ગુવાહાટી21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન (AASU)ના વિદ્યાર્થીઓ આસામમાં CAAનો વિરોધ કરી રહ્યા છે.
સોમવારથી દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થઈ ગયો છે. 2019માં જ્યારે આ કાયદો સંસદમાં પસાર કરવામાં આવ્યો ત્યારે દેશમાં ઘણી જગ્યાએ વિરોધ થયો હતો. ગુવાહાટીમાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU)ના બેનર હેઠળ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંસા ફાટી નીકળી હતી. આ પછી CAAનો મુદ્દો અટકી ગયો હતો.
હાલમાં, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા અંગે નિવેદન આપ્યું હતું, ત્યારે AASUએ વિરોધની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ વખતે 30 આદિવાસી સંગઠનો અને 16 પક્ષોનું વિપક્ષી મંચ વિરોધમાં ઉતર્યુ છે. એક દિવસ પહેલા, AASUએ રાજ્યમાં 12 કલાકની ભૂખ હડતાળ પણ કરી હતી. હવે મંગળવારથી રાજ્યમાં તેમના દેખાવો કરશે.
પોલીસ સ્ટેશનમાં હંગામી જેલ બનાવવામાં આવી રહી છે
આસામ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધને રોકવા માટે ગુવાહાટીમાં વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાલી પડેલી જગ્યામાં હંગામી જેલો બનાવવામાં આવી રહી છે.રાજકીય વિશ્લેષકોના મતે જો આ વખતે આંદોલન હિંસક બનશે તો તેની અસર રાજ્યની તમામ 14 લોકસભા સીટો પર પડશે. .
ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે 9 બેઠકો જીતી હતી. આસામમાં, કોંગ્રેસની આગેવાની હેઠળના 16 પક્ષોના સંયુક્ત વિપક્ષ મંચે CAAની સામે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મંચના સભ્યો ગુરુવારે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર તરફથી આસામના લોકો પર CAA લાદવાને અટકાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
હાઈકોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખોઃ CM
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, રાજકીય પક્ષોએ CAA વિરુદ્ધ બંધનું એલાન કરતા પહેલા ગૌહાટી હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખવો જોઈએ, નહીં તો તે પક્ષોનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. આ અંગે આસામ રાષ્ટ્રિય પરિષદના પ્રવક્તા ઝિયાઉર રહેમાને કહ્યું, “હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઓળખની સંકટની વાત આવે છે, ત્યારે લોકો રસ્તા પર આવી જશે.”
AASUનો આરોપ: કાર્યકરોને વિરોધ કરતા રોકવા માટે પોલીસ બોન્ડ ભરાવી રહી છે
ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી શંકર જ્યોતિ બરુઆએ ભાસ્કરને જણાવ્યું હતું કે CAA આસામના સાંસ્કૃતિક અને વસ્તી વિષયક બાબતો માટે જોખમી છે. આ આસામની જાતિના અસ્તિત્વને ખતમ કરવાનું કાવતરું છે. અમે લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે તેની સામે સતત વિરોધ કરીશું. સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરીશું. 30 સંગઠનો અમારી સાથે છે. અમને આશા છે કે લોકો આગળ આવશે. તેથી જ સરકાર હંગામી જેલ પણ બનાવી રહી છે. અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશન બોલાવીને આંદોલનથી દૂર રહેવા માટે બોન્ડ પેપર પર સહી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેકના ઘરે નોટિસ મોકલવામાં આવી છે.
બંગાળી હિન્દુઓને નાગરિકતા આપવાનો પ્રયાસ
વરિષ્ઠ પત્રકાર સમીર કાર પુરકાયસ્થનું કહેવું છે કે NRCમાં નામ ન આવવાને કારણે હિન્દુ બંગાળી સમુદાય ભાજપથી નારાજ છે. તેથી, CAA દ્વારા બંગાળી હિન્દુઓને નાગરિકતા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો આસામમાં હિન્દુ બંગાળીઓ ભાજપની વિરુદ્ધ જશે તો પક્ષને પશ્ચિમ બંગાળમાં પણ નુકસાન વેઠવું પડશે. આસામમાં 34% મુસ્લિમો છે, જ્યારે 70 લાખ હિન્દુઓ બંગાળી છે. આ ભાજપની વોટ બેંક છે.
આ સમાચાર પણ વાંચો…
ભાસ્કર એક્સપ્લેનર- 4 વર્ષ, 8 એક્સટેન્શન પછી CAA લાગુ, 31 હજાર લોકો પર સીધી અસર; મુસ્લિમો કેમ ડરે છે, શું ફરી વિરોધ થશે
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપતો કાયદો આજથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ, રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન કાયદાને મંજૂરી આપી હતી. 6 મહિનામાં નિયમો બનાવવા અને અમલમાં મૂકવાના હતા, પરંતુ 4 વર્ષ અને 8 એક્સટેન્શન પછી, સરકારે 11 માર્ચે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું.