નવી દિલ્હી29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનું આજે એટલે કે સોમવાર (11 માર્ચ) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 10 ગ્રામ સોનું 680 રૂપિયા વધીને રૂ.65,635 પહોંચ્યું છે. અગાઉ 7 માર્ચે સોનું પહેલીવાર રૂ. 65 હજારને પાર થયું હતું.
સાથે જ આજે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. તે રૂ. 274 મોંઘી થઈને રૂ. 72,539 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. આ પહેલા ગઈકાલે ચાંદીનો ભાવ 72,265 રૂપિયા હતો. ચાંદીએ ગયા વર્ષે એટલે કે 4 ડિસેમ્બર 2023ના રોજ રૂ.77,073ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.
સોનામાં તેજીનાં 4 કારણ:
- 2024માં વિશ્વવ્યાપી મંદીનો ભય
- લગ્નસરાની સીઝનને કારણે સોનાની માગ વધી
- ડૉલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે
- વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે
માર્ચમાં અત્યાર સુધીમાં સોનું 3 હજાર રૂપિયાથી વધુ મોંઘું થયું
માર્ચ મહિનામાં અત્યાર સુધી સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. મહિનાની શરૂઆતમાં એટલે કે 1 માર્ચે સોનું 62,592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 11 માર્ચે ઘટીને 65,635 રૂપિયા થઈ ગયું હતું. એટલે કે માત્ર 11 દિવસમાં તેની કિંમત 3,043 રૂપિયા વધી ગઈ છે. તેમજ, ચાંદી પણ રૂ. 69,977 પ્રતિ કિલોગ્રામથી વધીને રૂ. 72,539 પર પહોંચી ગઈ છે.
સોનું 70 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
માર્કેટ એક્સપર્ટના મતે સોનાના ભાવમાં વધારો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. સાથે જ ચાંદી પણ 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
2023માં સોનું 8 હજાર રૂપિયાથી વધુ મોંઘુ થયું હતું
વર્ષ 2023ની શરૂઆતમાં સોનું 54,867 રૂપિયા પ્રતિ ગ્રામ હતું, જે 31 ડિસેમ્બરના રોજ 63,246 રૂપિયા પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે વર્ષ 2023માં તેની કિંમત રૂ. 8,379 (16%) વધી. તેમજ, ચાંદી પણ રૂ. 68,092થી વધીને રૂ. 73,395 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
સોનું ખરીદતી વખતે આ 4 બાબતોનું ધ્યાન રાખો
1. સર્ટિફાઈડ સોનું જ ખરીદો
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ હંમેશાં ખરીદો. નવા નિયમ હેઠળ 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધારકાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, એવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.
આ નંબર આલ્ફાન્યુમેરિક હોઈ શકે છે, એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા કેટલા કેરેટનું સોનું છે એ જાણવાનું શક્ય બન્યું છે.
2. કિંમત ક્રોસ ચેક કરો
બીજા સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને એની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.
24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ કે એનાથી ઓછા સોનાનો ઉપયોગ થાય છે.
કેરેટ પ્રમાણે કિંમત આ રીતે તપાસો: ધારો કે 24 કેરેટ સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, એટલે કે એક ગ્રામ સોનાની કિંમત 6000 રૂપિયા હતી. આવી સ્થિતિમાં 1 કેરેટ શુદ્ધતાના 1 ગ્રામ સોનાની કિંમત 6000/24 એટલે કે 250 રૂપિયા હતી.
હવે ધારો કે તમારી જ્વેલરી 18 કેરેટ શુદ્ધ સોનાથી બનેલી છે, તો એની કિંમત 18×250 એટલે કે 4,500 રૂપિયા પ્રતિ ગ્રામ છે. હવે તમારી જ્વેલરીના ગ્રામની સંખ્યાને રૂ. 4,500 વડે ગુણાકાર કરીને સોનાની ચોક્કસ કિંમતની ગણતરી કરી શકાય છે.
3. રોકડ ચૂકવશો નહીં, બિલ લો
સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો ઓનલાઈન ઓર્ડર કરો છો તો ચોક્કસપણે પેકેજિંગ તપાસો.
4. રિસેલિંગ પોલિસી જાણો
ઘણા લોકો સોનાને રોકાણ તરીકે જુએ છે. આવી સ્થિતિમાં તમારી પાસે સોનાની રિસેલ વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ઉપરાંત સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી વિશે શો રૂમના કર્મચારીઓ સાથે ચર્ચા કરો.