની ભરતી ગત વર્ષના 2,781થી ઘટીને આ વર્ષે 2,433 રહી હતી. નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ એ કંપનીઓ દ્વારા નોકરી ડોટ કોમ પર ઉપલબ્ધ રેઝ્યુમેને આધારે નવી જોબ માટેના લિસ્ટિંગ અને જોબને લગતા સર્ચને આધારિત ભારતીય જોબ માર્કેટ અને ભરતીની ગતિવિધિનો ચિતાર દર્શાવે છે.
ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ટેલીકોમ, એજ્યુકેશન, રિટેલ સેક્ટર્સમાં ભરતીમાં અનુક્રમે 18%, 17% અને 11%નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે હોસ્પિટાલિટી, ટ્રાવેલ, ઓટો અને ઓટો એન્સિલરી જેવા સેક્ટર્સમાં હાયરિંગ ટ્રેન્ડ સ્થિર રહ્યો હતો. બીજી તરફ ગત વર્ષની તુલનાએ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતી 9 ટકા વધી હતી. જેનું કારણ એનર્જી કંપનીઓનું ઝડપી ગતિએ વિસ્તરણ અને દેશભરમાં નવી રિફાઇનરીની સ્થાપના હતી. જ્યારે ફાર્મા સેક્ટરમાં નવી જોબ ઓફર્સમાં 6%નો વધારો થયો હતો. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતીમાં 5%ની વૃદ્ધિ જોવા મળી હતી.
નોકરી ડોટ કોમના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયલે જણાવ્યું હતું કે તહેવારોની સીઝન દરમિયાન ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા અને ઇન્સ્યોરન્સ જેવા નોન-આઇટી સેક્ટર્સમાં ભરતી વધી છે.
એઆઇને સંલગ્ન ક્ષેત્રમાં ભરતી 64% વધી
AIને લગતા ક્ષેત્ર જેમ કે મશિન લર્નિંગ એન્જિનિયર અને ફુલ સ્ટેક ડેટા સાયન્ટિસ્ટની ભરતી અનુક્રમે 64 ટકા અને 16 ટકા વધી છે. મેટ્રો કરતા મેટ્રો સિવાયના શહેરોમાં વધુ ભરતીનો ટ્રેન્ડ રહ્યો હતો. વડોદરામાં છેલ્લા બે મહિનામાં નવી ભરતીમાં 9%ની વૃદ્ધિ નોંધાઇ છે જ્યારે અમદાવાદમાં વૃદ્ધિદર સ્થિર રહ્યો હતો.