કમાટી બાગ રોડ પર કારની ટક્કર વાગતા રિક્ષા પલટી ગઇ : મહિલા સફાઇ કામદારનું મોત
Updated: Dec 8th, 2023
વડોદરાડભોઇ રોડ પર સોમા તળાવ પાસેથી મોપેડ પર જતા મહિલા અને વૃદ્ધાને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી નોવિનો રોડ પદમ પાર્ક સોસાયટીમાં રહેતા રવિ કનુભાઇ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજપીપળા ખાતે રહેતા તેમના બા શારદાબેન ધીરજભાઇ પંચાલ ધામક પ્રસંગે વડોદરા આવ્યા હતા. ધાર્મિક પ્રસંગ પછી શારદાબેન રવિભાઇના ઘરે રોકાયા હતા. શારદાબેનને રાજપીપળા પરત જવું હોવાથી રવિના પત્ની જાગૃતિબેન તેઓને મોપેડ પર બેસાડીને કપુરાઈ ચોકડી ઉતારવા જતા હતા. સાંજે પોણા સાત વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે તેમને ટક્કર મારતા શારદાબેનના માથા પરથી ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું વ્હીલ ચઢી જતા ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, હાથીખાના વિસ્તારમાં રહેતા શારદાબેન રણછોડભાઇ સોલંકી ત્રણ દિવસ પહેલા જ વિટકોસ બસ ડેપોમાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદાર તરીકે નોકરી પર લાગ્યા હતા. ગઇકાલે સવારે તેઓ મહોલ્લાની અન્ય મહિલાઓ સાથે રિક્ષા ચાલક નિઝામુદ્દીન ઇલમુદ્દીન શેખ ( રહે. મનસુરી કબ્રસ્તાન પાસે) ની રિક્ષામાં બેસીને નોકરી પર જતા હતા. કમાટી બાગ રોડ પર એક ઇકો કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલક તથા રિક્ષામાં બેસેલા શારદાબેન અને અન્ય મહિલાઓને ઇજા થઇ હતી. કાર ચાલક તેઓને કારમાં બેસાડી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો. શારદાબેનને ડાબા પગે, મોંઢા પર તથા છાતીમાં ઇજા થઇ હતી. જ્યારે રિક્ષા ચાલક અને અન્ય મહિલાઓને પણ ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. ટૂંકી સારવાર પછી શારદાબેન ( ઉ.વ.૫૪) નું મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.